Entertainment

પ્રણયત્રિકોણનો ત્રીજો ખૂણો રહેમાન

રહેમાન ઇન્ડિયન એર ફોર્સના પ્રશિક્ષિત પાયલટ હતા એવું આજે કોઇ કહે તો માની ન લેવાય પણ રાજકુમાર જો પોલીસ અધિકારી હતા એમ માની લો તો રહેમાન પાયલટ હતા તે પણ માની લો. એ વાત જૂદી કે તેમણે પાયલટ નહોતું રહેવું અને એટલે તેઓ વિમાન ઉડાવવાનું છોડી મુંબઇ આવી ગયા. તેમનો ચહેરો જ એવો કે તમે તેને ડોકટર કે પ્રોફેસર કે સજ્જન મોટાભાઇ જેવી ભૂમિકામાં જ વિચારી શકો.

તે વખતે બલરાજ સાહનીથી માંડી ઇફિતખાર એવા જ લુક ધરાવતા હતા. લુક પ્રમાણે પાત્રો મળે. ટેલેન્ટ ગમે તે હોય. જો કે રહેમાને ફિલ્મોમાં કારકિર્દીનો આરંભ વિશ્રામ બેડેકર નામના દિગ્દર્શકના ત્રીજા સહાયક તરીકે કરી. રહેમાન મૂળ લાહોરના હતા અને પશ્તુન હતા. વિશ્રામ બેડેકરને એક ફિલ્મમાં પરતુની પાઘડી પહેરેલા હીરોની જરૂર પડી અને રહેમાન અચાનક જ હીરો બની ગયા. સુરૈયા સાથેની ‘પ્યારકી જીત’ સફળ ગઇ અને તેનું ‘એક દિલ કે ટ્રકડે હજાર હુએ એક યહાં ગીરા એક વહાં ગીરા’ ગીત પણ બહુ ચાલ્યું પછી રહેમાન સામે અભિનય જ કારકિર્દી બની ગયો.

‘ચાંદ’માં બલરાજ સાહની, મીનાકુમારી, મનોજકુમાર હતા ને રહેમાન હતા પણ સુરૈયા સાથેની જ ‘બડી બહન’ પણ ખૂબ સફળ રહી. એ ફિલ્મ પછી તો સુરૈયાને પરણવા ઇચ્છુકોની યાદીમાં રહેમાન પણ ઉમેરાય ગયા પણ સુરૈયા અને દેવઆનંદના પ્રેમપ્રકરણને કારણે રહેમાનનું પ્રકરણ આગળ ન વધ્યુ. રહેમાન હીરો તો બન્યા પણ તે વખતે દિલીપકુમાર, રાજકપૂર, દેવઆનંદ, ભારતભુષણ જેવા અનેકની બોલબોલા હતી એટલે ધીમે ધીમે તેમણે સહાયક અભિનેતાની ભૂમિકા સ્વીકારવા માંડી, ગુરૂદત્તે ‘પ્યાસા’ની ભૂમિકા આપી પછી તો તેઓ અનેકની નજરે ચડી ગયા.

રહેમાને પણ હીરો તરીકે રહેવાની જીદ છોડી દીધી હતી અને ગુરુદત્તે તેમને ‘ચૌદવીંકા ચાંદ’માં નવાબની મહત્ત્વની ભૂમિકા આપી અને એજ રીતે ‘સાહિબ બીવી ઔર ગુલામ’માં મીનાકુમારી (છોટી બહુ)ના પતિ છોટે સરકારની ભૂમિકા આપી. આ બધા પાત્રો ખલનાયકના ન હતા પણ તેમાં ખલનાયકી જરૂર હતી એટલે તેમને એવા જ પાત્રો મળતા ગયા જે ફિલ્મમાં મહત્ત્વના હોય પણ તેમાં થોડી પ્રણયત્રિકોણવાળી ફિલ્મમાં તેઓ ફિલ્મના હીરોની પ્રેમિકાના પતિ યા પ્રેમી બન્યા. ‘દિલને ફિર યાદ કિયા’ આ રીતની જાણીતી ફિલ્મ છે. ‘યે રાસ્તે હે પ્યાર કે’માં પણ સુનીલ દત્તને પરણેલી નીના (લીલા નાયડુ) અશોક (રહેમાન)ના પ્રેમમાં પડે છે અને રહેમાનને સુનીલદત્તનું પાત્ર મારી નાંખે છે. રહેમાન હંમેશા પ્રેમકહાનીના ‘ત્રીજા’ બની ગયા પણ ‘વકત’ ફિલ્મના ચીનોય શેઠ તેમાં જૂદા છે.

રહેમાને ઇચ્છયું હોત તો પ્રાણ, અજિત, મદનપુરીની જેમ વિલન બની ગયા હોત પણ તેમણે જૂદી જગ્યા ઊભી કરી. તમે ‘ફીર સુબહ હોગી’, ‘છોટી બહન’, ‘છલીયા’, ‘મેરે મહેબૂબ’, ‘ગઝલ’, ‘દિલ દિયા દદે લિયા’, ‘ઇન્તકામ’, ફિલ્મો યાદ કરો તો થશે કે પોતાના વ્યકિતત્વને તેમણે જાળવી રાખ્યું. તેમનામાં દેખાતું સોફિસ્ટિકેશન એ વખતના અમુક જ અભિનેતાઓમાં હતું. 1983ની ‘હીરો’ સુધીમાં તેમણે 117 જેટલી ફિલ્મોમાં કામ કર્યું. રાજેશખન્ના સાથેની ‘દુ:શ્મન’ ધર્મેન્દ્ર સાથેની ‘દોસ્ત’, અમિતાભ સાથેની ‘મજબૂર’ રાજેશખન્ના સાથેની ‘આપકી કસમ’ અને ‘ધનવાન’ જેવી ઘણી ફિલ્મો તેમના પાછલા વર્ષમાં આવી.

આપણે ત્યાં અમુક ફિલ્મકળાકારોની જન્મશતાબ્દી ઉજવાય છે એટલે કહેવામાં ફાયદો નથી બાકી આ 23મી જૂને તેઓનું શતાબ્દી વર્ષ શરૂ થાય છે. રહેમાન 1984માં મૃત્યુ પામેલા એટલે મૃત્યુને ય હવે 39 વર્ષ થયા. નવી પેઢીને તેઓ બહુ યાદ ન હશે પણ રહેમાનનું ફિલ્મજગતમાં એક ખાસ સ્થાન હતું અને આ સ્થાન ઊભું કરી આપવામાં ગુરુદત્ત મહત્ત્વના હતા. મોટા દિગ્દર્શકો અનેક અભિનેતા-અભિનેત્રીના જીવનમાં નિર્ણાયક ભૂમિકા ભજવતા હોય છે. રહેમાનને ગુરુદત્ત માટે ખાસ લાગણી હતી તે આ કારણે.

Most Popular

To Top