કર્ણાટક: બેંગલુરુની છ શાળાઓમાં બોમ્બની ધમકીનો ઈમેલ આવતા ગભરાટ ફેલાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર હાલ તમામ છ શાળાઓમાં પરીક્ષાઓ ચાલી રહી છે. દરમિયાન, સવારે 11 વાગ્યે, એક ઈમેલ આવ્યો હતો કે શાળાના પરિસરમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે. આ પછી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલ સર્ચ ઓપરેશનમાં ક્યાંયથી વિસ્ફોટક સામગ્રી મળી નથી.
પોલીસનું કહેવું છે કે અત્યાર સુધી તે ફેક મેસેજ હોવાનું જણાય છે. પોલીસે જણાવ્યું છે કે કોરોના સંક્રમણ ઓછુ થવાનાં કારણે હવે તમામ શાળાઓ ખુલી છે અને જે છ શાળાઓમાં ઈમેલ આવ્યા હતા ત્યાં પરીક્ષાઓ ચાલી રહી છે. પોલીસે ધમકી મળતા તમામ શાળાઓને ખાલી કરાવી હતી.
બેંગ્લોરની આ શાળાઓને બોમ્બની ધમકીના ઈમેલ મળ્યા હતા
- ડીપીએસ વર્થુર
- ગોપાલન ઇન્ટરનેશનલ સ્કૂલ
- ન્યૂ એકેડમી સ્કૂલ
- સેન્ટ વિન્સેન્ટ પોલ સ્કૂલ
- ઇન્ડિયન પબ્લિક સ્કૂલ ગોવિંદપુરા
- ઇબેનેઝર ઇન્ટરનેશનલ સ્કૂલ, ઇલેક્ટ્રોનિક સિટી
વાલીઓને પોતાના બાળકોને લઈ જવા જણાવ્યું
પોલીસે જણાવ્યું કે ઈમેલ મળતાની સાથે જ પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને તમામ શાળાઓમાં મોકલવામાં આવી હતી. તમામ શાળાઓ ખાલી કરાવ્યા બાદ તુરંત ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. કેટલીક શાળાઓ પરીક્ષાઓ લઈ રહી હતી. વાલીઓને આવીને બાળકોને લેવા માટે કહેવામાં આવ્યું હતું. વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે, પોલીસ અધિકારીઓએ ખાતરી કરી હતી કે પરીક્ષામાં ખલેલ ન પહોંચે.
ઈમેલમાં શું લખ્યું હતું
તમામ શાળાઓને મોકલવામાં આવેલ ઈમેલમાં લખ્યું હતું: “તમારી શાળામાં ખૂબ જ શક્તિશાળી બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યો છે, ધ્યાન એ મજાક નથી, આ કોઈ મજાક નથી, તમારી શાળામાં ખૂબ જ શક્તિશાળી બોમ્બ મૂકવામાં આવ્યો છે, તરત જ પોલીસ અને સેપર્સને બોલાવો, તમારા સહિત સેંકડો જીવો ભોગવી શકે છે, મોડું ન કરો, હવે બધું ફક્ત તમારા હાથમાં છે!”