Top News

More Posts

   The Latest

Most Popular

સરિતાશિવ અરૂર અને રાહુલ સિંહના પુસ્તક ઇન્ડિયાસ મોસ્ટ ફીયરલેસમાંની ઉરીના ભયાનક એટેક અને તે પછીની સર્જીકલ સ્ટ્રાઇકની વાતો પરથી અવરોધની પહેલી સીઝન આવેલી. ઇન્ડિયન આર્મીની યશોગાથા જણાવતી આ સીરિઝ ગમે એવી હતી. હવે આ જ લેખકોના પુસ્તક – ઇન્ડિયાસ મોસ્ટ ફીયરલેસ -2 ના એક પ્રકરણ પરથી બનેલી અવરોધ-2 સોની લાઈવ પર રજૂ થઇ છે. એમાં પણ આર્મી અને ઇન્ટેલિજન્સ એજન્સીઓની સફળતાની વાત છે. ઉરી અને નોટબંધીના સમયને એમાં વાર્તાના રૂપમાં આવરી લેવામાં આવ્યો છે. પહેલો ભાગ ન જોયો હોય તો પણ આ સ્વતંત્ર રીતે જોઈ શકાય છે.

એડીશનલ ઇન્કમટેક્સ કમિશનર પ્રદીપ ભટ્ટાચાર્ય (આબીર ચેટર્જી) ઇન્ડિયન આર્મીમાં કેપ્ટન પણ છે. શરૂઆતમાં જ આસામમાં જાલી નોટનો મોટો જથ્થો એ પકડે છે. આસામથી એક્શન ભાવનગરના અલંગ, તમિલનાડુ, છત્તીસગઢ, પંજાબ ફેરવાતી રહે છે. દર થોડા સમયે દિલ્હીના પાવર સર્કલમાં કેમેરા પહોંચે છે – જ્યાં પ્રધાનમંત્રી(મોહન અગાશે), એનએસએ (નીરજ કબી), ડિફેન્સ સેક્રેટરી (અનંત મહાદેવન) વગેરે મહત્ત્વના નિર્ણયો લેતા બતાવાયા છે. ઇન્ડિયન આર્મીમાં પ્રદીપનો સાથી છે કેપ્ટન ઈમ્તિયાઝ એહમદ (વિજય કૃષ્ણ). એ બે મળીને બધા એક્શન સીનમાં પહોંચી જાય છે. પાકિસ્તાનની સાઈડ પર લંડન રહેતો પ્રોફેસર મિલિયોનેર એહસાન વઝીરી (સંજય સુરી) પાકિસ્તાની આઈએસઆઈ સાથે મળી પ્લોટ બનાવે છે. તે પોતાની ભૂતપૂર્વ વિદ્યાર્થી અને સાથી પરવીના (અહાના કુમરા ) ને ભારત મોકલે છે. પરવીના પંજાબ, છત્તીસગઢ, આસામ અને તામિલનાડુના મિલિટન્ટ ને તૈયાર કરે છે અને એમને પૈસા અને આરડીએક્સ પહોંચાડવાનું વચન આપે છે.

વઝીરી કરોડો રૂપિયાની પાંચસો અને હજારની જાલી નોટો શ્રીલંકા થઈને ભારતમાં ઘુસાડે છે. આરડીએક્સ એક લકઝરી જહાજ દ્વારા અલંગ મોકલવામાં આવે છે. પ્લાન એવો છે કે ઉરી માં છમકલું કરવું અને ભારત સરકાર ત્યાં વ્યસ્ત હોય ત્યારે અફઘાનિસ્તાનનો બૉમ્બ એક્સપર્ટ ભારતમાં ઘુસાડવો. પચાસ પ્રિન્ટરમાં આરડીએક્સ સંતાડી 25 પ્લેન ને મોબાઈલ ફોન દ્વારા તોડી પાડવા અને જાલી નોટ અને અલગાવવાદી જૂથને પ્રોત્સાહન આપી ભારતની કમર તોડી નાખવી. પણ પ્રદીપ આરડીએક્સ ભારતમાં આવ્યું છે એ માહિતી મેળવી લે છે. ઉરી નો જડબાતોડ જવાબ અપાય છે અને અફઘાનીને સરહદ પર પતાવી દેવાય છે. બીજા બધા કાવતરા પણ અટકાવી દેવાય છે પણ જાલી નોટ તો આવી ગઈ છે એટલે એનું શું કરવું એ સમસ્યા રહે છે. અને એટલે પૂરતી તૈયારી ન હોવા છતાં નોટબંધી જાહેર કરવામાં આવે છે!

આબીર ખૂબ અસરકારક લાગે છે. વિજય ક્રિષ્ના, અહાના કુમરા, સન્જય સુરી, નીરજ કબી, એમના રોલ પ્રમાણે બરાબર છે. થ્રિલર તરીકે રજૂ થયેલી સિરીઝ વચ્ચે વચ્ચે પકડ ગુમાવી દે છે. સરકારે નોટબંધી કેમ કરવી પડી એની વાતો વખતોવખત વૉટ્સએપ યુનિવર્સીટીમાં આવતી રહી છે એટલે એ બધાને ખબર હશે. પણ મોટા ભાગે જે પુસ્તક અને સિરીઝ નો ઉદ્દેશ છે કે ભારતીય સેનાની કામગીરીને બિરદાવવી – એ જળવાઈ રહે છે. એટલે જોવા લાયક બને છે!

To Top