વિશુધ્ધ મનને ઇશ્વરની જરૂર નથી

કેટલાંક વિદ્વાન મિત્રો કહે છે કે આસ્તિકોની જેમ નાસ્તિકો પણ માને છે કે આ જગતના સર્જન અને સંચાલન પાછળ કોઇક ગૂઢ શક્તિ છે જ. આવા મિત્રોને પ્રત્યુત્તરમાં જણાવવાનું કે જી ના મિત્રો કોઇક નાદાન નાસ્તિક એવું માનતો હોય તો એ એનો વ્યક્તિગત અભિપ્રાય છે. બાકી જે નાસ્તિક વ્યક્તિ રેશનાલીસ્ટ છે તે એવું કદાપિ માની શકે નહી જ કારણ કે રેશનાલીસ્ટ-નાસ્તિક વિવેકબુધ્ધિનીષ્ઠ હોય છે. તે પોતાના અભ્યાસને પોતાના તર્ક અને અનુભવની એરણ પર ચકાસીને જ આ જગતનો કર્તા કોઇ દિવ્ય ઇશ્વર નથી એવું સ્પષ્ટ પણે માને છે.

 આસ્તિક માને છે કે જગતનિયંતા ઇશ્વર ન્યાયી, દયાળુ, સર્વજ્ઞ, સર્વવ્યાપી અને સર્વશક્તિમાન છે. પરંતુ જો એવુ઼ હોત તો આ જગત દ્વંદ્વાત્મક હોત જ નહી. અર્થાત તો તો અહીંયા દયાની સાથે ક્રૂરતા, ન્યાયની સાથે અન્યાય, અહિંસાની સાથે હિંસા, સત્યની સાથે અસત્ય, નિર્ભયતાની સાથે ભય, સુરક્ષિતતાની સાથે અસુરક્ષિતતા, ભવ્યતાની સાથે ભયંકરતા, નિશ્ચિતતાની સાથે અનિશ્ચિતતા વગેરે જેવા દ્વંદ્વો જગતમાં હોત જ નહી. દયાળુ અને ન્યાયી ઇશ્વર એક જીવ બીજા જીવને નિર્દયતા અને ક્રૂરતાથી ખાઇ જઇને જ પોતાનું અસ્તિત્વ ટકાવી શકે એવી રચના કરે જ નહી.

વાસ્તવમાં ઇશ્વર ન હોવા છતાં માણસ ઇશ્વર માને છે તેનાં મુખ્ય ત્રણ કારણો છે (1) જન્મજાત કૂસંસ્કાર અર્થાત ગળથૂથીમાં આપવામાં આવેલ વારસાગત સંસ્કાર (2) બુધ્ધિમાં ખામી અર્થાત તર્કશક્તિનો તિવ્ર અભાવ. અર્થાત આવું કેમ અને શા માટે એવો સંશોધાત્મક પ્રશ્ન મગજમાં કદિ ઉદ્દભવે જ નહી એવી ટૂંકી બુધ્ધિ અને (3) ચરિત્રમાં ખામી (અર્થાત ચરિત્ર એટલે ચારિત્ર નહીં) પરંતુ ચરિત્રમા ખામી એટલે નૈતિકતાનો અભાવ. વિચાર-વાણી-વર્તનમા બેવડું વલણ. બહારથી કંઇક અને અંદરથી પણ કંઇક. માનવીયતાની ગેરહાજરી આવો માણસ મનમાં ભયભીત હોય છે. તેથી એ ભયમાંથી આશ્વાસન મેળવવા તે ઇશ્વરને માને છે. બાકી જેનું ચરિત્ર વિશુધ્ધ છે (જેમ કે બુધ્ધ અને મહાવીર) તેને કોઇ ભય નથી. માટે તેમને ઇશ્વરની જરૂર નથી.

કડોદ     – એન.વી. ચાવડા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts