Top News

More Posts

   The Latest

Most Popular

નવી દિલ્હી: ઑનલાઇન નાણાંકીય સેવાઓ પૂરી પાડતી કંપની Paytmએ કંપનીના ચોથા ત્રિમાસિક પરિણામો (Paytm Quarterly results) જાહેર કર્યા હતા. જેમાં કંપનીને છેલ્લા ત્રણ મહિનાના ગાળામાં ભારે નુકસાન (Loss) થયું હોવાનું સામે આવ્યું હતું. તેમજ આ પરિણામોની અસર કંપનીના શેરો (Paytm Shares) ઉપર પણ જોવા મળી હતી.

Paytm કંપનીના ત્રણ મહિનાના અહેવાલમાં સામે આવ્યું હતું કે RBIની કાર્યવાહી બાદ કંપનીની આવકમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. પરિણામોની જાહેરાત કરતી વખતે, કંપનીએ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2023-24ના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં Paytm કંપનીને રૂ. 550 કરોડનું નુકસાન થયું હતું, જે એક વર્ષ અગાઉના ક્વાર્ટરમાં રૂ. 160 કરોડની આસપાસ હતું. તેમજ આવા ખરાબ પરિણામોની અસર Paytmના શેર્સ પર પણ જોવા મળી હતી. જેથી કહી શકાય કે આરબીઆઈના પ્રતિબંધની અસર કંપનીના પરિણામો પર સ્પષ્ટ દેખાઈ રહી હતી.

Paytmના ત્રિમાસિક પરિણામો
જાન્યુઆરીથી માર્ચ સુધીના ત્રણ મહિનાના ક્વાર્ટરના પરિણામો વિશે માહિતી આપતા, Paytm ની પેરેન્ટ કંપની One97 Communication એ જણાવ્યું કે Q4 માં કંપનીની ખોટ ગયા વર્ષના ક્વાર્ટરની ખોટ એટલે કે 168.4 કરોડ રૂપિયાથી વધીને 550 કરોડ રૂપિયા થઈ ગઈ હતી.

આ સાથે જ Paytm ની આવકમાં પણ ઘટાડો થયો હોવાનો ખુલાસો થયો હતો. વાર્ષિક ધોરણે, નાણાકીય વર્ષ 2022-23 ના જાન્યુઆરી માર્ચ ક્વાર્ટરની તુલનામાં FY2023-24 ના સમાન ક્વાર્ટરમાં કંપનીનો નફો 3 ટકા ઘટ્યો હતો. આંકડા જાહેર કરતાં કંપનીએ જણાવ્યું કે તેમની આવક રૂ. 2,334.5 કરોડથી ઘટીને રૂ. 2,267.1 કરોડ થઈ હતી.

પરિણામ આવતાની સાથે જ Paytmનો શેર ગગડ્યો
Paytm દ્વારા જાહેર કરવામાં આવેલા ખોટના પરિણામોની તાત્કાલિક અસર Paytm શેર પર જોવા મળી હતી. શેરબજારની ધીમી શરૂઆત વચ્ચે, Paytmની પેરેન્ટ કંપની One97 Communication (One97 Communication Stock)ના શેરમાં લગભગ 2 ટકાનો ઘટાડો થયો હતો.

બુધવારે સવારે 9.15 વાગ્યે બજાર ખૂલતાની સાથે જ Paytmનો સ્ટોક 355.60 રૂપિયાના સ્તરે ઘટાડા સાથે ખુલ્યો અને થોડીવારમાં જ તે 344.50 રૂપિયા સુધી ગગડી ગયો હતો. શેરમાં ઘટાડાને કારણે કંપનીનું માર્કેટ કેપ (Paytm MCap) પણ ઘટીને 22040 કરોડ રૂપિયા થઈ ગયું હતું.

RBIના પ્રતિબંધની અસર
કંપનીએ ત્રિમાસિક એટલે કે ત્રણ મહિનાના પરિણામો જાહેર કરવાની સાથે સ્વીકાર્યું હતું કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા કંપનીના બેંકિંગ એકમ પેટીએમ પેમેન્ટ્સ બેંક (પીપીબીએલ) પર પ્રતિબંધની કાર્યવાહીની અસર બિઝનેસ પર પડી હતી. નોંધનીય છે કે લાંબા ગાળાના બિન-પાલન મુદ્દાઓને કારણે કેન્દ્રીય બેંકે 31 જાન્યુઆરીએ Paytm પેમેન્ટ્સ બેંક (PPBL) પર પ્રતિબંધ મૂક્યો હતો. આરબીઆઈએ PPBL ને વધારાની થાપણો અને ટોપ-અપ્સ સ્વીકારવા તેમજ અન્ય નિયંત્રણો સાથે ગ્રાહક ખાતામાં ક્રેડિટ વ્યવહારો કરવા પર પણ પ્રતિબંધ મૂક્યો હતો.

To Top