Comments

પાપડ તારાં સંભારણાં….!

જે શબ્દનો પહેલો અને બીજો અક્ષર લેતા ‘પાપ’શબ્દ બને. બીજો ને ત્રીજો અક્ષર લેતા ‘પડ’શબ્દ બને અને પહેલો ને ત્રીજો અક્ષર લેતા ‘પાડ’શબ્દ બને, આવો ડેન્જર શબ્દ એટલે પાપડ..! પણ રસીલો..! દાઢે એવો વળગેલો કે, જમણવારમાં પાપડ ના હોય તો, મૂર્તિ વગરનાં મંદિરમાં દર્શને આવ્યા હોય એવું લાગે..! પાપડ વગર પેટ જાણે કોઈને ‘એન્ટ્રી’ના આપતું હોય એમ, પાપડ-પાપડીનું જોડકું તો જમણવારમાં રાખવું જ પડે. નહિ તો છણકા કરે કે, ફટીચર પાપડમાંથી પણ ગયો..! પાપડ એટલે સંપૂર્ણ ભોજનનો ટ્રેડમાર્ક..!

ઘણાની દાઢમાં બળતરા નીકળશે કે, આજે પાપડના પાયે બેઠી કે શું..? પાપડ તે હાસ્યનો વિષય કહેવાય..? એના બદલે એમ નહિ કહે કે, હસાવવા માટે લેખકે કેવા કેવા વિષયોની પગચંપી કરવી પડે છે? પાપડ જેવા પાપડને પણ પનારે પડવું પડે છે..! મુદ્દાની વાત તો એ છે કે, આ તો પડ્યા એટલે પગે લાગ્યા, બાકી બંદાને પાપડ તો શું પાપડીનાં પણ સંભારણાં નહિ આવે..! તંઈઈઈઈ..? આ તો શૈલીએ પાપડનાં કારણે છેડો વાળ્યો, એટલે હું પાપડના રવાડે ચઢી ગયો.

બાકી હું તો એવી ફિરાકમાં હતો કે, લાવ આજે બાકી ‘ડોનાલ્ડ ટ્રમ્પ’ને યુધ્ધ-પત્ર લખું અને ધરપત આપવી હતી કે, મારી પાસે મિસાઈલ તો નથી, પણ ૧૦૦ મિસાઈલનો ફૂંક મારીને કચ્ચરઘાણ વાળે એવા ઘણા ચમનિયા છે..! એક તો મારી પડખે જ બેઠો છે. જરૂર પડે તો કહેજે, ચમનિયાને મોકલી દઈશ..! અમારે વધારેનો જ છે..! પણ શૈલીનું ગૃહયુદ્ધ એવું ફાટ્યું કે, દેશ દેશાવરના યુદ્ધ હાંસિયામાં ચાલી ગયા, ‘ડોનાલ્ડ’છટકી ગયો, ને બંદા પાપડમાં ભેરવાયા..! પત્ની હોય કે પાપડ લાગે હળવી પણ, એમનું સ્થાન કોઈ ના લઇ શકે..! આડા ફાટે તો, મૃગજળને પણ સરોવર માનવું પડે..! શું કહો છે ચમનિયા..?

જે હોય તે..! ‘ખુદા દેતા હૈ તો અણધારેલા દેતા હૈ’ એમ આજે મારી અડફટે પાપડ આવી ગયો. વાત સાવ નાજુક હતી. ઘટના એવી ઘટેલી કે, શૈલીએ મારા માટે થાળી તો પીરસી, પણ મતદાર યાદીમાંથી કોઈ મતદાર ગાયબ થઇ જાય એમ, થાળીમાંથી પાપડ જ ગાયબ થઇ ગયેલો..! એમાંથી રકઝક એવા મુકામ ઉપર પહોંચી કે, થઇ કે, છુટ્ટા પાપડની મારામારી જ બાકી રહી..! ત્યારે ખબર પડી કે, પતિ કરતાં પાપડની વેલ્યુ કેટલી ઊંચી છે..? એમાં આપણે રહ્યા ગુજરાતી, પત્ની વગર તો બે-ચાર દિવસ ચલાવી પણ લઈએ, પણ પાપડ વગર નહિ..! ગુજરાતીઓમાં પાપડની જાહોજલાલી એટલે, બંગાળની વાઘણ જેવી. થાળીમાં ભલે ૫૬ ભોગ પીરસાયા હોય, પણ પાપડ વગર થાળી અધૂરી…! પાપડ વગરની થાળી પણ વિધવા લાગે મામૂ..! વાઈફ તે વાઈફ ને સાળી તે સાળી..! નવોઢા ગમે એટલી રૂપાળી કે સજાવટવાળી હોય, પણ ગળામાં મંગળસૂત્ર ના હોય તો નવોઢા પણ સુકાયેલી નદી જેવી લાગે..! એમ પાપડ વગરની થાળી પણ, લુખ્ખી લાગે..! પાપડની કાનીયાત ભલે ફૂંક મારો તો ઊડી જાય એવી હોય, પણ ભારે રસીલો..!

