જીવનમાં સંબંધના સરવાળા અને બાદબાકી

કોઈ પણ સંબંધમાં સ્વાર્થ નામનું તત્ત્વ સ્થૂળ યા સૂક્ષ્મ રૂપે સમાયેલું જ છે. જ્યારે સંબંધમાં ગળપણ હોય ત્યારે સૌ સ્વજનો ઉભરાતા રહે. તમારી પાસે ભૌતિક સુખ-સગવડો અને રૂપિયા ઘટવા માંડે કે ખતમ થવા માંડે ત્યારે સાચા સ્વજનનો ખરો પરિચય થવા માંડે છે.

દિનેશ દેસાઈ

હિન્દી ફિલ્મ “અમાનત”નું ગીતકાર સાહિર લુધિયાનવીનું ગીત છેઃ “મતલબ નીકલ ગયા હૈ તો પહચાનતે નહિ, યું જા રહે હૈ, જૈસે હમેં જાનતે નહિ.”
જીવનમાં આ ગીતના સંજોગો જેવી પરિસ્થિતિ આપણામાંથી સહુ કોઈએ અનુભવી જ હોય. દરેક વ્યક્તિના સંબંધના તાર બીજી વ્યક્તિ સાથે મોટા ભાગે કોઈ ને કોઈ સ્વાર્થ, ગરજ, મતલબ, અપેક્ષાને લઈને જ જોડાયા હોય છે. જ્યારે સંબંધમાં સ્વાર્થ, ગરજ, મતલબ કે અપેક્ષા યા કામ પૂરું થઈ જાય પછી સંબંધના દરિયામાં ઓટ આવવા માંડે છે.
એક જાણીતી ગુજરાતી કહેવત છે કે “સગાં સૌ સ્વાર્થનાં…” ગુજરાતી કહેવતો અને રુઢિપ્રયોગો એ આપણી ભાષાની સમૃદ્ધિ છે. એમાં આપણા વડીલો-પૂર્વજોનો અનુભવવારસો –અનુભવવાણી છે. સગપણ કોઈ પણ હોય, એમાં સ્વાર્થ હોવાનો. એથી ઉલટું કોઈ પણ નામ વિનાના સંબંધમાં સ્વાર્થ ન જ હોય. જ્યાં તમે કોઈ પાસે કશુંક મેળવવા માટે સંબંધ રાખ્યો જ ન હોય એટલે એમાં સ્વાર્થ નહીં જ આવે. “સગાં સૌ સ્વાર્થનાં” આ કહેવતને ટાઈટલ તરીકે લઈને ગુજરાતી ફિલ્મ અને નાટક પણ બન્યાં છે.
ચીની ભાષામાં પણ આવી જ એક કહેવત છે કે “વૃક્ષ પાસે બધા ફળની લાલચથી જ આવે છે અને થોરની નજીક જવાનું કોઈ પસંદ પણ કરતું નથી.” આપણી સામાજિક વ્યવસ્થામાં પણ આ વાત આપણને જોવા યા અનુભવવા મળતી હોય છે.
ચીની ભાષામાં એમ પણ કહ્યું છે કે સાકર હોય ત્યાં જ બધા કીડા-મકોડા ઉભરાતા હોય છે. તમે જો ઢોળાયેલી સાકર સાફ કરી લો અથવા ભેગી કરી લો એટલે સ્વાર્થનાં બધાં જ સગાં વેરવિખેર થઈ જશે. ઘણી વાર સાકરને પણ ખબર હોય કે આ બધા
ઠાઠમાઠ ગળપણ પડ્યું છે
ત્યાં સુધી જ છે.
અમદાવાદના નરેશભાઈની વાત કરીએ. શહેરના સારા વિસ્તારમાં મોકળાશભર્યું ઘર અને નોકર-ચાકર. આથી શહેરના સ્વજનો અને મિત્રો અવારનવાર મહેમાન બને. બહારગામથી પણ સ્વજનો અને મિત્રો માટે નરેશભાઈનું ઘર જાણે ગેસ્ટહાઉસ-અતિથિગૃહ. તેઓ મનમાં રાજી થાય કે ઘર ભર્યું ભર્યું લાગે છે. તેમને એ ખબર નહોતી કે મહેમાનોની અવરજવર તમારું આતિથ્ય માણવા માટે જ છે. સંબંધમાં મોટા ભાગના લોકો પોતાનો મતલબ પહેલાં જોતાં હોય.
ઢળતી ઉંમરે નરેશભાઈ એકલા પડ્યા. દીકરા અને દીકરીએ પરણીને પોતાની નવી દુનિયા વસાવી લીધી. નિવૃત્તિના સમયમાં જ હાથ ઉપર રહેલા રૂપિયાનું સાચું મૂલ્ય સમજાતું હોય છે. ઘરખર્ચમાં કાપ મૂકવો પડ્યો. બસ હવે એ જ સ્વજનો અને મિત્રો તેમના ઘરે ફરકતાં પણ નથી.
જીવનમાં સંબંધના સરવાળા અને બાદબાકી વિશે પણ વાત કરીએ. આપણા સૌના જીવનમાં આવા પ્રસંગ આવ્યા જ હોય કે જ્યારે આપણને એ વાતનો ખ્યાલ આવી જાય કે કોઈ પણ સંબંધમાં સ્વાર્થ નામનું તત્ત્વ સ્થૂળ યા સૂક્ષ્મ રૂપે સમાયેલું જ છે. નરેશભાઈ જેવા જ અનુભવ સૌને જીવનના કોઈ ને કોઈ તબક્કે થયા જ હોય કે જ્યારે સંબંધમાં ગળપણ હોય ત્યારે સૌ સ્વજનો ઉભરાતા રહે.
તમારી પાસે ભૌતિક સુખ-સગવડો અને રૂપિયા ઘટવા માંડે યા ખતમ થવા માંડે ત્યારે સાચા સ્વજનનો ખરો પરિચય થવા માંડે છે. જેમ ગળપણ ઘટતું જાય એ પછી બધાં સગાં-વહાલાં વેરવિખેર થવા માંડે છે. બધા વિખેરાઈ જાય તે પછી પણ સાથે રહીને સાથ આપે તે જ સાચા સ્વજન અને મિત્ર. મુશ્કેલીના સમયમાં જ સ્વજન-મિત્રને ઓળખી-પારખી શકાય છે.

સ્ટૉપરઃ-
“તમે રણ પાસે નંદનવનની અપેક્ષા રાખી શકો નહીં. રણમાં મીઠી વીરડી તો કોઈક જ હોઈ શકે. રણના કણ-કણમાં વીરડી ક્યારેય મળી આવે નહીં.”
– મોરારિ બાપુ

Related Posts