દેશમાં સ્થળાંતરિત શ્રમિકોની સમસ્યા ધાર્યા કરતા ઘણી મોટી પુરવાર થઇ છે

આપણા દેશમાં કોરોવાયરસના ફેલાવાને રોકવા ૨૫ માર્ચથી રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન અમલમાં મૂકવામાં આવ્યું ત્યાર બાદ થોડા જ સમયમાં દેશના વિવિધ વિસ્તારોમાં ફસાયેલા પરપ્રાંતિય કામદારોની મુશ્કેલીઓના સમાચારો બહાર આવવા માંડ્યા. કારખાનાઓ બંધ થઇ ગયા, કામદારો અને મજૂરોની અાવક બંધ થઇ ગઇ, તેમને ખાવા પીવા સહિત રોજીંદા જીવન નિર્વાહની પણ મુશ્કેલીઓના સંજોગો ઉભા થયા, જે ઘરોમાં ભાડેથી રહેતા હતા તેના ભાડા તો ભરવાના જ હતા અને આ કામદારો એ દેખીતી રીતે જ ગમે તેમ કરીને વતન જતા રહેવા માટે ઉતાવળ કરવા માંડી.

શરૂઆતમાં તો આ કામદારોને સમજાવીને આશ્રય સ્થાનો જેવી જગ્યાઓએ મોકલી દેવાયા, પરંતુ ત્યાં પણ તેઓ કેટલા સમય માટે રહી શકે? તેમાં પણ કુટુંબ સાથે પરપ્રાંતમાં રહેતા શ્રમિકોની હાલત તો વધુ કફોડી હતી. થોડો સમય શાંતિ રહ્યા બાદ, ખાસ કરીને લૉકડાઉન લંબાવવામાં આવ્યા બાદ આ શ્રમિકોમાં અજંપો ફરી વધવા માંડ્યો. છેવટે સરકારે તેમને પોતાના વતન રવાના કરવા માટે મંજૂરી આપી, શરૂઆતમાં તો જમીન માર્ગે તેમને વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી પરંતુ દેખીતી રીતે જ આ કામદારોની વિશાળ સંખ્યાની સામે આ વ્યવસ્થા ટાંચી પડી અને ખાસ ટ્રેનો દોડાવવાની વ્યવસ્થા કરવી પડી. આ ટ્રેનોને શ્રમિક સ્પેશ્યલ ટ્રેનનું નામ આપવામાં આવ્યું. આ ટ્રેનો દ્વારા શ્રમિકોને તેમના વતન પહોંચાડવાની જંગી કામગીરી શરૂ થઇ અને વિશ્વભરમાં આ પ્રકારની કદાચ આ સૌથી મોટી કામગીરી હતી. આ કામગીરીમાં પણ અનેક ગુંચવાડાઓ સર્જાયા, અંધાધૂંધીઓ અને અરાજકતાઓ ઉભી થઇ. મોટા પ્રમાણમાં કામદારોને તેમના વતન પહોંચાડવાની કામગીરીમાં સોશ્યલ ડિસ્ટન્સીંગના તો ક્યાંય ધજાગરા ઉડી ગયા. અને આમ છતાં ઘણા બધા શ્રમિકો વતન જવાથી વંચિત રહી ગયા. વળી કેન્દ્ર અને રાજ્યો તથા વિવિધ રાજયો અનેે વિવિધ તંત્રો વચ્ચે સંકલનના અભાવે આવા ઘણા શ્રમિકોને ખૂબ હાલાકી વેઠવી પડી.

હવે તો ઘણા દિવસો થઇ ગયા છે આ શ્રમિકોને વતન પહોંચાડવાની કામગીરી શરૂ થયાને, છતાં હજી ઘણા પરપ્રાંતિય શ્રમિકો પોતાના વતન જવા માટે હજી ઝઝૂમી રહ્યા છે. સમયે સમયે અનેક વિસ્તારોમાં પરપ્રાંતિય કામદારોના અજંપાના સમાચારો બહાર આવતા રહે છે. આપણા સુરતના વરેલીમાં હાલ થોડા દિવસ પહેલા પરપ્રાંતિય કામદારોએ કેવું તોફાન મચાવ્યું હતું તે બધાને યાદ હશે. દક્ષિણ ગુજરાતના બીજા વિસ્તારોમાંથી પણ આવા તોફાનના સમાચાર બહાર આવ્યા છે. આ બધા વચ્ચે મુંબઇથી અહેવાલ આવ્યા છે કે ત્યાંના બાંદ્રા ટર્મિનસ સ્ટેશને હજારોની સંખ્યામાં પરપ્રાંતિય કામદારો શ્રમિક સ્પેશ્યલ ટ્રેન પકડવા ભેગા થઇ ગયા છે અને ભારે અંધાધૂંધી સર્જાઇ છે. મુંબઇથી ઘણા બધા યુપીના કામદારો તો રીક્ષા જેવા ખાનગી વાહનોમાં રવાના થઇ ગયા હોવા છતાં આવી સ્થિતિ છે અને વિવિધ દુર્ઘટનાઓમાં અનેક સ્થળાંતરિત કામદારોના જીવ ગયા તે તો જુદી જ વાત છે. આ બધા પરથી પુરવાર થાય છે કે સ્થળાંતરિત શ્રમિકોની સમસ્યા આપણા દેશમાં ધાર્યા કરતા વધુ પ્રચંડ છે અને સરકારને પણ કદાચ સ્વપ્નેય ખ્યાલ નહીં હશે કે આના કારણે ક્યારેક આવી સ્થિતિ પણ સર્જાઇ શકે છે. હવે તો આ બધી ઘટનો પરથી દેશના તમામ વિસ્તારોનો સમતોલ વિકાસ કરવાના પ્રયાસો થાય તો સારું.

Related Posts