Top News

More Posts

   The Latest

Most Popular

નવી દિલ્હી: રશિયા (Russia) અને યુક્રેન (Ukrain) વચ્ચે 24 ફેબ્રુઆરીથી યુદ્ધ (War) ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં જ્યાં યુક્રેનના અનેક શહેરો (City) તબાહ થઈ ગયા. સાથે જ યુક્રેનનો દાવો છે કે તેણે પણ રશિયાને જડબાતોડ જવાબ આપ્યો છે. બંને દેશોના દાવા ગમે તે હોય, પરંતુ આ યુદ્ધમાં અનેક નિર્દોષો માર્યા ગયા છે અને ઘણા બેઘર પણ બન્યા છે. તે જ સમયે, વિશ્વના ઘણા દેશોએ આ યુદ્ધની નિંદા કરી છે, પરંતુ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને આ યુદ્ધ વિશે કોઈ અફસોસ નથી. કારણ કે તાજેતરમાં જ તેમને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે શું તેમને યુક્રેન વિરુદ્ધ ચાલી રહેલા યુદ્ધ અંગે કોઈ પસ્તાવો છે. આના પર પુતિને સ્પષ્ટપણે ‘ના’નો ઉત્તર આપ્યો હતો.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કઝાકની રાજધાની અસ્તાનામાં તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન, તેમને પૂછવામાં આવ્યું કે શું તેમને યુક્રેન સાથેના યુદ્ધ વિશે કોઈ પસ્તાવો છે, જેના પર તેમણે કહ્યું – ના. જોકે, પુતિને એમ પણ કહ્યું કે યુક્રેનને નષ્ટ કરવું એ રશિયાનો ઉદ્દેશ્ય નથી. આ સાથે પુતિને પણ ભારત વિશે પોતાની પ્રતિક્રિયા આપી છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે ભારત અને ચીને ગયા મહિને ઉઝબેકિસ્તાનમાં યોજાયેલી સમિટમાં યુક્રેનમાં “શાંતિપૂર્ણ વાટાઘાટો”નું સમર્થન કર્યું હતું.

‘યુક્રેન પર નવા હુમલાની જરૂર નથી’
પુતિને વઘારામાં જણાવ્યું હતું કે અત્યારે યુક્રેન પર નવા હુમલાની જરૂર નથી. કારણ કે રશિયા દેશને બરબાદ કરવાનું વિચારી રહ્યું નથી. આ સાથે પુતિને કહ્યું કે રશિયા મંત્રણા કરવા તૈયાર છે, જો કે પુતિને એમ પણ કહ્યું કે જો યુક્રેન તેમાં ભાગ લેવા તૈયાર છે તો તેમને આંતરરાષ્ટ્રીય મધ્યસ્થી કરવાની જરૂર પડશે.

રશિયાએ યુક્રેનને નિશાન બનાવ્યું હતું
આ પહેલા ક્રિમિયા બ્રિજ પર હુમલા બાદ રશિયાએ યુક્રેનને નિશાન બનાવ્યું હતું. યુક્રેન પર એક પછી એક હુમલા કરવામાં આવ્યા હતા. રાજધાની કિવ સહિત ઘણા શહેરો પર રશિયન સૈનિકો દ્વારા મિસાઇલોથી હુમલો કરવામાં આવ્યો હતો. આ પછી જ્યારે પુતિનને આ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે આ યુક્રેન દ્વારા કરવામાં આવેલ આતંકી કૃત્ય છે. એટલું જ નહીં, પુતિને કડક સ્વરમાં કહ્યું હતું કે અમારી તરફના તમામ હુમલા ક્રિમિયા બ્રિજ પર થયેલા હુમલાનો જવાબ છે.

રશિયાએ આપી હતી ત્રીજા વિશ્વ યુદ્ધની ધમકી
છેલ્લા કેટલાક દિવસોથી રશિયા આક્રમક વલણ અપનાવીને યુક્રેન પર હુમલો કરી રહ્યું છે. રશિયન હુમલાઓ વચ્ચે યુક્રેન નાટો (નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન)માં સામેલ થવાનો પ્રયાસ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં યુક્રેન નાટોમાં સામેલ થવા પર રશિયાએ આકરી પ્રતિક્રિયા આપી છે. તેને યુક્રેનનો પ્રચાર ગણાવીને રશિયાએ આ વખતે ત્રીજા વિશ્વ યુદ્ધની સીધી ધમકી આપી હતી.

To Top