પલસાણા: (Palsana) પલસાણાના કડોદરા નગરમાં રહેતા એક ૧૭ વર્ષીય યુવકને ચાર જેટલા ઇસમ ચપ્પુ તેમજ લોખંડના સળિયા વડે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી (Threat) આપી ભાગી છૂટ્યા હતા. આ અંગે કડોદરા પોલીસે (Police) ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પલસાણાના કડોદરા મદીના મસ્જિદ પાસે લીટલ ફ્લાવર સ્કૂલની બાજુમાં સદભાવના સોસાયટીમાં રહેતા અને બારડોલી મદરેશામાં રહીને અભ્યાસ કરતા મહોમ્મદ ફેસલ શેખ (ઉં.વ.૧૭)ને ગતરોજ રાત્રિ દરમિયાન તેના મિત્ર મોનુની ગાડી ખરાબ થઇ ગઇ હોવાથી તેણે મહોમ્મદ શેખના કડોદરા સાગર ઢાબા ખાતે બોલાવ્યો હતો. જેને લઇ મહોમ્મદ શેખ સાગર ઢાબા ખાતે પહોંચ્યો હતો.
ત્યારે એક સફેદ કલરની વેગેનાર ગાડી આવી અને તેમાંથી સોનુ ઉર્ફે બાટલા વાલ્મીકિ ઠાકુર (રહે., વરેલી, તા.પલસાણા) તથા તેના અન્ય ત્રણ અજાણ્યા ઇસમે આવી મહોમ્મદ શેખને કહ્યું હતું કે, તારા મામાએ મને વરેલી ગામે માર માર્યો હોવાથી અમે તને મારવાના છીએ. તેમ કહી લોખંડનો સળિયો તેમજ ચપ્પુ વડે હુમલો કરી લોહીલુહાણ કરી ઢીક્કામુક્કાનો માર મારી ટપોરી ગેંગે મહોમ્મદ શેખને ધમકી આપી હતી કે, આ અંગે પોલીસમાં ફરિયાદ કરીશ તો તને તથા તારા માતા પિતાને જાનથી મારી નાંખીશું. તેમ કહી તેઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. દરમિયાન મહોમ્મદ શેખ લોહીલુહાણ હાલતમાં તેના ઘરે જતાં તેના પિતાએ ૧૦૮ની મદદથી તેને હોસ્પિટલમાં સારવાર અપાવી હતી અને શોનુ ઉર્ફે બાટલા ઠાકુર તથા તેના અન્ય ત્રણ સાગરીતો સામે કડોદરા પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી.
અંકલેશ્વરમાં ચોરીની બાઈક સાથે એક ઝડપાયો
ભરૂચ: ભરૂચ એલસીબીનો સ્ટાફ વાહન ચોરીના ગુના શોધી કાઢવા માટે અંકલેશ્વર શહેર વિસ્તારમાં હતો. દરમિયાન બાતમી મળી હતી કે, અંકલેશ્વરના દીવા રોડ ઉપર આવેલી અંબિકાનગર સોસાયટી શંકાસ્પદ નંબર પ્લેટ વિનાની બાઇક સંતાડી રાખી છે. જે બાઇક હાલમાં તેના ઘરની બાજુમાં પાર્ક કરી છે. આ બાતમીના આધારે અંબિકાનગર સોસાયટી ખાતે પહોંચી ચોરીની બાઇક સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. તેની સઘન પૂછપરછ કરતાં આરોપી ભાંગી પડ્યો હતો અને આશરે એક વર્ષ પહેલાં ચોરીની બાઇક વેચાણ રાખી હોવાની કબૂલાત કરી હતી. આ બાઈક અંગે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો દર્જ કરવામાં આવ્યો હતો. પોલીસે નરેશભાઇ ચુનીલાલ ગાંધી નામના આધેડ વ્યક્તિ વિરુદ્ધ ક્રિમિનલ પ્રોસિઝરની સંલગ્ન કલમ મુજબ કાયદેસર કાર્યવાહી કરી અંકલેશ્વર તાલુકા પોલીસને સોંપ્યો હતો.