Top News

More Posts

   The Latest

Most Popular

ભાજપનો નારો છે,૩૭૦ અને એનડીએ ૪૦૦ પાર જાય એવો સંકલ્પ છે. પણ આ લક્ષ્યાંક તો જ શક્ય છે, જ્યારે દક્ષિણનાં રાજ્યોમાં ભાજપ થોડી બેઠકો મેળવે અને દક્ષિણનાં પાંચ રાજ્યોમાં આજ સુધી ભાજપ નોંધપાત્ર સફળતા મેળવી જ શક્યો નથી. ભાજપના જેના નામે જ જીતે છે એ નરેન્દ્ર મોદીએ આ વેળા દક્ષિણનાં રાજ્યો પર વધુ જોર આપ્યું છે અને ત્યાં દક્ષિણના વધુ પ્રવાસો કર્યા છે, પણ ભાજપ કેટલી સફળતા મેળવશે? રાજકીય નિષ્ણાતો આ મુદે્ જુદા જુદા મત ધરાવે છે. પણ ગઈ ચૂંટણી કરતાં ભાજપ એનો વોટ શેર વધારે એવી શક્યતા તો જરૂર છે. બેઠકો કેટલી આવે એ કહેવાનું જરા ય આસાન નથી.

દક્ષિણનાં  રાજ્યોમાં અત્યાર સુધીનો ભાજપનો ટ્રેક રેકર્ડ સારો રહ્યો નથી અને એ જ કારણે ભાજપ પાન ઇન્ડિયા પાર્ટી બની નથી. હા, બંગાળ અને ઇશાન ભારતમાં ભાજપ સારો એવો દેખાવ કરે છે. પણ દક્ષિણમાં હજુ એ સ્થિતિ આવવી બાકી છે. દક્ષિણનાં પાંચ રાજ્યોમાં લોકસભાની કુલ ૧૨૯ બેઠકો છે અને એમાંથી ગઈ ચૂંટણીમાં ભાજપે માત્ર ૨૯ બેઠકો જ મેળવી હતી અને એમાં ય ૨૦૧૪માં કર્નાટકમાં જ ઝાઝી સફળતા મળી હતી, ત્યાં ૨૫ બેઠકો જીતી હતી, બાકી ચાર તેલંગણામાં, કેરળ, આંધ્ર ને તામિલનાડુમાં ભાજપ એક પણ બેઠક મેળવી શક્યો નહોતો.

અગાઉનાં પરિણામોની વાત કરીએ તો ૨૦૧૪માં આ પાંચ રાજ્યોમાં ભાજપે ૨૭, ૨૦૦૯માં ૧૯ , ૨૦૦૪માં ૧૮ ,૧૯૯૮માં ૨૦ અને એ પહેલાં તો પૂરી દસ બેઠક પણ આ રાજ્યોમાં ભાજપને મળતી નહોતી. દક્ષિણમાં કોંગ્રેસ પણ વર્ષોથી નબળી પડી છે. હા, કર્નાટક અને તેલંગણામાં સત્તા ફરી આવી એ કોંગ્રેસ માટે જીવતદાન છે. બાકી આ રાજ્યોમાં પ્રાદેશિક પક્ષોનું રાજ રહ્યું છે. ડીએમકે , અન્નાડીએમકે , વાયએસઆર, બીઆરએસ …

દક્ષિણમાં ભાજપે પહેલી વાર સત્તા મેળવી એ રાજ્ય એટલે કર્નાટક અને એ ય વી. એસ. યેદીયુરપ્પાના કારણે. જેમની લિંગાયત મત પર બહુ પકડ છે. આજે અહીં કોંગ્રેસનું રાજ છે અને ભાજપે જેડીએસ સાથે હાથ મિલાવવા પડ્યા છે. યેદી સામે પક્ષમાં કેટલોક વિરોધ છે અને એ કારણે કેટલાક નેતાઓ નારાજ છે અને પક્ષ પણ છોડી કોંગ્રેસમાં જોડાયા છે. હમણાં રેડ્ડી બંધુઓ કે જેમની સામે ભ્રષ્ટાચારના આરોપો હતા એમને ભાજપે ફરી પક્ષમાં લીધા છે. વળી ટીકીટ વહેંચણી મુદે જેડીએસમાં પણ નારાજગી છે. આ બધું જોતાં ૨૦૧૯ જેટલી બેઠકો ભાજપ મેળવશે કે કેમ એ પ્રશ્ન છે.

તામિલનાડુ મોટું રાજ્ય છે અને  અહીં લડાઈ ડીએમકે અને અન્નાડીએમકે વચ્ચે રહી છે. પણ આજે જયલલિતાની વિદાય બાદ અન્નાડીએમકે એટલો મજબૂત પક્ષ રહ્યો નથી. એમાં પણ બે ફાંટા થઇ ગયા છે. ભાજપનું આ પક્ષ સાથે ગઠબંધન રહ્યું, પણ હવે ભાજપે છેડો ફાડી છ પ્રાદેશિક પક્ષો સાથે હાથ મિલાવ્યા છે. એએમએકે , આઈજેકે, ટીએમએમકે , આઈએમકેએમકે , પીએમકે . અને કુલ ૩૯ બેઠકો પૈકી ભાજપ અહીં ૨૩ બેઠક પર લડે છે.

