Top News

More Posts

   The Latest

Most Popular

ભરૂચ: (Bharuch) પોઇચા નજીક નર્મદા નદીના (Narmada River) ત્રિવેણી સંગમ ખાતેથી પાણીમાં ગરકાવ થઇ ગયેલા પરિવારમાંથી બુધવાર સુધીમાં 3 વ્યક્તિના મૃતદેહ મળી આવ્યા બાદ બાકીના 3 હતભાગીના મૃતદેહ ગુરુવારે મળી આવ્યા છે. હજુ એક બાળકની શોધખોળ છેલ્લા ૫૦ કલાકથી પણ વધુ સમયથી ચાલી રહી છે. આ કરુણાંતિકાની સ્થિતિને ધ્યાને રાખીને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નેશનલ ડિઝાસ્ટર રિસપોન્સ ફોર્સની વધુ એક ટુકડીને મદદ માટે બોલાવવામાં આવી છે.

  • સુરતના કમભાગીની શોધખોળ માટે એનડીઆરએફની વધુ એક ટુકડીની મદદ લેવાઈ
  • ખોજનો વ્યાપ વધારી વ્યાસ બેટ નીચે ભરૂચ તરફના ઓવારા સુધી કરાયો

આ ઉપરાંત નર્મદા નદીમાં ભરૂચ તરફના ઓવારા સુધી તપાસ વિસ્તારવામાં આવી હતી. બચાવ કામગીરીનું સંકલન કરી રહેલા નાંદોદ પ્રાંત અધિકારી ડો.કિશનદાન ગઢવીએ જણાવ્યું કે, તા.૧૬મીએ બપોરે ૨ વાગ્યે આ કામગીરીને ૫૦ કલાક જેટલો સમય થયો છે. NDRF, રાજપીપળા, વડોદરા, ભરૂચ અને કરજણ પાલિકાની ટીમો દ્વારા શોધખોળનો વ્યાપ વધારવામાં આવ્યો છે. ઘટના સ્થળથી હેઠવાસમાં ભરૂચ તરફ વ્યાસ બેટથી નીચે ઓવારા સુધી ટીમો દ્વારા બોટ મારફત તપાસ કરવામાં આવી રહી છે.

કલેક્ટર શ્વેતા તેવતિયા, SP પ્રશાંત સુંબેએ બચાવ કામગીરીનું નિરીક્ષણ કરી સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને એનડીઆરએફની વધુ એક ટુકડીને બોલાવવાનો નિર્ણય કર્યો હતો. એના પગલે એનડીઆરએફની વધુ એક ટૂકડી બચાવ કામગીરી માટે આવી પહોંચી હતી. હાલમાં એનડીઆરએફની બે ટુકડીઓ પાંચ બોટ સાથે શોધખોળ કરી રહી છે. એક ટુકડીમાં ૨૨ જેટલા જવાનો સામેલ છે. વડોદરાની બે બોટ, ભરૂચ અને કરજણની એક એક તથા ચાર સ્થાનિક નાવડી મળી કુલ ૧૩ બોટ આ કામગીરી કરી રહી છે. ટેક્નોલોજીનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો. ઘટના સ્થળ એવા ત્રિવેણી સંગમથી ઉપરવાસમાં ઓરસંગ નદીના સંગમ સુધી અન્ડર વોટર કેમેરાથી સ્કેનિંગ કરવામાં આવ્યું હતું.

એનડીઆરએફના જવાનો દ્વારા શેલો વોટરમાં ફૂટ સર્ચ કરી ડૂબેલા વ્યક્તિને શોધવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. બનાવની ગંભીરતા પારખીને કરજણ ડેમ ખાતેથી એક મોટી ફિશિંગ નેટ મંગાવીને તેને પાણીમાં નાંખવામાં આવી હતી. મિંદડી તરીકે ઓળખાતા હૂકવાળું સાધન નદીમાં નાંખી પાણી ખંખોળવામાં આવ્યું હતું. તેમાં નદીમાં પધરાવવામાં આવેલાં વસ્ત્રો જ નીકળ્યાં હતાં.

આર્યન ઝીંઝાળાની હજુ ભાળ મેળવવાની બાકી છે: નર્મદા કલેક્ટર
નર્મદા કલેક્ટર શ્વેતા તિવેટિયાએ જણાવ્યું હતું કે, ગુરુવારે ૧૫ વર્ષીય મૈત્રવ ભરતભાઇ બલદાણિયા, ૧૨ વર્ષીય આરનવ બલદણીયા અને ૪૪ વર્ષીય ભરતભાઇના મૃતદેહ મળી આવ્યા છે, જેમાં સાત વર્ષના આર્યન ઝીંઝાળાની હજુ ભાળ મેળવવાની બાકી છે. આ પૂર્વે ૧૧ વર્ષીય વ્રજભાઇ હિંમતભાઇ બલદાણિયા, ભાર્ગવ અશોકભાઇ હડિયા અને ભાવેશ વલ્લભભાઇ હડિયાના મૃતદેહ મળી આવ્યા હતા. એક મૃતદેહ કોતરમાંથી અને બાકીના મૃતદેહ નદીના તટ પાસેથી પાણીમાં તરતા મળી આવ્યા હતા.

કોતરોને પણ ખંખોળવામાં આવ્યા
મહેસૂલી કર્મીઓ અને પોલીસકર્મીઓ દ્વારા નદીના કિનારા ઉપર પગપાળા ચાલીને શોધખોળ કરવામાં આવી હતી. વ્યાસ બેટ તરફ લગભગ છએક કિલોમીટરના પટમાં આ ટુકડીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આમ છતાં હજી સુધી આર્યનની કોઇની ભાળ મળી નહોતી. એનડીઆરએફની એક ટુકડી દ્વારા વ્યાસ બેટ તરફ મોલેથા ગામની નર્મદા નદીના પટમાં કેમ્પ નાંખવામાં આવ્યો છે અને ત્યાંથી હેઠવાસમાં વહેતા વહેણમાં શોધખોળ આદરવામાં આવી છે. ભરૂચ તરફ નર્મદા નદીમાં ઘાસના ઓવારા સુધી બોટ ચલાવી ખોજ કરવામાં આવી રહી છે. કોતરોને પણ ખંખોળવામાં આવી રહ્યા છે.

To Top