Top News

More Posts

   The Latest

Most Popular

સુરત (Surat): શહેરના અલથાણ (Althan) પાંડેસરા (Pandesara) ખાડી બ્રિજ (Creek Bridge) પરથી સોમવારની રાત્રે એક યુવકે મોત વ્હાલું કરવાના ઈરાદે ખાડીમાં કૂદકો માર્યો હતો. યુવકને કૂદકો મારતા જોનાર સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને (Fire Brigade) તાત્કાલિક જાણ કરતા ફાયરના લાશ્કરોએ ઘટના સ્થળે ઝડપથી પહોંચી જઈ દોરડાની મદદથી ખેંચી યુવકનો જીવ બચાવ્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

  • ભટારના રસૂલાબાદમાં રહેતા 27 વર્ષીય યુવકે અલથાણની ખાડીમાં કૂદકો માર્યો
  • પારિવારિક સમસ્યાના લીધે યુવકે જીવતર ટૂંકાવવાના ઈરાદે પગલું ભર્યું
  • ફાયર બ્રિગેડનો માર્શલ દોરડું લઈ નીચે ગયો અને યુવકને બાંધી ઉપર ખેંચ્યો
  • સોમવારે રાત્રિના સમયની ઘટના, લોકોના જીવ અદ્ધર થયા
  • લાઈવ રેસ્ક્યૂ ઓપરેશનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો

ફાયર વિભાગના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સોમવારે રાત્રે 9થી 9.15 કલાક દરમિયાન ડી-માર્ટ પાસે આવેલા અલથાણ-પાંડેસરા ખાડી બ્રિજ પરથી એક યુવકે ખાડીમાં કૂદકો મારી પોતાનો જીવ ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાને જોનાર કેટલાંક લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ત્યારે ખાડીમાં અંધારુ હતુ. ફાયર ઓફિસર અક્ષર પટેલ સહિતના જવાનોની ટીમે તાત્કાલિક રેસ્ક્યૂ કામગીરી શરૂ કરી હતી.

વીડિયો જોવા અહીં ક્લીક કરો

અક્ષર પટેલે કહ્યું કે, યુવક ખાડીમાં પડ્યો હતો. એક માર્શલને દોરડા સાથે બ્રિજ નીચે ઉતારવામાં આવ્યો હતો અને યુવકને દોરડાથી બાંધીને બાકીના માર્શલ તથા જવાનોએ દોરડું ખેંચી અડધો કલાકની ભારે જહેમત બાદ તેને ઉપર ખેંચી બચાવ્યો હતો. યુવકની પૂછપરછ કરવામાં આવતા તે પોતે ભટારના રસૂલાબાદ ખાતે રહેતો હોવાનું જણાવ્યું હતું. યુવકે પોતાનું નામ મુકેશ દેવચંદ પંડોલે (ઉં.વ. 27) જણાવી હતી. પારિવારિક સમસ્યાને પગલે જીવન ટૂંકાવવાના ઈરાદે ખાડીમાં કૂદી ગયો હોવાનું જણાવ્યું હતું. યુવક ખાડીમાં કુદી તો ગયો પરંતુ અંદર પાણી જોઈને તે ગભરાઈ ગયો હતો અને એક પિલરને પકડીને પાણી ઉપર તરતો રહ્યો હતો. પોતાનો જીવ બચાવવા માટે તે હવાતિયા મારતો રહ્યો હતો. ફાયર બ્રિગેડે સમયસર પહોંચી જઈ યુવકને બચાવી લીધો હતો.

જો સમયસર ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો નહીં હોત તો પરિણામ કંઈ અલગ રહ્યું હોત. ખાડીના પાણીમાં પિલર પકડીને ફસાયેલો યુવક વધુ લાંબો સમય સુધી ત્યાં ટકી શકે તેમ નહોતો. ફાયરના લાશ્કરોની સમયસૂચકતાના લીધે યુવકનો જીવ બચી શક્યો છે.

To Top