ભાજપ હોય કે કોંગ્રેસ કોઈ પણ રાજનેતાને સવાલ પૂછતાં લોકો પસંદ નથી

મારી જિંદગીનો મોટો હિસ્સો એવો પસાર થયો કે મને શીખવાડવામાં આવ્યું કે સવાલ પૂછીશ નહીં, પણ હું જયારે પત્રકારત્વની સ્કૂલમાં આવ્યો ત્યારે મને શીખવાડવામાં આવ્યું કે પત્રકાર થવું હોય તો સવાલ થવો જોઈએ

પ્રશાંત દયાળ

આપણુ શિક્ષણ આપણા ઘરથી શરૂ થાય છે અને ઉચ્ચ શિક્ષણ સુધી આપણા શિક્ષણની પ્રક્રિયા નિરંતર ચાલતી રહે છે,પરંતુ આપણા ઘરથી સ્કૂલ અને કોલેજના શિક્ષણમાં ખોટ છે કારણ આપણા ઘરથી શરૂઆત થાય છે.હું નાનો હતો અને જયારે મારા માતા પિતાના કોઈ નિર્ણય સામે હું પૂછતો કે આવું કેમ? તો તેઓ મને કહેતા, સામો સવાલ પૂછીશ નહીં,અમે જે કરીએ છીએ તે તારે કરવાનું છે,સ્કૂલમાં પણ મારા શિક્ષક મને કહેતા, સામો સવાલ કરીશ નહીં, આમ મને દરેક તબકકે એવું કહેવામાં આવતું હતું કે સવાલ કરીશ નહીં .તેનું કારણ એવું હતું કે મારા માતા-પિતા અને શિક્ષક માનતા હતા કે તેઓ જે કંઈ કરે છે તે મારા ભલા માટે કરે છે. જે કદાચ સાચું પણ હતું, પણ આમ છતાં મારી ભલાઈને લઈ મારા મનમાં કેટલાંક સવાલ હતા, પણ તેઓ મને કહેતા સવાલ
પૂછીશ નહીં.
આમ મારી જિંદગીનો મોટો હિસ્સો એવો પસાર થયો કે મને શીખવાડવામાં આવ્યું કે સવાલ પૂછીશ નહીં, પણ હું જયારે પત્રકારત્વની સ્કૂલમાં આવ્યો ત્યારે મને શીખવાડવામાં આવ્યું કે પત્રકાર થવું હોય તો સવાલ થવો જોઈએ.સરકાર અને તંત્ર પોતાના દાવાઓ કરે ત્યારે તેમના દાવાઓ અંગે સવાલ થવો જોઈએ,પણ જયારે મેં તંત્રને સવાલ પૂછવાની શરૂઆત કરી તો ખબર પડી કે ઘર અને સ્કૂલની જેમ તંત્રની ઈચ્છા પણ એવી છે કે તેઓ જે કરે છે તે મારે માની લેવાનું, કારણ તંત્ર અને નેતાઓ પણ દાવો કરે છે તેઓ જે કંઈ નિર્ણય કરે તે મારી ભલાઈ માટે કરે છે. 2008 માં અમદાવાદના પોલીસ કમિશનર ઓ. પી. માથુરની નિયુકતિ થઈ ત્યારે મને સવાલ થયો કે જે પોલીસ અધિકારી સામે ગંભીર પ્રકારના આરોપ હોય તેવા અધિકારીને કઈ રીતે પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા. બસ મેં આ સવાલ પૂછવાની હિમંત કરી અને મારી ઉપર રાજદ્રોહની છ ફરિયાદ દાખલ કરી દેવામાં આવી.મારી ભૂલ હતી કે મેં સવાલ પૂછવાની ભૂલ કરી હતી.
આવી જ ઘટના થોડા દિવસ પહેલાં અમદાવાદના એક સાવ જુનિયર પત્રકાર ધવલ પટેલ સાથે બની. તેણે સવાલ પણ પૂછયો નહોતો, પણ તેની પાસે માહિતી હતી કે મુખ્યમંત્રી વિજય રૂપાણીને હટાવી, તેમના સ્થાને મનસુખ માંડવીયાને મૂકવામાં આવી રહ્યા છે. સંભવ છે કે ધવલની માહિતી ખોટી હોઈ શકે, પણ આ બાબત વિજય રૂપાણીને પસંદ પડી નહીં અને ધવલ પટેલ સામે રાજદ્રોહની ફરિયાદ નોંધી અને ધવલ હમણાં સાબરમતી જેલમાં છે. આવું ભાજપના જ નેતાઓ કરે છે તેવું નથી, દેશભરમાં સવાલ પૂછનાર પત્રકાર,એકટીવીસ્ટ સહિત અને નાગરિકોને કોંગ્રેસ સહિત વિવિધ રાજય સરકારોએ સવાલ પૂછનારને જેલમાં ધકેલી દીધા હતા.
આમ આપણા પ્રારંભિક શિક્ષણમાં ખોટું શિક્ષણ મળતું હોવાને કારણે દેશનો એક મોટો વર્ગ સવાલ પૂછવાનું જ ભૂલી ગયો છે.1990 ના દસકામાં કોંગ્રેસનું શાસન હતું,ચીમનભાઈ પટેલ મુખ્યમંત્રી હતા,નર્મદા યોજનાનું કામ પૂરજોશમાં હતું, પણ એકટીવીસ્ટ મેધા પાટકર અને બાબા આમટે સહિત જેમની જમીન નર્મદાને કારણે ડુબમાં જતી હતી તેમના મનમાં કેટલાક સવાલ હતા, પણ કોંગ્રેસ સરકારને પણ સવાલ પૂછનાર પાટકર અને આમટે પસંદ ન્હોતો, અને તેમની પાસે પણ પોલીસ કેસ ઠોકી દેવામાં આવ્યા હતા. આમ તમામ સરકારોને સવાલ પૂછનાર ગમતા નથી.આવું કેમ તેનું કોઈ સિક્રેટ કારણ નથી,જેમની પાસે સત્તા છે તેઓ એવું માને છે કે સવાલ પૂછનાર તેમની સત્તાને પડકારી રહ્યા છે.
ખરેખર, જેઓ સત્તાસ્થાને બેઠા છે તેમને સત્તા તો આપણે જ આપણા મત દ્વારા સોંપી છે એટલે જેને આપણે સત્તાની ખુરશીમાં બેસાડયા છે તેમની જ સત્તા પડકારનો પ્રશ્ન જ નથી. આમ છતાં જેઓ સત્તા સ્થાને બેઠા છે તેવા તમામ રાજનેતાઓ માને છે કે સવાલ પૂછનાર તેમને પડકારી રહ્યો છે. આવું સરકારો જ કરે છે તેવું નથી. ઘર હોય, ખાનગી કંપની હોય, દુકાન હોય અથવા કોઈ સંસ્થા હોય તેમાં પણ જે વડા છે તેઓ કાયમ એવું જ માને છે કે તેઓ જે કરે છે તે ઉત્તમ અને ન્યાયી છે, એટલે તેમના નિર્ણય ઉપર શંકા કરવાની નહીં અને સવાલ પૂછવાનો નહીં, પણ આપણે તેવું કરી શકીએ નહીં કારણ આપણે સર્કસના પ્રાણી નથી કે આપણો રીંગ માસ્ટર આપણને જે આદેશ આપે તેનું પાલન કરી, આપણને સવાલ તો થવાના અને જો આપણને સવાલ થતો નથી તો આપણે પોતાને પૂછવું પડશે કે આવું કેમ?

  • આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts