Top News

More Posts

   The Latest

Most Popular

વિશ્વના ઘણા દેશોમાં વર્ષમાં એક દિવસ પરિવાર ભેગો થાય છે તે દિવસ એટલે ‘વિશ્વ પરિવાર દિવસ’ ૧૫મી મે ના રોજ ઉજવવામાં આવે છે. ભારતમાં વર્ષો સુધી સંયુક્ત પરિવારો હતાં. સુરતની શેરી મહોલ્લાનાં ઘરોમાં સંયુક્ત પરિવારમાં બે ચાર ભાઈનો પરિવાર વસવાટ કરતો હતો. સરેરાશ આઠથી દશ સંતાનો એક છત નીચે રહેતાં હતાં. દાદા દાદી  ઘરનું સંચાલન કરતાં હતાં. ઘરમાં રસોઈમાં શુ બનાવવું તે દાદી નક્કી કરતાં. લગ્નમાં વહેવાર કઈ રીતે કરવો તે બધું દાદા નક્કી કરતા.ઘરમાં નાના જમણવારમાં ઘરની મહિલાઓ જાતે રસોઈ બનાવતી.દિવાળીમાં સંતાન દીઠ એક જોડી કપડાં અને થોડા ફટાકડા આવી જાય એટલે ભયો ભયો.

એક સંતાનથી બીજા સંતાન દીઠ એક જ પાઠ્યપુસ્તક ચાલે. એક જ માબાપનાં ત્રણ સંતાનો એક જ પાઠ્યપુસ્તકમાં ભણી લેતાં. કંપાસ અને દફતર પણ ભણે ત્યાં સુધી ચાલતાં. આખા પરિવારમાં એકાદ સાયકલ હોય. બધાની સંમતિ હોય તો મહિનામાં એકાદ વાર બધા સાથે ફિલ્મ જોવા જતા. વેકેશનમાં હિલ સ્ટેશન કે બીચ પર ફરવા જવાનું ન હતું. મામા માસીના ઘરે રહેવા જવામાં ફરવા જવા જેવો આનંદ આવતો. દર વર્ષે અનાજ ઘરમાં વીણીને દિવેલ દઈ ઘરની મહિલાઓ જાતે ભરતી.

ઉનાળામાં ગુંદા કેરીનું ખાટું મીઠું અથાણું,કેરીનો મુરબ્બો,છુંદો ઘરમાં જ બનતો. ઘરમાં બે કમાવવાવાળા હોય અને બાર ખાવાવાળા હોય તો પણ આર્થિક સંકડામણનો અનુભવ થતો નહિ. સંયુક્ત પરિવારની સમૃદ્ધિ  સામે આજની સમૃદ્ધિ વામણી લાગે! આજે ભૌતિકવાદમાં વધારો થયો છે અને સંયુક્ત પરિવારવાદમાં ઘટાડો થવા છતાં ભારતીય પરિવારના સભ્યોમાં ‘વસુધૈવ કુટુંબકમ્’ ની ભાવના અકબંધ રહે એવી શુભકામના.
સુરત     – કિરીટ મેઘાવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

વૃક્ષારોપણ માટેનો સામાન્ય પ્રજાનો નિરુત્સાહ
લગભગ દરેક સોસાયટી નવી હોય કે જુની ફરજીયાત રીઝર્વ પ્લોટ હોય છે. પણ આપણી  કુટેવના કારણે ઘરનો નકામો ભંગાર એંઠવાડનો ઢગલો ભાંગેલાં તૂટેલાં ફર્નિચર વિગેરેથી ઉભરાતાં છેવટે તે રિઝર્વ પ્લોટ ત્યાંનાં રહીશોનું સ્વાસ્થ્ય જ જોખમાવે છે. જો ત્યાંનાં રહીશો માનસિક જાગૃતિ કેળવે અને નાના ફૂલછોડના રોપા તેમજ છાયા વૃક્ષનું રોપણ કરે તો સવાર સાંજ  ઠંડક અનુભવે, કુદરતી ઓકિસજનયુક્ત  સ્વાસ્થ્ય સુધરે, નાનાં સંતાનો માત્ર નાનાં રમતગમતનાં અનબ્રેકેબલ સાધનો આબાલવૃદ્ધ અહીંનાં સ્થાનિકોને બહાર જવું ન પડે અને અકસ્માતો ઘટે. કોર્પોરેટરો વૃદ્ધો માટે બાંકડા મૂકે જ તેનો લાભ પણ લઇ શકે.
અડાજણ          – અનિલ શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top