લોકડાઉનમાં પર્યાવરણને થયેલ લાભ ભવિષ્યમાં ટકાવી રાખવા આપણે આટલું કરીએ..

દુનિયાભરમાં કોરોનાવાયરસના કારણે જે હાહાકાર મચ્યો અને તેના કારણે જે નુકસાન થયુ઼ં તે ઘણું મોટું છે પણ આ કોરોનાવાયરસ કટોકટીને કારણે વિશ્વના અનેક ભાગોમાં લૉકડાઉન જેવા નિયંત્રણો મૂકવામાં આવ્યા તેના કારણે વિવિધ પ્રકારનું પ્રદૂષણ નોંધપાત્ર ઘટ્યું અને પર્યાવરણ સુધર્યું તે એક મોટો લાભ પણ થયો છે. જો કે નિષ્ણાતો કહે છે કે આ લાભ લાંબો સમય ટકી શકે તેમ નથી કારણ કે એક વાર કોરોનાવાયરસનો ભય દૂર થાય અને લૉકડાઉન જેવા નિયંત્રણો ઉઠી જાય કે તરત જ માણસજાત ફરીથી પોતાના અગાઉના જીવન તરફ વળવા માંડશે, રસ્તાઓ પર વાહનો ઉભરાવા માંડશે અને કારખાનાઓ ધમધમવા માંડશે અને ફરીથી વાયુ અને પાણીનું ભરપૂર પ્રદૂષણ થવા માંડશે. આ સ્થિતિ નિવારવા માટે અત્યારથી જ કંઇક પગલાઓ વિચારી નહીં શકાય?
જો માણસજાત અત્યારે આટલો સંયમ રાખી શકતી હોય તો લાેકડાઉન પછી નહીં રાખી શકે? અત્યારે કોરોનાવાયરસ જન્ય રોગનો ભય તત્કાળ તેને માથે ઝળુંબી રહ્યો છે ત્યારે તેણે જે સંયમ રાખ્યો છે તેનો થોડો ભાગ પણ લોકડાઉન પછી પ્રદૂષણ નિવારણ માટે તે રાખે તો ઘણુ સારું થઇ શકે તેમ છે અને દુનિયાના સલામત ભાવિ માટે તે જરૂરી પણ છે. આ બાબતમાં બ્રિટનની રાજધાનીના શહેર લંડનના વહીવટીતંત્ર દ્વારા એક સારું ઉદાહરણ પુરું પાડવામાં આવ્યું છે. લંડનના મેયર સાદીક ખાને જાહેર કર્યું છે કે લંડન શહેરના કેટલાક રસ્તાઓને કાર-ફ્રી જાહેર કરવામાં આવશે. આ માર્ગો પર મોટર વાહનોને આવવાની મનાઇ ફરમાવવામાં આવશે અને તે માર્ગો પર ફક્ત સાયકલ ચાલકો અને રાહદારીઓને જ આવવા દેવાશે. લંડન શહેરના લંડન બ્રીજ અને શૉર્ડિંગ, યુસ્ટન અને વોટર લૂ તથા ઓલ્ડ સ્ટ્રીટ અને હોલબોર્ન વચ્ચેના રસ્તાઓ પર આ યોજના અમલમાં મૂકવામાં આવશે એમ જાણવા મળે છે. જો કે આ યોજના કેટલા સમય સુધી ચાલુ રહેશે તે હાલ જણાવવામાં આવ્યુ નથી. આ ઉપરાંત કેટલાક રસ્તાઓ પર મોટર વાહનોને તો ચાલવા દેવાશે પણ તે સાથે તે માર્ગો પર સાયકલ લેન પણ જુદી બનાવાશે એમ જાહેર કરવામાં આવ્યું છે. સાયકલ જેવા નિર્ધૂમ વાહનોને ઉત્તેજન આપવા માટેના આવા સાયકલ લેન જેવા ઉપાયોને તો કાયમી ધોરણે અમલમાં મૂકવા જેવા છે.
લંડન જે યોજનાઓ અમલમાં મૂકી રહ્યું છે તે યોજનાઓ વિશ્વભરના શહેરોએ અમલમાં મૂકવા જેવી છે. લૉકડાઉન પછી ફરીથી શહેરો,નગરોના આકાશ ધુમાડાથી ઉભરાવા માંડે તેવું થતું અટકાવવા માટે એવા પગલાઓ વિચારવા જરૂરી છે કે સ્થાયી રીતે પ્રદૂષણ પર નિયંત્રણ આવી શકે.

Related Posts