શકુંતલાને જોઇને દુષ્યંત ઋષિ પલળી ગયેલા, એમ ભોજનની થાળીમાં પાપડ ના હોય તો, મોંઢામાં ઝરા જ નહિ ફૂટે..! ખાધેલા ઉપર પણ ખાધ ઉપાડે એનું નામ પાપડ..! અમુક તો પાપડ જોઈને એવા તલપાપડ થઇ જાય કે, ’સ્ટેટસ’ને તો મારો ગોળી, રેંકડી ઉપર પણ પાપડદર્શન થાય તો ઝાપટી નાંખે..! એટલે તો પાપડને ગુજરાતી ખાધની પરંપરાનો “ક્રંચી”રસથાળ કહ્યો છે. આ પાપડના જનમ વિષે કોઈએ મને પૂછવું નહિ. મને એની ખબર નથી. ભણવામાં પણ નહિ આવેલું. આ તો અનુમાન છે કે, ‘દાળ-ભાત બનાવ્યા બાદ વધેલી દાળને કોઈ રસોઈયાએ પાતળી અને ગોળાકાર વણીને સુકવ્યા બાદ, તેલમાં તળીને જોયું હશે કે, આ તો બહુ ‘ટેસ્ટી’વાનગી બની લાગે છે, એમાંથી આ પાપડનો જન્મારો થયો હોવો જોઈએ..!

શિઈઈઈટ..! આપણે ક્યાં પાપડ ઉપર PHD કરવી છે, પણ આ તો એક વાત..!એકની શિયાળામાં હાક વાગે, ને બીજાની ઉનાળામાં..! જો કે, હવે તો વિકાસ એવો ફાટ્યો છે કે, લગનની માફક પાપડ પાપડી પણ બારમાસી બની ગયાં..! ઉનાળો આવે એટલે મહિલા સશક્તિકરણમાં ભરતી આવી હોય એમ, પાપડ,પાપડી અને વેફરનાં ઠેર ઠેર ઉપાર્જન થવા માંડે. આ લોકો ગરમીને વેડફવા નહિ દે. પતિ જો હાથમાં આવી ગયો તો, એને પણ લોટ બાંધવાનું શીખવી દે..! પતિ લોટ બાંધવાની ના પાડે તો ટોણા પણ સાંભળવા પડે કે, “શાહજહાંએ તો મુમતાઝ માટે તાજમહાલ બાંધેલો, તમે પાપડનો લોટ તો બાંધી આપો..?”એટલે ડબલ એન્જીનની સરકારની જેમ પ્રવૃત્તિ તરત ધમધમવા માંડે.

એને કામ કઢાવવાની કુનેહ કહેવાય..! શૈલી તો મને એવી ફોસલાવે કે, ‘નાથ..! (હજી અનાથ થઈને ફરું છું એ જુદી વાત છે..!) ‘જ્યારે જ્યારે તમે લોટ બાંધો છો, ત્યારે ત્યારે પાપડનો ઉતારો ખૂબ વધી જાય..! એટલો ઉતારો અમે લોટ બાંધીએ ત્યારે આવતો જ નથી..!”ખલ્લાસ..! બંદા રંગાખુશ..! ઉનાળાના વેકેશનમાં વધારાની સ્પેશ્યલ ટ્રેન ઊપડે, એમ પાપડની સિઝનમાં ચાર-પાંચ રજા તો મારે પાપડનો લોટ બાંધવા માટે જ અનામત રાખવી પડે. જેવો ઉનાળો બેસે એટલે શૈલી પૂછવા માંડે, ‘આ વખતે ‘પાપડ-સ્પેશ્યલ લીવ’ક્યારે મૂકવાના..? હસો છો શું યાર..? અનુભવ થાય તો જ સમજાય કે, ખબર ઘર ભાંગવા, એના કરતાં પાપડના લોટ બાંધવા સારા..!

