સાબરકાંઠા : હેડ કલાર્ક (Head clerk Exam) પેપરલીક કાંડમાં એક પછી એક ચોકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. પેપકલીક (paper leak scandal) મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે. ગઈકાલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરીને પેપરલીક થયાની કબૂલાત કરી હતી. આ સાથે જ ગૃહમંત્રીએ તાત્કાલિક તપાસના આદેશ પણ આપ્યા હતા. દરમિયાન આ કેસમાં આજે સાંબરકાંઠાના પોલીસ વડા નીરજ બડગુજરે (Neeraj Badgujar) એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી, જેમાં તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં 11 પૈકી 8 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે બાકીના આરોપીની શોધખોળ ચાલું છે. બડગુજરે પેપર લીક કાંડમાં મોટા માથાંઓની સંડોવણીની આશંકા વ્યક્ત કરી હતી.
બુડગુજરે કહ્યું કે, પેપરલીક કાંડમાં મોટા માથાના નામચીન માણસોની સંડોવણીના ખુલાસા થઈ શકે છે. પેપરલીક કાંડના તાર સચિવાલય સુધી જોડાયેલા હોવાનું લાગી રહ્યું છે. આ કૌંભાડમાં 11માંથી 8ની ધરપકડ કરવામાં આવી છે જેમાં 8 આરોપીની પૂછપરછમાં દર્શન વ્યાસ (Darshan vyas) નામના આરોપી પાસેથી 23 લાખ રોકડા મળી આવ્યા છે. હિંમતનગરમાં દર્શનના ઘરેથી પોલીસને 23 લાખની રોકડ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ 23 લાખ રૂપિયા જુદા જુદા પરીક્ષાર્થીઓ પાસેથી લીધા હોવાનું માનવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં પણ આરોપીએ પરીક્ષાર્થીઓને ઘરે પેપર સોલ્વ કરાવવામાં પણ મદદ કરી હતી.
પેપરલીકકાંડનો મુખ્ય સૂત્રધાર જયેશ પટેલ પોલીસની પકડથી દૂર
આ સમગ્ર કૌભાંડના મુખ્ય સૂત્રધાર તરીકે જયેશ પટેલનું નામ સામે આવી રહ્યું છે. પોલીસ હજુ સુધી જયેશને પકડી શકી નથી. જો જયેશ પટેલની ધરપકડ કરવામાં આવે તો આ કૌંભાડના હજુ રહસ્યો બહાર આવી શકે છે. બીજી તરફ પેપરલીક કાંડમાં ખેડાના એક શિકક્ષની અટકાયત કરવામાં આવી છે. પેપરલીક કાંડમાં શિકક્ષની સંડોવણીની શંકાના પગલે શિક્ષકની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી રહી છે. હાલ અન્ય આરોપીઓની શોધખોળ ચાલી રહી છે, ત્યારે પકડાયેલા આરોપીઓને આજે શનિવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવશે. મહત્વનું છે કે ગઈ કાલે આરોપીઓ સામે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
જે સ્ટ્રોંગ રૂમમાંથી પેપર લીક થયું ત્યાં તપાસ શરૂ કરાઈ, સરકારી કર્મચારીઓની સંડોવણીની આશંકા
હેડ ક્લાર્ક ભરતી પરીક્ષા પેપરલીક કેસમાં તપાસની પ્રક્રિયા ઝડપી કરવામાં આવી છે. બીજી તરફ પોલીસ દ્વારા જે સ્ટ્રોંગ રૂમમાંથી પેપર લીક થયું ત્યાં તપાસ કરવામાં આવશે, આ પેપર લીક થયા બાદ કેટલા લોકો સુધી પહોંચ્યું તેમજ સ્ટ્રોંગ રૂમમાંથી કઈ રીતે પેપર બહાર આવ્યું તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે. સાથે જ સ્ટ્રોંગરૂમની જવાબદારી ધરાવનાર તમામની તપાસ થશે. આ તપાસમાં સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની સંડોવણી પણ બહાર આવી શકે છે.