પેરૂના પિઘ્ધડ મેયરનું પરાક્રમ: લોકડાઉનનો ભંગ કર્યા બાદ કોફિનમાં જઇને સૂઇ ગયા!

મેયર જેવા હોદ્દા પર બેઠેલી વ્યક્તિ પણ કેવું વર્તન કરી શકે તેનું એક અજબ ઉદાહરણ લેટિન અમેરિકન દેશ પેરૂમાં જોવા મળ્યું હતું જ્યાં એક નાના નગરના મેયર લૉકડાઉનનો ભંગ કરીને દારૂ પીવા નીકળ્યા હતા પણ પોલીસની નજરે ચડી જતાં પોતે મરી ગયા છે તેવું બતાવવા એક ખાલી કોફિનમાં જઇને સૂઇ ગયા હતા.

દક્ષિણ પેરૂના ટન્ટારા નામના એક નાના ટાઉનના મેયર જૈમ રોનાલ્ડો ટોરેસ પેરૂમાં લાગુ પાડવામાં આવેલ કોરોનાવાયરસ અંગેના દેશવ્યાપી લોકડાઉનનો ભંગ કરીને પોતાના મિત્રો સાથે શરાબ પીવા નીકળી પડ્યા હતા. જો કે તેઓ પોલીસની નજરે ચડી ગયા હતા. પોલીસને જોઇને આ મેયરશ્રી ભાગ્યા હતા અને નજીકમાં કોઇ સ્થળે પડેલા ખાલી કોફિનમાં જઇને સૂઇ ગયા હતા અને પોતે જાણે કોઇ મૃત વ્યક્તિ છે એવો ડોળ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસ અધિકારીઓને તેઓ મૂર્ખ બનાવી શક્યા ન હતા અને તેમની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે ધરપકડ કરવામાં આવી ત્યારે ટોરેસ પીધેલી હાલતમાં જ હતા.

આ મેયર સામે તેમના શહેરના લોકોની પણ ઘણી ફરિયાદો છે. લોકો કહે છે કે કોરોનાવાયરસના ફેલાવાને રોકવા માટેના સલામતીના પગલા ભરવામાં તેઓ નિષ્ફળ ગયા છે અને દેશવ્યાપી લોકડાઉન ૬૬ દિવસથી અમલમાં છે ત્યારે તેઓ માંડ આઠેક દિવસ જ શહેરમાં રહ્યા છે.

Related Posts