SURAT

લોન લઈ અંગત ખર્ચાઓમાં વાપરી નાંખનારા મનપાકર્મીએ માનસિક તણાવમાં આત્મહત્યા કરી

સુરત: બેંક (Bank) પાસેથી લોન (Loan) લઇને હપ્તા નહીં ભરી શકતા તેમજ છેલ્લા 9 મહિનાથી ઘરનું ભાડું (Rent) પણ નહીં ચૂકવી શકતાં માનસિક ચિંતામાં રહેતા મનપાના કર્મચારીએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ત્રણ દિવસની સારવાર બાદ બુધવારે રાત્રે મનપાકર્મીનું મોત (Death) નીપજંતા પોલીસે (Police) અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ અડાજણના પાલનપુર જકાતનાકા ખાતે આવેલી ઠાકોરદ્વાર સોસાયટીમાં રહેતા 40 વર્ષિય જિતેન્દ્ર હરજી વિજુડા મનપાના ચોથા વર્ગના કર્મચારી પટાવાળા તરીકેની ફરજ બજાવી રહ્યા હતા. તેની પત્ની ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકેની ફરજ બજાવે છે અને તેમની પુત્રી કોલેજમાં અભ્યાસ કરે છે. જિતેન્દ્રએ ચાર દિવસ પહેલાં પોતાના ઘરમાં એકલતાનો લાભ લઇ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

આ અંગે પરિવારના સભ્યોને જાણ થતાં તેઓ તાત્કાલિક જિતેન્દ્રને પ્રાઇવેટ હોસ્પિટલ બાદ સ્મીમેર હોસ્પિટલમાં લઇ ગયા હતા. ચાર દિવસની સારવાર બાદ જિતેન્દ્રનું બુધવારે રાત્રે મોત નીપજ્યું હતું. જે અંગે અડાજણ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. અડાજણ પોલીસના જણાવ્યા પ્રમાણે જિતેન્દ્ર છેલ્લા ઘણા દિવસોથી માનસિક ચિંતામાં રહેતો હતો. ઘરમાં ખર્ચાઓને પહોંચી વળવા માટે મૃતકે પ્રાઇવેટ ફાઇનાન્સ પાસેથી લોન લીધી હતી. જેના હપ્તા ભરવામાં પણ તકલીફ પડતી હતી. ઉપરાંત તેઓ જે મકાનમાં રહેતા હતા તે મકાનનું 9 મહિનાનું ભાડુ પણ ચૂકવવાનું બાકી હતું. બેંકના હપ્તા તેમજ ભાડા ભરવાની ચિંતામાં મૃતકે આત્મહત્યા કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

ઉમરગામના ખતલવાડની પરિણીતાનું શંકાસ્પદ મોત : પતિ ગાયબ
ઉમરગામ : ઉમરગામના ખતલવાડની પરિણીતાનુ શંકાસ્પદ મોત થયું છે અને પરિણીતાનો પતિ ઘરેથી ગાયબ છે. ઉમરગામ પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ઉમરગામ તાલુકાના ખતલવાડા ગામે તરમોરા હોળી ફળિયામાં રહેતી હેમાંગીબેન (ઉ.વ.૨૦) તેના પતિ વિકાસભાઈ માછી સાથે પિતાના મકાનની બાજુમાં જ રહી હતી. ગઇકાલે રાત્રે હેમાંગી અને વિકાસ જમીને ઉંઘી ગયા હતા. સવારે હેમાંગીની માતા માધુરીબેને માછલા લેવા જવાનો સમય થઇ હતા બાજુમાં રહેતી પોતાની પુત્રી હેમાંગીને ઉઠાડવા ગઈ હતી. હેમાંગી બેભાન અવસ્થામાં મોઢામાંથી ફીણ અને લોહી નીકળતી હાલતમાં જોવા મળતા તેઓ ગભરાઈ ગયા હતા. હેમાંગીનો પતિ વિકાસ પણ ઘરમાંથી ગાયબ હતો. બૂમાબૂમ કરતા ઘર પરિવારના લોકો પણ દોડી આવ્યા હતા અને તરત જ હેમાંગીને ભીલાડની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં હાજર તબીબે હેમાંગીને મૃત જાહેર કરી હતી.

આ બનાવ સંદર્ભે ઉમરગામ પોલીસ સ્ટેશનમાં જાણ ફરિયાદ કરવામાં આવતા પોલીસે હાલમાં અકસ્માત મોતનો ગુનો નોંધી લાશનું પીએમ કરાવી વધુ તપાસ હાથ ધરી છેય પીએમ રિપોર્ટ બાદ હેમાંગીનું મોત કયા કારણસર થયું તે બહાર આવશે તથા તેનો પતિ વિકાસ પણ સવારથી જ ગાયબ થઈ ગયો હોય તેની શોધખોળ પોલીસ કરી રહી છે.આ કેસની વધુ તપાસ ઉમરગામના પીઆઇ રાઠવા કરી રહ્યા છે.

Most Popular

To Top