અહીં ભાજપે આ વેળા લડાયક કે. અન્નામલાઈને પક્ષનું સુકાન આપ્યું છે. એટલે આશા વધી છે. બાકી અહીંથી ભાજપમાં વૈન્ક્યાનાયડુ , કૃશ્ન મૂર્તિ જેવા નેતા આવ્યા પણ ધરાતલ પર તેઓ મજબૂત નહોતા. સામે એમ કે સ્ટાલિન હજુ ય મજબૂત છે. અલબત્ત સ્ટાલિન સરકારને પરેશના કરવામાં ભાજપે કાંઈ બાકી રાખ્યું નથી. કરુનાનિધિ પરિવારને ભ્રષ્ટાચારી ગણાવે છે મોદી અને ભાજપ. અહીંના રાજ્યપાલ પણ સાથ સહકાર આપતા નથી. આમ છતાં હજુ ય સ્ટાલિન અહીં મજબૂત છે.

તેલંગણામાં કોંગ્રેસ સત્તામાં આવી અને બીઆરએસ સત્તાવિહોણો બન્યો છે. કે ચન્દ્રશેખરરાવ ભીંસમાં છે કારણ કે , એમની દીકરી શરાબ કાંડમાં જેલમાં છે. અહીં છેલ્લી બે વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો વોટ શેર ૭ ટકાથી વધી ૧૩ ટકા થયો છે અને ગઈ લોકસભામાં ૧૯ ટકા મત મળેલા એટલે અહીં ભાજપ માટે થોડી શક્યતા છે. આંધ્રમાં ભાજપે ટીડીપી સાથે હાથ મિલાવ્યા છે. ચન્દ્રાબાબુ નાયડુ વિધાનસભામાં ચૂંટણી બહુ ખરાબ રીતે હાર્યા છે અને હવે એમને જનસમર્થન ઘટ્યું છે. કલાકાર પવન કલ્યાણની પાર્ટી જન્સેના પણ ભાજપના મોરચામાં છે. પણ એ વાત નકારી શકાય એમ નથી કે, અહીં વાયએસઆર મજબૂત છે અને કોંગ્રેસ પણ મેદાનમાં છે. મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીનાં સગાં બહેન કોંગ્રેસમાં ગયાં છે અને ચૂંટણી લડી રહ્યાં છે.

કેરલમાં કોંગ્રેસ મજબૂત નથી. અલબત્ત અહીં વાયનાડ  રાહુલ ગાંધી લડી રહ્યા છે અને શશી થરૂર પણ કેરળના સ્ટાર ઉમેદવાર છે, પણ યુડીએફ અને એલડીએફનું જોર છે. આ બધા વચ્ચે ભાજપે દેખાવ કરવાનો છે. અલબત્ત કોન્ગ્રેસના વજનદાર નેતા એ. કે. એન્ટોનીના પુત્ર અનિલ ભાજપમાં ગયા અને ત્યાંથી ચૂંટણી લડે છે પણ સીનીયર એન્ટોની કહે છે કે, મારો પુત્ર હારવો જોઈએ. એમ તો ભાજપે રાજીવ ચન્દ્રશેખર અને વી. મુરલીધરન જેવા રાષ્ટ્રીય ચહેરાઓને પણ મેદાસણમાં ઊતાર્યા છે પણ અહીં સફળતા મળવી મુશ્કેલ છે.

દક્ષિણનાં રાજ્યો હિન્દીભાષી રાજ્યો કરતાં વિકાસની વાતમાં ઘણા બધા આગળ છે. આ રાજ્યોમાં ગરીબી ઓછી છે , બેરોજગારી ઓછી છે. બેંગ્લોર ટેકનોલોજીની દૃષ્ટિએ ઉત્તમ ગણાય છે. આ રાજ્યોની માથાદીઠ આવક પણ હિન્દીભાષી રાજ્યો કરતાં વધુ છે અને અહીં ભાષા અને સંસ્કૃતિના મુદે્ પ્રજા અલગ પડે છે. દ્રવિડ ચળવળ હજુ ય વજૂદ ધરાવે છે. શિક્ષણનું પ્રમાણ આ રાજ્યોમાં વધુ છે.

વિદેશમાં અહીંનાં લોકો છે. કોરોના કાળમાં કેરળે જે કામગીરી કરી હતી એ બીજાં રાજ્યો માટે માર્ગદર્શક બની હતી અને હા, આ રાજ્યોમાં લોકકલ્યાણકારી યોજનાઓનું રાજકીય રીતે મહત્ત્વ રહ્યું છે  અને રામ મંદિર કે હિન્દુત્વ જેવા મુદા્ઓ મતદારો પર અસર કરતા નથી. આ કારણે ભાજપ માટે આ પાંચ રાજ્યના કિલ્લાઓ ભેદવા આકરા છે અને એ ના ભેદે તો ૩૭૦ અને ૪૦૦ પારનો નારો નિષ્ફળ જવાની પૂરી શક્યતા છે. મોદી માટે આ રાજ્યો એક પ્રકારે પડકાર છે. પણ મોદીને પડકારો ગમે છે. લંકાને ઇન્દિરા ગાંધીના વખતમાં એક ટાપુ આપી દેવાયો હતો [ સમજુતી રૂપે ભારતને કૈંક મળ્યું હતું ]  એ મુદો્ એટલે જ ઉછાળ્યો છે. આવા મુદાઓ ભાજપને કેટલી મદદ કરશે? પરિણામ સુધી રાહ જોવી રહી.
કૌશિક મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top