Top News

More Posts

   The Latest

Most Popular

(પ્રતિનિધિ )  વડોદરા તા.20

માંજલપુર વિસ્તારમાં આવેલા કેનેરા બેન્કના બ્રાન્ચ મેનેજર હોવાની ઓળખ આપનાર ઠગ સહિત બે જણાએ 23 તોલા સોનાના  દાગીના રૂ.10.35 લાખ તથા મકાન પર લોન લઈને રૂ. 40 લાખ મળી રુ. 50.35 લાખની ગોરવાના કોન્ટ્રાક્ટર પાસેથી પડાવી ચાઉ કરી નાખ્યા હતા. પોલીસે ગુનો નોંધી બંને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

 શહેરના ગોરવા રોડ વિસ્તારમાં આવેલી પંચવટી સોસાયટીમાં રહેતા અનોપસિંહ મહાવીરસિંહ જાડેજા કોટ્રાકટર છે. તેઓએ ફરિયાદ મુજબ તેમની ગોલ્ડ લોન બજાજ ફાયનાન્સમાં ચાલતી હતી ત્યારે વર્ષ પહેલા મિત્ર હિમાંશુએ અન્ય બેંકમાં લોન ટ્રાન્સફર કરાવવી હોય તો વિશાલ મળી લેજો. જેથી તેઓ તેને મળતા વિશાલ જયંતિ ગજ્જરે પોતે કેનેરા બેંક માંજલપુર બ્રાન્ચમાં ગોલ્ડ મેનેજર હોવાની જણાવ્યું હતુ. જેથી તેઓએ ગોલ્ડ લોન ચાલે છે તેને બંધ કરીને કેનેરા બેન્કમાં ગોલ્ડ લોન કરાવી આપી હતી. બંને વચ્ચે ઓળખ થઇ જતા ગત ઓક્ટોબરમાં  વિશાલે તેમને મારે ગોલ્ડ લોનનો ટાર્ગેટ પુરો કરવાનો છે. તમારી પાસે સોનુ હોય તો ગોલ્ડ લોન કરવા માટે આપો તમને થોડા દિવસમાં પરત આપી દઇશ  તેવું જણાવ્યું હતું. જેથી તેમને વિશ્વાસ આવી જતાં 23  તોલા વજનના સોનાના દાગીના જેની કિંમત રૂ.10.35 લાખ વિશાલ ગજ્જરને લોન માટે બેંકમાં જઈને આપ્યા હતા. નવેમ્બર મહિનામાં વિશાલ ગજ્જર ફરાર થઇ ગયો હતો. જેથી તેઓએ માંજલપુર ખાતેની કેનેરા બેન્કમાં તપાસ કરતા બેન્કમાંથી તેમના નામ પર સોનાના દાગીનાની કોઇ લોન થઈ નથી અને તેમના બેન્ક ખાતામાં લોનના રૂપિયા પણ આવ્યા ન હતા. તેમના નામ ઉપર માત્ર બે સોનાની ચેઇન મુકી કેનેરા બેંકમાં ગોલ્ડ લોન લીધી છે. જેથી તેઓએ કહ્યું હતું કે આ સોનાની ચેઇન મારી નથી કે મે લોન લીધી નથી. જેથી વિશાલ ગજ્જર તેમની  સાથે ઠગાઇ આચરી હોવાનું માલૂમ પડ્યું હતું. તેવી જ રીતે ગોરવા વિસ્તારમાં આવેલા તેમના મકાન પર લોન લેવાના ફોર્મમાં, કોરા વાઉચર તથા કોરા કાગળમાં વિશાલ ગજ્જર અને અજય પઢીયારે મારી પાસે પીએનબી બેન્કમાં સહીઓ કરાવી  હતી. જેમાંથી  લોન પાસ થતા લોનના રૂ. 40 લાખ લક્ષિત ટ્રેડર્સમાં ટ્રાન્સફર કરાવી તેને સગેવગે કરી વાપરી નાખ્યા હતા. ઉલ્લેખનીય છે કે છેતરપિંડીના ગુનામાં બેન્કના કર્મચારીઓની સંડોવણી હોવાની પણ તેઓ શંકા સેવી રહ્યા છે. પોલીસે વિશાલ ગજ્જર અને અજય પઢિયાર સામે ઠગાઇનો ગુનો  નોધી બંનેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

To Top