ચોમાસા પહેલાં વીજ તંત્રની કામગીરી પૂર્વવત: ફીડરોમાં સમારકામ ઝડપી બનાવાયું: સૌરભ પટેલ

કોરોના વૈશ્વિક મહામારીના પ્રતિકૂળ સંજોગોમાં પણ આગામી ચોમાસા ઋતુની પૂર્વ તૈયારીને ધ્યાને લેતાં વીજ વિતરણના માળખાની સમારકામ પ્રવૃત્તિઓ અનુસંધાને વિવિધ ફિડરોનું સમારકામ વીજ વિતરણ કંપનીઓ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. અને સાથે સાથે રાજ્યના વીજગ્રાહકોના પ્રશ્નો તથા વીજ વિભાગની કામગીરી આજથી પૂર્વવત શરૂ કરી દેવાઈ છે.
રાજ્યના ઊર્જામંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના વીજ ગ્રાહકોને ગુણવતાયુક્ત અને 24×7 કલાક અવિરત વીજ પૂરવઠો મળી રહે એ માટે જી.યુ.વી.એન.એલ. હેઠળ કાર્યરત ચારેય વીજ વિતરણ કંપનીઓ DGVCL, MGVCL, PGVCL અને UGVCL દ્વારા વિવિધ વીજ સેવા આવશ્યક પગલાં અને કાર્યો હાથ ધરવામાં આવી રહ્યાં છે. આ ગ્રાહકલક્ષી કાર્યોમાં ગ્રાહકોની વ્યક્તિગત ફરિયાદ, કોઈપણ વિસ્તારની ફરિયાદ કે કોઈપણ ફીડર બંધ હોવાની નોંધણી વીજ વિતરણ કંપનીઓના 24×7 કલાક કાર્યરત ગ્રાહક સેવા કેન્દ્ર (Customer Care Centres) દ્વારા નોંધણી કરી નિકાલ કરવો વગેરેનો સમાવેશ થાય છે. આ કામગીરીને સત્વરે હાથ ધરાશે.
સૌરભ પટેલે જણાવ્યું હતું કે, વીજ વિતરણ કંપનીઓ દ્વારા વિવિધ કામગીરીઓ પણ શરૂ કરાઈ રહી છે. જેમાં નવા રહેણાક, વાણિજ્ય, ઔદ્યોગિક વગેરે હેતુ માટેનાં વીજ જોડાણોની અરજીઓનો સરવેની કામગીરી, એસ્ટિમેટ આપવાની કામગીરી, વીજ વિતરણ માટે વીજલાઈન ઊભી કરવાની કામગીરી તેમજ વીજ મીટર લગાડી વીજ જોડાણ ચાલુ કરવાની કામગીરી, ગ્રાહકોનાં હયાત વીજ જોડાણોમાં વીજભાર વધારો મંજૂર કરવાની કામગીરી, ગ્રાહકોના વીજ સ્થાપનના ખામીયુક્ત વીજ મીટરો બદલવાની કામગીરી, દરેક ક્ષેત્રિય, વિભાગીય તથા પેટા-વિભાગીય કચેરીના સ્તરેથી જરૂરી માલસામાનની તથા કોન્ટ્રાક્ટરના કારીગરોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાની કામગીરી, સોલાર રૂફ ટોપ જોડાણમાં જે કનેક્શનની સોલાર સિસ્ટમ લાગી ચૂકી છે તેવાં વીજ જોડાણોમાં મીટર લગાવવાની કામગીરી, ગુજરાતમાં આવેલા મટિરિયલ્સના ઉત્પાદકોને ત્યાં ઇન્સ્પેક્શનની કામગીરી, ગુજરાતમાં આવેલા સોલાર પેનલના ઉત્પાદકોને ત્યાં ઇન્સ્પેક્શનની કામગીરી તેમજ ગ્રાહકોને ત્યાં લગાડવામાં આવતાં વીજ મીટરના ટેસ્ટિંગની કામગીરીનો સમાવેશ થાય છે.

Related Posts