Columns

ત્યાગનું અભિમાન

એક સ્મશાનમાં એક વ્યક્તિ ચિતાની આગ પર પોતાને ભિક્ષામાં મળેલા લોટના રોટલા શેકતો હોય છે.તે અલગારી સાધુ; રાજા ભર્તૃહરી [ભરથરી] હોય છે, જેણે પોતાની રાણી પીંગળાની બેવફાઈ બાદ રાજપાટ બધું જ ત્યાગી દીધું હોય છે અને વૈરાગી બની એક ગુફામાં બાર વર્ષ સુધી તપ કર્યું ….વૈરાગ્યશતકની રચના કરી અને સંત પદ મેળવ્યું હતું. મા પાર્વતીજી ભગવાન શંકરને કહે છે કે, ‘સ્વામી, આ સાધુ સાવ અલગારી છે,આટલું તપ કરે છે, કોઈ મોહ નથી,ભિક્ષા મળે તો સ્મશાનમાં બેસી રોટલા શેકી ખાય છે અને ન મળે તો ભૂખ્યો રહે છે.

તમારે હવે તેને દર્શન આપવા જોઈએ.’ભગવાન શંકર કહે છે કે, ‘દેવી, મને ખ્યાલ છે પણ હજી સમય નથી થયો.’મા પર્વતી જીદ કરે છે એટલે પ્રભુ કહે છે, ‘ચાલો મારી સાથે …’ભગવાન શંકર અને દેવી પાર્વતી જ્યાં સાધુ ભર્તૃહરી ત્રણ દિવસ બાદ મળેલા ભિક્ષાના લોટમાંથી રોટલા બનાવતો હોય છે ત્યાં આવે છે.તેણે ચાર રોટલા બનાવ્યા હોય છે.ભગવાન શંકર દેવી પાર્વતીને કહે છે કે, ‘તમે અહીં ઊભાં રહો.’અને પોતે અઘોરી સાધુ બની ભર્તૃહરી પાસે જાય છે અને કહે છે, ‘મને ભૂખ લાગી છે કૈંક આપ.’ભર્તૃહરી તરત જ પોતે બનાવેલા ચાર રોટલા અઘોરી સાધુ બનેલા ભગવાનને આપી દે છે.દૂર ઊભેલાં માતા પાર્વતી ખુશ થાય છે.

રોટલા લઈને પોતાની ઝોળીમાં મૂકી અઘોરી સાધુ ભર્તૃહરીને કહે છે, ‘આ ભિક્ષા પાત્ર તો ખાલી છે અને તેં બનાવેલા બધા રોટલા મને આપી દીધા તો હવે તું શું ખાઇશ? તારે ચારે ચાર રોટલા મને નહોતા આપવા, પહેલાં વિચાર તો કરવો હતો.’ભર્તૃહરી બોલી ઊઠે છે કે, ‘અરે, મેં તો એક ઝાટકે બધું રાજપાટ છોડી દીધું અને જો હું આખા રાજ્યનો ત્યાગ કરી શકું તો પછી આ તો માત્ર ચાર રોટલા છે…ચાર રોટલાનો ત્યાગ કરવામાં વળી શું વિચારવાનું? ભર્તૃહરીનો જવાબ સાંભળી અઘોરી સાધુ બનેલા ભગવાન શિવ મંદ મંદ હસતા ત્યાંથી ચાલ્યા જાય છે.

માતા પાર્વતી પાસે જઈને ભગવાન શંકર કહે છે, ‘જોયું દેવી, હજી આ સાધુમાં સંપૂર્ણ સાધુતા નથી આવી.તેને રોટલા આપી દીધા તે સારું કર્મ પણ તેના જવાબમાં તેણે પોતે વર્ષો પહેલાં કરેલા ત્યાગનું અભિમાન હજી સુધી ડોકાઈ રહ્યું હતું,ભલે તેણે ત્યાગ કર્યો છે, ભક્તિ કરી છે, વૈરાગ્ય ધારણ કર્યો છે પણ મનમાં   પોતે કોઈ પણ મોટો ત્યાગ કરી શકે છે તેવું અભિમાન છે ત્યાં સુધી આપણે તેને દર્શન ન આપી શકીએ,સંપૂર્ણ વૈરાગી બનવા તેણે પોતે કરેલા ત્યાગ વિશેના અભિમાનને પણ ત્યાગવું પડશે.ત્યારે તે સાચો વૈરાગી બનશે.’

Most Popular

To Top