Top News

More Posts

   The Latest

Most Popular

જુના ઝઘડાની રીસ રાખી મહોળેલના ત્રણ શખ્સે છાપરામાં પરિવાર સુતો હતો તે દરમિયાન આગ લગાડી

છાપરામાં સુતેલા માતા – પિતા અને પુત્ર ગંભીર રીતે દાજી જતાં સારવાર હેઠળ ખસેડાયાં

(પ્રતિનિધિ) નડિયાદ તા.13

નડીયાદના પાલૈયા ગામના ગણેશપુરા વિસ્તારમાં જુના ઝઘડાનો ખાર રાખી મહોળેલ ગામના ખોડીયારપુરાના ત્રણ વ્યક્તિઓએ છાપરામાં સુઈ રહેલા દંપતિ તેમજ તેના પુત્રને જીવતા સળગાવવા માટે કોઈ પ્રવાહી છાપરા પર છાંટી આગ ચાપી દીધી હતી. જેના કારણે ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે દાજી જતા સારવાર માટે દાખલ કરાયા છે.

નડિયાદ તાલુકાના પાલૈયા ગામના ગણેશપુરા વિસ્તારમાં રહેતા 68 વર્ષિય ભલાભાઇ રામાભાઇ સોલંકી અને પડોશમાં રહેતા પિતરાઈ જયંતીભાઈ ડાહ્યાભાઈ સોલંકીને અગાઉ નજીકના મહોળેલ ગામના ખોડીયારપુરામાં રહેતા ગુરૂ ઉર્ફે ગુરીયો જયંતી સોલંકી અને તેના ભાઇ મહેન્દ્ર ઉર્ફે લોટીયો જયંતી સોલંકી સાથે ઝઘડો થયો હતો. જોકે ત્યાર પછી બંને ભાઈઓ અવાર-નવાર તેમની સાથે ઝઘડા કરતા હતા. દરમિયાન ગુરુ ઉર્ફે ગુરીયો અને તેનો ભાઈ મહેન્દ્ર ઉર્ફે લોટીયો આ ઝગડાની અદાવતમાં ભલાભાઇ અને તેમના કાકાના દીકરા જયંતીભાઈને સબક શીખવાળવાની ફિરાકમાં ફરતા હતા.

ભલાભાઈ ગઈકાલે રાત્રિના સમયે પાલૈયા ગામમાં ખુશાલભાઈ માનાભાઈ સોલંકીને ત્યાં લગ્ન પ્રસંગ હોય તેમને ઘેર બેસવા ગયા હતા. જ્યારે પડોશમાં રહેતા તેમના કાકાનો દીકરા જયંતીભાઈ અને પત્ની કૈલાસબેન તેમજ દીકરો સંજય નિત્ય ક્રમ મુજબ જમી પરવારી પોતાના છાપરામાં સૂઈ ગયા હતા. દરમિયાન અગાઉના ઝઘડા ની રીસ રાખી ગુરુ ઉર્ફે ગુરીયો તેનો ભાઈ મહેન્દ્ર ઉર્ફે લોટીયો અને સાગરીત નરેન્દ્ર ઉર્ફે મોદીયો ઇશ્ર્વર સોઢા રહે, ટીમ્બાપુરા – મહોળેલ ગઈકાલે મધરાત પછી કોઈ જવલનશીલ પદાર્થ લઈ જયંતીભાઈના છાપરા ખાતે ચોરી છુપીથી ઘસી ગયા હતા અને ત્રિપુટીએ છાપરામાં સુતેલ જયંતીભાઈ તથા પત્ની કૈલાશબેન અને દીકરા સંજયને મારી નાખવાના ઇરાદે સાથે લાવેલ કોઈ જવલનશીલ પદાર્થ છાપરામાં છાંટી  દીવાસળી ચાંપી છાપરું ભડભડ સળગી દીધું હતું. જેને લઇ છાપરામાં ઘસઘસાટ ઊંઘતા જયંતીભાઈ તેમજ પત્ની કૈલાસબેન અને દીકરો સંજય શરીરે દાજી ગયા હતા. તે સાથે ગુરુ ઉર્ફે ગુરિયો મહેન્દ્ર ઉર્ફે લોટીયો અને નરેન્દ્ર ઉર્ફે મોદીયો ત્યાંથી ભાગી નીકળ્યા હતા.

બરોબર આ સમયે ગામમાં લગ્નના રસોડા પર બેસવા ગયેલ ભલાભાઇ ઘેર પરત આવતા હતા. અને તેમણે પોતાના કાકાના દીકરાના છાપરામાં આગ લાગી હોવાનું જોતા તે તરફ દોટ મૂકી હતી. આ સમયે છાપરાને આગ ચાપી ભાગી રહેલ ગુરુ ઉર્ફે ગુરીયો અને તેના ભાઈ મહેન્દ્ર ઉર્ફે લોટીયાને જોતા ભલાભાઇએ શંકાના આધારે બંનેને ક્યાં જઈને આવ્યા છો ? પૂછતા ઉશ્કેરાયેલ ગુરુ ઉર્ફે ગુરીયાએ હાથમાંનો લાકડાનો ડંડો તેમને ડાબા હાથ પર ફટકારી દીધો હતો. સાથે બંને ભાઈ ત્યાંથી રફુચક્કર થઈ ગયા હતા.

આ દરમિયાન ઊંઘ આવતી ન હોય ઘર બહાર બેઠેલ જયંતીભાઈના કાકાના દીકરા રણજીતભાઈ સોમાભાઈ સોલંકીએ પણ ગુરુ ઉર્ફે ગુરીયો તેના ભાઈ મહેન્દ્ર ઉર્ફે લોટીયો અને સાગરીત નરેન્દ્ર ઉર્ફે મોદીયો ઇશ્વર સોઢા રહે, ટીમ્બાપુરા – મહોળેલને જયંતીભાઈના ઘર આગળ જોયા હતા પછી છાપરામાં આગનો ભડકો થયા બાદ ત્રણેયને નહેર બાજુ ભાગીને જતા તેમણે જોયા હતા. દરમિયાન છાપરામાં લાગેલ આગને લઈ આજુબાજુના લોકો ત્યાં દોડી આવ્યા હતા. અને તેઓએ શરીરે દાજેલ જયંતીભાઈ તેમજ તેમના પત્ની કૈલાસબેન અને દીકરા સંજયને સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાંથી ત્રણેયને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ચકલાસી પોલીસે આ અંગે ભલાભાઇ સોલંકીની ફરિયાદના આધારે ગુરુ ઉર્ફે ગુરીયો જયંતિ સોલંકી તેના ભાઈ મહેન્દ્ર ઉર્ફે લોટીયો જયંતિ સોલંકી અને સાગરીત નરેન્દ્ર ઉર્ફે મોદીયો ઇશ્ર્વર સોઢા વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતનો ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

To Top