પહેલાં ન્યૂઝીલેન્ડ (Newzealand) અને પછી ઈંગ્લેન્ડે (England) પાકિસ્તાનનો ક્રિકેટ પ્રવાસ રદ કરી દેતાં પાકિસ્તાન (Pakistan) ભૂરાંટું બન્યું છે. વૈશ્વિસ્તરે થૂ થૂ થતાં પાકિસ્તાનના ક્રિકેટરો અને મંત્રીઓ હવે અપમાનિત મહેસૂસ કરી રહ્યાં છે અને મનફાવે તેમ નિવેદનો આપી રહ્યાં છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ રમીઝ રાજા (Pakistan cricket Board President Ramiz Raja)તો ખૂબ નિરાશ થયા છે અને એક બાદ એક તેમના નિવેદનો દ્વારા તેમની અકળામણ બહાર આવી રહી છે તો બીજી તરફ પાકિસ્તાનના એકમંત્રીએ તો ન્યૂઝીલેન્ડના રદ કરાયેલા પ્રવાસ માટે સીધેસીધું ભારતને (India) જ જવાબદાર ગણાવી દીધું છે.
ન્યુઝીલેન્ડ પછી ઇંગ્લેન્ડે પણ પાકિસ્તાનનો પ્રવાસ રદ કર્યો તે પછી ભારતની સાથે આ બંને દેશ પણ પોતાના દૂશ્મન હોવાની વાત કરીને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના (PCB) નવા વરાયેલા અધ્યક્ષ રમીઝ રાજાની હાલત સાપે છછૂંદર ગળ્યા જેવી થઇ છે. મંગળવારે ગળુ ફાડીને હવે બધાને ક્રિકેટના મેદાનમાં જોઇ લેવાની વાત કરનારા રમીઝ રાજા બુધવારે રડમસ બની ગયો હતો અને રોતલ સ્વરે તેણે કહ્યું હતું કે કોરોના કાળમાં અમે સ્થિતિ ખરાબ હોવા છતાં ઇંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો અને હવે અમને એવું લાગે છે કે ઇંગ્લેન્ડે અમને વાપરીને ફેંકી દીધા છે.
- ન્યુઝીલેન્ડે પ્રવાસ રદ કર્યા પછી અમને એવી આશા હતી કે ઇંગ્લેન્ડ અમારી જૂની દોસ્તીની લાજ રાખશે પણ અમે ખોટા ઠર્યા : પીસીબી અધ્યક્ષ
- રમીઝ રાજાની રોતલ વાત : અમને ઇંગ્લેન્ડ પાસેથી એવી આશા હતી કે તે જૂની મિત્રતાની લાજ રાખશે અને પ્રવાસ નહીં ટાળે પણ અમે ખોટા પડ્યા
રમીઝ રાજાએ બુધવારે કહ્યું હતું કે કોરોના રોગચાળા દરમિયાન પાકિસ્તાને બે વાર ઇંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો, તે સમયે સ્થિતિ કેટલી જોખમી હતી, વેક્સીન પણ આવી નહોતી. અમે તે સમયે ઇંગ્લેન્ડની મદદ કરી હતી. ન્યુઝીલેન્ડે જ્યારે પાકિસ્તાનનો પ્રવાસ રદ કર્યો ત્યારે અમને ઇંગ્લેન્ડ પાસેથી એવી આશા હતી કે તે અમારી જૂની મિત્રતાની લાજ રાખશે અને પોતાનો પ્રવાસ નહીં ટાળે પણ અમે ખોટા પડ્યા. ઇસીબી પાસે ક્રિકેટ બિરાદરીના અન્ય સભ્યોની કટોકટીમાં સહારો બનવાની તક હતી પણ તેઓ તે ચુકી ગયા છે.
રમીઝ રાજાએ ઇસીબી અધ્યશ્ર ઇયાન વોટમોર સાથે વાતચીત કરીને આવતા વર્ષે 2022ના ઇંગ્લેન્ડના પાકિસ્તાન પ્રવાસ અંગે વાતચીત કરી હતી અને પુછ્યું હતું કે ઇંગ્લેન્ડ તે સમયે પણ પાકિસ્તાન પ્રવાસ રદ કરી દે તો પાકિસ્તાને શું કરવું. એ ઉલ્લેખનીય છે કે રમીઝ રાજાએ એક દિવસ પહેલા જ્યારે ઇંગ્લેન્ડે પાકિસ્તાનનો પ્રવાસ રદ કર્યો ત્યારે એવી સંભાવના વ્યક્ત કરી હતી કે ઓસ્ટ્રેલિયા પણ પાકિસ્તાન પ્રવાસ રદ કરી દેશે અને વેસ્ટઇન્ડિઝના પાકિસ્તાન પ્રવાસ અંગે પણ કંઇ કહેવાય નહીં. એક અંદાજ અનુસાર ન્યુઝીલેન્ડ અને ઇંગ્લેન્ડે પાકિસ્તાન પ્રવાસ રદ કરતાં પીસીબીને લગભગ 110થી 185 કરોડ રૂપિયાનું નુકસાન થવાની આશંકા છે.
- ન્યુઝીલેન્ડની ટીમને મોકલાયેલા ધમકીભર્યો ઇમેલનું મૂળ કેન્દ્ર ભારત છે : પાકિસ્તાની માહિતી મંત્રી ફવાદ ચૌધરી
- પાકિસ્તાન પોતાની ધરતી પર અમેરિકન સૈન્ય છાવણીઓને મંજૂરી ન આપવાની કિંમત ચુકવી રહ્યું છે: ચૌધરી
આ તરફ પાકિસ્તાની મંત્રીએ તો રમીઝ રાજાથી પણ અલગ વાત કરતા કહ્યું હતું કે ન્યુઝીલેન્ડ અને ઇંગ્લેન્ડે સીરિઝ રદ કરી તે કમનસીબીની વાત છે, અમારો દેશ પોતાની ધરતી પર અમેરિકન સૈન્ય છાવણીઓને મંજૂરી ન આપવાની કિંમત ચુકવી રહ્યું છે. પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનની આગેવાની હેઠળ મંત્રીમંડળની બેઠક પછી ચૌધરીએ મીડિયાને કહ્યું હતું કે પાકિસ્તાન પોતાના વિસ્તારમાં હાલની રાજકીય સ્થિતિ માટેના પોતાના વલણની કિંમત ચુકવી રહ્યું છે. તેમણે અમેરિકા ભણી ઇશારો કરતાં કહ્યું હતું કે જો તમે સંપૂર્ણપણે નન્નો ભણી દો તો તેનું એક મુલ્ય હોય છે જે તમારે ચુકવવું પડે છે.
પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ મંત્રી ફવાદ ચૌધરીએ ન્યુઝીલેન્ડ દ્વારા પાકિસ્તાન પ્રવાસ રદ કરાતા તેના માટે ભારત પર દોષારોપણ કર્યું છે. ફવાદ ચૌધરીએ જણાવ્યું હતું કે ન્યુઝીલેન્ડની ટીમને જે ધમકીભર્યો ઇમેલ મોકલવામાં આવ્યો હતો તેનું મૂળ કેન્દ્ર ભારત છે. ફવાદ ચૌધરી કહે છે કે આ ઇમેલ વીપીએના માધ્યમથી પાડોશી દેશ ભારતમાંથી સંચાલિત કરાયો હતો. તેનું લોકેશન સિંગાપોર દર્શાવે છે.