એમાં આ વરસે તો અંબેલાલકાકાએ પણ આગાહી કરી છે કે, ધોધમાર ગરમી પડવાની હોવાથી, પાપડ પાપડી વેફર બનાવવાના યોગ આ વખતે ઉત્તમ છે..! બીજે ભલે બરફનાં કરાં પડે પણ આપણે ત્યાં સળગતા દેવતા પડવાના હોય એટલી ગરમી ફાટવાની છે. શિયાળાનાં મુહૂર્ત ચૂકી ગયેલા હોય તેમ અમુક વરરાજાઓ, વરઘોડા કાઢે..! વરઘોડામાં નાચવાવાળા પણ નાચવાને બદલે પરસેવો કાઢીને ડામર-રોડ ભીનો કરવા આવ્યા હોય એવું લાગે..! વરઘોડાના ઘોડા સમજુ એટલે તે ઉઘાડા જ નીકળે..! સાલી સમજ નહિ પડે કે, આ લોકો ગરમીને લેવા જાય છે કે મૂકવા..?

આવી લ્હાયમાં લગનમાં જમવાનું તો હોય જ..! અને તે પણ બુફે સિસ્ટમમાં..! હાલત એવી કફોડી બને કે, સાલી થાળી પકડવા જાય કે, ગરમીમાં બગલ ઘવડવા જાય..? બીજી બાજુ દેવ ઝાઝા ને વૈકુંઠ નાનું હોય એમ, પેટ કરતાં થાળીનો ઘેરાવો ઓછો હોય..! વાનગી તો અનેક પ્રકારની બનાવી હોય, પણ થાળી નાની હોવાથી, અમુક તો ખાવા પહેલાં જ થાળીમાંથી આપઘાત કરવા માંડે. શાકના રસાની રેલ એવી ફરી વળે કે, પાપડ અને પુરીનો રંગ બદલાઈ જાય. એમાં પાપડ તો બોળાવા આવ્યો હોય એવું જ લાગે..! એવો વિકલાંગ બની જાય કે, પાપડને ખાવા કરતાં એના ઉપર દયા વધારે આવી જાય. પણ કકડીને ભૂખ લાગી હોય એટલે, હાજર સો હથિયાર સમજીને, જે હાથમાં આવ્યું તે ઝાપટવું પડે. શીખંડને પીવો પડે, એવું પણ બને..! કહેવાય નહિ..!

-: લાસ્ટ બોલ :-
લગનના માંડવે જમણવાર ચાલતો હતો. ત્યાં એક ભાઈ હાંફતા હાંફતા આવીને કહે કે, “કાકા..! આજે શીખંડ ખૂટી પડવાનો. શીખંડનાં કાઉન્ટર ઉપર બહુ પડાપડી થાય છે, કંઈ કરો…!  કાકાએ તરત ઇવેન્ટ મેનેજરને બોલાવીને કહ્યું, ‘શીખંડના કાઉન્ટર ઉપર કોણ ઊભું છે?  ઇવેન્ટ મેનેજર કહે, ‘પેલી રૂપસુંદરી રમીલા..! તાત્કાલિક એને ત્યાંથી ઉપાડીને પાપડના કાઉન્ટર ઉપર મૂકી દો અને પાપડનાં કાઉન્ટર પર મૂકેલી કદરૂપી કમરીને પાપડના કાઉન્ટર પર લાવો..! ફરક એવો પડ્યો કે, શીખંડના કાઉન્ટર ઉપર, તરત ભીડ ઓછી થઇ ગઈ અને પાપડના કાઉન્ટર ઉપર ડાયવર્ટ થઇ ગઈ..! શું મેનેજમેન્ટ છે યાર..? એના કપાળમાં કાંદા ફોડું…!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top