પેટ્રોલ ડીઝલનો ભાવવધારો

બેરોજગારીની સળગતી સમસ્યા સરકારી નોકરીઓમાં કોન્ટ્રાકપ્રથા કચેરીઓની ખાલી જગ્યાઓ પેન્શનરો અને કર્મચારીઓના ડી.એ. સ્વગીત કરવા જીવન જરૂરી ચીજવસ્તુઓના આસમાને પહોંચેલા ભાવ અને ઉપરથી પેટ્રોલ ડીઝલના સતત ભાવ વધારાથી પિસાતી આમ જનતાની અનેક સમસ્યા સામે સુરત જિલ્લા દલિત સેવા સંઘના પ્રમુખ અમૃતલાલ સોલંકી અને મહામંત્રી મનહરલાલ એમ. વાઘેલાએ નારાજગી વ્યકત કરી છે.

આ દલિત આગેવાનોએ એક અખબારી નિવેદનમાં જણાવ્યું છે કે તા. ૭-૬-૨૦ થી શરૂ કરી તા. ૨૮-૬-૨૦ સુધી ૨૨ દિ. સુધી પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો કર્યા પછી તા. ૧૨ જૂલાઇ ડીઝલના ભાવમાં પુનરાવર્તન થયું છે. કોવિડ-૧૯ ‘હેઠળ લોકડાઉનના ત્રણ માસમાં અનેકલોકો બેકાર બન્યા છે આમ જનતાની આર્થિક સ્થિતિ કથળી જવા પામેલ છે.

તેવા સમયે માનવતાવાદી સદભાવનાનો અભિગમ અપનાવવાને બદલે પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો ચાલુ રાખી આમ જનતાને બિચારી બનાવી દેવામાં કોઇ કસર બાકી રાખવામાં આવી નથી. એટલે થી ઓછું હોય તેમ દિલ્હી સરકારે પેટ્રોલ પરનો વેટ ૨૭ ટકાથી વધારીને ૩૦ ટકા તથા ડીઝલ પરના વેટ ૧૬.૭૫ ટકાથી વધારીને લગભગ બમણો કરી દેવામાં આવ્યો કોણ કોનું સાંભળે?

સત્તામાં આવ્યા પછી હાથી પાછળ કૂતરા ભસતા રહે અને હાથીના તેનો કોઇ ફરક પડે નહીં તેવી રીતે રસમો અપનાવાઇ રહી છે. ભાવ વધારાથી જીવન જરૂરી આવશ્યક ચીજવસ્તુઓના પણ ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે સામાન્ય જનતાએ તેના પરિવાર સાથે પેટગુજારો કરવા કયારેય નહિ અનુભવ્યા હોય તેવા કઠીન દિવસોનો સામનો કરવો પડી રહ્યો છે.

નોકરી વિનાના યુવા ધન માટે તેમની કેરીયર બનાવવાના સ્વપ્ના ચકનાચુર થઇ ગયા છે. સરકારી કચેરીઓમાં કોન્ટ્રાકટ પ્રથા ઠોકી બેસાડી અનામત પ્રથાનો મૃત્યુ ઘંટ વગાડી દેવામાં આવ્યો છે. શું આ છે વિકાસ નીરણ નીતિ? અચ્છેદિન અને સદભાવનાની મોટી મોટી વાતો કરતી આ વર્તમાન સરકાર દ્વારા બુરેદિનનું નિર્માણ થઇ રહ્યું છે.

અને સદભાવના બોલવા પુરતી જ રહી જવા પામી છે. આમ અનેક ઘણી સળગતી સમસ્યા સામે આમ જનતાને બિચારી બની જીવન જીવવાનો બોધપાઠ શિખવા મળી રહ્યો છે. અચ્છેદિન અને સદભાવનાના શબ્દો સાચા હોય તો પેટ્રોલ ડીઝલ પરનો કમરતોડ ભાવવધારો તથા સરકારી ટેક્ષમાં ઘટાડો કરવામાં આવે.

ઓરણા- અમૃતલાલ જી. સોલંકી (આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.)

Related Posts