National

પેન્ડોરા પેપર્સ લીક: સચીન તેન્ડુલકરનું આટલું રોકાણ મળ્યું, જેકી અને ટાઈગર પણ દૂધના ધોયેલા નથી

નેતા, અભિનેતા, ક્રિકેટર કે પત્રકાર લગભગ તમામ ક્ષેત્રના સેલિબ્રિટીઓ વાતો તો દેશના વિકાસની, ગરીબોના ઉત્થાનની કરે છે. ટેક્સ ભરવા સલાહ આપે છે પરંતુ હકીકત કંઈક અલગ જ છે. ટેક્સ ભરવો નહીં પડે એટલે પોતાના કાળાં નાણાંને ધોળાં કરવા માટે આ કહેવાતા સફેદ પોશ લોકો વિદેશની ઓફશોર એટલે કે માત્ર કાગળ પર જ ઉભી કરાયેલી કંપનીઓની મદદ લે છે. અહીં એક કહેવત યાદ આવે છે.., ‘હમામ મેં, સબ … હૈ..! હસ્તીઓની આ હરકતના લીધે વિશ્વની સરકારોને વર્ષે દહાડે અબજો રૂપિયાનું નુકસાન થાય છે, પરંતુ ક્યાંકને ક્યાંક બધા જ સંડોવાયેલા હોય તેરી ભી ચૂપ ઔર મેરી ભી ચૂપ..ના નિયમને વળગી રહે છે.

પત્રકારોની આંતરરાષ્ટ્રીય સંસ્થા ઇન્ટરનેશનલ કોન્સોર્શિયમ ઑફ ઇન્વેસ્ટિગેટિવ (ICIJ) અને વિશ્વભરના મીડિયા સંગઠનોએ પનામા પેપર્સની જેમ આ નામો બહાર પાડ્યા છે. આ પેપર્સ 1 કરોડ 19 લાખ ગુપ્ત ફાઇલોની ફાઇલોનો જથ્થો છે અને એમાં ભારતીય નાગરિકતા રાખતા 380 નામો છે. પેન્ડોરા પેપર્સ (Pandora Papers Leak) એ જંગી પ્રમાણમાં એવા નાણાકીય રેકર્ડોનું લીકેજ છે જે નાણાકીય વ્યવહારો વિદેશોમાંના કરમુક્ત સ્વર્ગ દેશોમાં કરવામાં આવ્યા છે. આ નાણાકીય વ્યવહારોને લગતા દસ્તાવેજો ઇન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઇન્વેસ્ટીગેટિવ જર્નાલિસ્ટ(ICIJ) દ્વારા પ્રાપ્ત કરવામાં આવ્યા છે. પેન્ડોરા પેપર્સમાં અત્યાર સુધીમાં જે ભારતીયોના નામો બહાર આવ્યા છે તેમાં સચીન તેન્ડુલકર, (Sachin Tendulkar) અનિલ અંબાણી (Anil Ambani), વિનોદ અદાણી (Vinod Adani), જેકી શ્રોફ (Jackie Shroff And Tiger Shroff), કીરણ મઝમુદાર શો (Kiran Majumdar Show), નીરા રાડિયા (Nira Radiya), સતીશ શર્મા (Satish Sharma)તથા અન્ય કેટલાકનો સમાવેશ થાય છે.

સચિન તેંડુલકર, તેની પત્ની અને સસરા પણ બ્રિટિશ વર્જિન આઇલેન્ડ્સમાં કંપની ધરાવતા હતા
પેન્ડોરા પેપર્સની વિગતો દર્શાવે છે કે સચિન તેંડુલકર, તેની પત્ની અંજલી મહેતા અને અંજલીના પિતા એટલે કે સચિનના સસરા આનંદ મહેતા બ્રિટિશ વર્જિન આઇલેન્ડ્સ પરની એક કંપનીના લાભાર્થી માલિકો હતા, જે કંપની ૨૦૧૬માં પનામા પેપર્સ લીક પછી સંકેલી લેવામાં આવી હતી. પનામાની કાયદા કંપની અલ્કોગલના દસ્તાવેજમાંથી આ માહિતી બહાર આવી છે. એસએએએસ ઇન્ટરનેશનલ લિમિટેડ નામની આ કંપનીની સ્થાપના એલ.જે. મેનેજમેન્ટ દ્વારા કરી આપવામાં આવી હતી. લગભગ ૨૦૦૭થી ૨૦૧૬ સુધી આ કંપની ચાલી હતી અને તેના વિસર્જન પહેલા તેના શેરો તેના માલિકો દ્વારા આ પ્રમાણેના મૂલ્યથી બાય બેક કરવામાં આવ્યા હતા.

  • સચિન તેંડુલકર(૯ શેરો) ૮પ૬૭૦૨ ડૉલર
  • અંજલી તેંડુલકર(૧૪ શેરો) ૧૩૭પ૭૧૪ ડૉલર
  • આનંદ મહેતા(પ શેરો) ૪પ૩૦૮૨ ડૉલર

આ રીતે જોતા તેના શેરોની સરેરાશ બાયબેક કિંમત ૯૬૦૦૦ ડૉલર જેટલી થાય છે. ૧૦ ઓગસ્ટ, ૨૦૦૭ના રોજ આ કંપની રચવામાં આવી ત્યારે તેના ૯૦ શેર બહાર પાડવામાં આવ્યા હતા અને આમાંથી ૬૦ શેર અંજલિએ અને ૩૦ શેર તેના પિતાએ લીધા હતા. આ કંપનીને ફડચામાં ગયેલી જાહેર કરીને તેને બંધ કરવામાં આવી હતી અને તે સમયે તેના વોલેન્ટિયર લિક્વિડેટર તરીકે પનામીયન નાગરિક જહોન બી. ફોસ્ટરની નિમણૂક કરવામાં આવી હતી.

જેકી શ્રોફ અને ટાઇગર પણ ન્યૂઝીલેન્ડમાં ગુપ્ત સંપત્તિ ધરાવે છે ?
નવી દિલ્હી, તા. ૪: પેંડોરા પેપર્સ લીકમાં વિશ્વના કેટલાક ધનવાન કલાકારો, અભિનેતાઓના નામ પણ બહાર આવ્યા છે. ભારતમાં આ વખતે આ ક્ષેત્રમાં નવું નામ વીતેલા વર્ષોના અભિનેતા જેકી શ્રોફ અને તેમના અભિનેતા પુત્ર ટાઇગર શ્રોફનું છે. પેંડોરા પેપર્સની વિગતો મુજબ જેકી શ્રોફની પત્ની આયશા શ્રોફની માતા કલોડિયા દત્તે ન્યૂઝીલેન્ડમાં એક મીડિયા ટ્રસ્ટની સ્થાપના કરી હતી જેમાં જેકી ટ્રસ્ટનો પણ મહત્વનો ફાળો હતો. આ ટ્રસ્ટના લાભાર્થીઓ તરીકે જેકીના સંતાનો ટાઇગર શ્રોફ અને કૃષ્ણા શ્રોફના નામો હતા. પેપર્સમાં એવી પણ વિગત છે કે જેકી શ્રોફનું સ્વીસ બેન્કમાં પણ એક ખાતું હતું, જે ૨૦૧૩માં બંધ થઇ ગયું હતું.


Most Popular

To Top