Top News

More Posts

   The Latest

Most Popular

મુંબઈમાં (Mumbai) સોમવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ વાવાઝોડાએ (Cyclone) તબાહી મચાવી હતી. સોમવારે બપોરે અચાનક મુંબઈમાં ધૂળની ડમરીઓ સાથે જોરદાર પવન ફૂંકાવા લાગ્યો હતો અને ત્યારબાદ કેટલીક જગ્યાએ વરસાદ પણ જોવા મળ્યો હતો. આ ધૂળની ડમરીના કારણે અનેક લોકોના મોત થયાના અહેવાલ છે. દરમિયાન વાડલામાં બિલ્ડીંગની બહાર લોખંડના દાદરનું માળખું રોડ પર પડી જતા અનેક ઘાયલ થયા છે. ઘાટકોપરના રમાબાઈમાં કેટલીક દુકાનો પર બિલ બોર્ડ પડી જવાની ઘટના બની હતી.

મુંબઈગરાઓ માટે સોમવારે વાતાવરણ આફત બનીને આવ્યું હતું. બીએમસીએ જણાવ્યું છે કે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર પંતનગરમાં ઘાટકોપર ઈસ્ટના પોલીસ ગ્રાઉન્ડ પેટ્રોલ પંપ પર લોખંડનું હોર્ડિંગ પડતાં 57 લોકો ઘાયલ થયા હતા. આ ઘટનામાં 4 લોકોના મોતના સમાચાર પણ છે. અધિકારીનું કહેવું છે કે 100 અન્ય લોકો ફસાયા હોવાની આશંકા છે. BMC શોધ અને બચાવ કામગીરી કરી રહી છે. શહેરમાં જોરદાર પવનને કારણે ઘણી જગ્યાએ મોટા બાંધકામો પણ પડી ગયા હોવાના સમાચાર છે.

માહિતી આપતા BMC PROએ કહ્યું કે ઘાટકોપરમાં હોર્ડિંગ પડવાની ઘટનામાં BMC રેલવે અને એડવર્ટાઈઝિંગ કંપની ઈગો મીડિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરશે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ FIR દાખલ કરવા માટે ફરિયાદ કરવામાં આવશે. બીજી તરફ વાડલામાં બિલ્ડીંગની બહાર લોખંડના દાદરનું માળખું રોડ પર પડી ગયું હતું. જે સમયે આ માળખું પડ્યું ત્યારે અહીં વાહનો અવર જવર કરી રહ્યાં હતા. આટલું જ નહીં મુંબઈમાં આવેલા જોરદાર તોફાન અને વરસાદ કારણે ઘણી આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ફ્લાઈટોને અન્ય શહેરો તરફ વાળવામાં આવી છે.

દેવેન્દ્ર ફડણવીસે આપ્યા તપાસના આદેશ
ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ઘાટકોપર વિસ્તારમાં હોર્ડિંગ પડવાની દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 47 નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. મુંબઈ પોલીસ, મ્યુનિસિપલ કોર્પોરેશન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવા વિભાગો સંકલન કરી રહ્યા છે અને ફસાયેલા લોકોને બચાવવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ઘાયલોને રાજાવાડી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે અને તેમને શક્ય તમામ સહાય આપવામાં આવશે. આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

To Top