Top News

More Posts

   The Latest

Most Popular

દિલ્હી એનસીઆરમાં (Delhi NCR) આકરી ગરમી વચ્ચે શુક્રવારે રાત્રે ધૂળની ડમરીઓ સાથે હળવો વરસાદ થયો હતો. આ દરમિયાન વૃક્ષો પડવાથી બે લોકોના મોત થયા હતા. જોરદાર વાવાઝોડાને કારણે ઘણી ઇમારતોને પણ નુકસાન થયું છે. વાવાઝોડાને કારણે વિવિધ અકસ્માતોમાં કુલ 23 લોકો ઘાયલ થયા છે. પવનની ઝડપ 50 થી 70 કિમી પ્રતિ કલાકની વચ્ચે નોંધાઈ હતી. તોફાન અને વરસાદ બાદ દિલ્હી NCRમાં વધતા તાપમાનથી લોકોને રાહત મળી છે. શનિવારે સવારથી વાતાવરણ ખુશનુમા રહ્યું હતું. કેટલાક સ્થળોએ ઝરમર વરસાદ વરસ્યો છે.

બીજી તરફ ધૂળિયા વાવાઝોડાને જોતા દિલ્હી એરપોર્ટના સૂત્રોએ જણાવ્યું કે ખરાબ હવામાનને કારણે 9 ફ્લાઈટને જયપુર ડાયવર્ટ કરવામાં આવી છે. રસ્તાઓ પર વૃક્ષો પડવાને કારણે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિકને પણ અસર થઈ છે. પોલીસે જણાવ્યું કે તેમને વૃક્ષો પડવા સંબંધિત 152, ઈમારતોને નુકસાન સંબંધિત 55 અને પાવર કટ સંબંધિત 202 કોલ મળ્યા હતા.

13 રાજ્યોમાં વરસાદ અને વીજળી પડવાની ચેતવણી
ભારતીય હવામાન વિભાગ (IMD) એ શનિવારે દેશના 13 રાજ્યોમાં વરસાદ, ગાજવીજ અને વીજળી પડવાની ચેતવણી જારી કરી છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન ઉપરાંત ઉત્તરાખંડ, તમિલનાડુ, દક્ષિણ પંજાબ, હરિયાણા, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, કર્ણાટક અને કેરળમાં વરસાદ અને વીજળી પડી શકે છે.

IMD અનુસાર મહારાષ્ટ્રના વિવિધ સ્થળોએ આજે ​​40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશમાં 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે આંધી અને કરા પડવાની શક્યતા છે. 12 અને 13 મેના રોજ મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશમાં આંધી અને કરા પડવાની સંભાવના છે.

2 મેના રોજ મહારાષ્ટ્ર, છત્તીસગઢ, તમિલનાડુ, કેરળ, કર્ણાટક, તેલંગાણા, પુડુચેરીમાં ભારે વરસાદની સંભાવના છે. હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ગુજરાતમાં આકરી ગરમી યથાવત રહેશે. જ્યારે 13 મેના રોજ ઉત્તરાખંડ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક, હિમાચલ પ્રદેશમાં વીજળી પડવાની સંભાવના છે. હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ધૂળનું તોફાન આવશે. 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. કેરળ, કર્ણાટક અને તેલંગાણામાં ભારે વરસાદ થશે.

7 રાજ્યોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
બીજી તરફ દેશના 7 રાજ્યોમાં ભીષણ ગરમીની અસર જોવા મળી રહી છે. શુક્રવારે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, ઓડિશા, મહારાષ્ટ્ર, હરિયાણા અને તેલંગાણામાં તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું હતું. રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં આજે હીટવેવની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી ભેજવાળી ગરમી યથાવત રહેશે.

ઉત્તરાખંડમાં વરસાદને કારણે બેના મોત
ઉત્તરાખંડમાં પણ તારાજી સર્જાઈ છે. વરસાદના કારણે બદ્રીનાથ-ઋષિકેશ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. રાજ્યના પહાડી વિસ્તારોમાં અને બદ્રીનાથ હાઈવે પર પીપલ કોઠી પાસે ભારે વરસાદને કારણે બે લોકોના મોત થયા છે. જ્યારે છ લોકો ઘાયલ થયા હતા. ઇમારતોને નુકસાન થવાથી 17 લોકો ઘાયલ થયા છે.

બદ્રીનાથ-ઋષિકેશ હાઈવે સિરોબાગઢ પાસે રોડ પર કાટમાળ જમા થવાને કારણે બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે બદ્રીનાથ અને કેદારનાથ જતા તીર્થયાત્રીઓને શ્રીકોટ-શ્રીનગર અને કાલિયાસુદ ખાતે રોકી દેવામાં આવ્યા છે. સિરોબાગઢમાં, પહાડ પરથી સતત કાટમાળ અને પથ્થરો પડવાને કારણે રસ્તો બંધ કરી દેવાયો છે.

To Top