SURAT

VIDEO: કતારગામની લક્ષ્મી રેસિડેન્સીના રહીશોએ હંગામો મચાવતા પોલીસે દંડાવાળી કરી, મહિલાઓને ઇજા

સુરત: મંગળવારની રાત્રે કતારગામ પોલીસ મથકની બહાર ભારે તંગદિલી સર્જાઈ હતી. અહીંની લક્ષ્મી રેસિડેન્સીના રહીશોએ પોલીસ મથકને ઘેરો ઘાલીને હંગામો મચાવ્યો હતો. પોલીસે ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. મોડી રાત્રિ સુધી માહોલ તંગ રહ્યો હતો. મહિલાઓએ પણ પોલીસનો હુરિયો બોલાવ્યો હતો. આ માથાકૂટમાં કેટલીક મહિલાઓને પણ ઈજા પહોંચી હતી.

સુરતના (surat) કતારગામ વિસ્તારમાં આવેલી લક્ષ્મી રેસીડન્સીનો (Laxmi Residency) વિવાદ (Controvercy) વધારે વકર્યો છે અને કોમન પ્લોટના (Common Plot) મામલે સ્થાનિક રહીશો અને બિલ્ડર (Builder) આમને સામને આવી ગયા છે. ગઇ રાત્રે પોલીસે ચાર વ્યક્તિની અટકાયત કરતા સ્થાનિક રહીશો વિફર્યા હતા અને પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવા પહોંચ્યા હતા. જ્યાં પોલીસને બળ પ્રયોગ કરવો પડ્યો હતો.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કતારગામ લક્ષ્મી રેસીડન્સીના બિલ્ડર દ્વારા કોમન પ્લોટમાં દિવાલ બનાવીને ભાડુ વસુલવાના આરોપ સાથે લક્ષ્મી રેસીડન્સીના સ્થાનિક રહીશોએ કોમન પ્લોટની દિવાલ તોડી પાડી હતી. જેના કારણે મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને પોલીસે મંગળવારની રાતે ચારથી વધારે વ્યક્તિની રાયોટીંગના ગુનામાં અટકાયત કરી હતી.

જેના કારણે સ્થાનિક લોકો રોષે ભરાયા હતા અને તેઓ પોલીસ સ્ટેશન પર દોડી ગયા હતા. પોલીસ સાથેની માથાકુટમાં મામલો બિચક્યો હતો અને કતારગામ મેઇન રોડ પર જ લોકો વચ્ચે ઝપાઝપી થઇ હતી. ટોળાને કાબુમાં લેવા માટે પોલીસે હળવો લાઠી ચાર્જ કરીને સ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું હતું.

આ મામલે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. જો બિલ્ડર અને સ્થાનિક લોકો વચ્ચેના આ વિવાદનો ઝડપથી અંત નહીં આવે તો આગામી દિવસોમાં મામલો વધુ ગરમાશે એવી દહેશત પણ સ્થાનિક લોકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Most Popular

To Top