Top News

More Posts

   The Latest

Most Popular

મધ્ય પૂર્વમાં જ્યારે ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધની સંભાવના વ્યક્ત થઈ રહી છે ત્યારે ઈરાનના બીજા નંબરના સૌથી વરિષ્ઠ નેતા ઈબ્રાહિમ રાયસીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત જાતજાતની શંકાઓ જન્માવે છે. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા ખોમૈની દ્વારા જૂન ૨૦૨૧ માં રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરવામાં આવેલા ઈબ્રાહિમ રાયસી ઉત્તરપૂર્વ ઈરાનમાં તેમના જન્મનાં બરાબર ૬૩ વર્ષ અને પાંચ મહિના પછી ૧૯ મેના રોજ હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા. રાયસીના મૃત્યુની પુષ્ટિ થતાં જ ઈરાનના સરકારી ટી.વી. પર શોકની તસવીરો બતાવવામાં આવી હતી, પરંતુ તે જ સમયે દેશના કેટલાક ભાગોમાં રાયસીના મૃત્યુની ઉજવણી પણ થઈ રહી હતી.

સોશ્યલ મિડિયા પર ઘણા વિડિયો સામે આવ્યા છે, જેમાં લોકોને ફટાકડા ફોડતા દેખાડવામાં આવ્યા છે. સૌથી મોટી ઉજવણી ઈરાનના કુર્દીસ્તાન વિસ્તારમાં જોવા મળી હતી. અહીં સાકેજ શહેરમાં લોકોએ ફટાકડા ફોડીને રાયસીના મૃત્યુની ઉજવણી કરી હતી. મૂળ સાકેજની મહસા અમીનીએ ઈરાનમાં હિજાબના વિરોધમાં ભાગ લીધો હતો, જેના કારણે તે ઈરાનની મોરલ પોલીસના નિશાન પર આવી હતી. હિજાબ વિના બહાર નીકળવા બદલ મોરલ પોલીસ દ્વારા તેની ધરપકડ કરીને માર મારવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન અમીનીનું મોત થયું હતું.

ઈઝરાયેલના ધાર્મિક નેતાઓએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે થયેલા અકસ્માત પર ખુશી વ્યક્ત કરી હતી અને તેને ભગવાનનો ન્યાય ગણાવ્યો હતો. ઘણા ઇઝરાયેલી રબ્બીઓએ ઇરાની રાષ્ટ્રપતિના હેલિકોપ્ટર દુર્ઘટનાને ભગવાનનો હસ્તક્ષેપ ગણાવ્યો છે. ઈરાનની સરકાર ઈઝરાયેલને પોતાનો કટ્ટર દુશ્મન ગણાવી રહી છે અને દુનિયામાંથી યહૂદી રાજ્યને ખતમ કરવાનો ઈરાદો ખુલ્લેઆમ વ્યક્ત કરી રહી છે. ઇઝરાયેલી મિડિયા પોર્ટલ ધ જેરુસલેમ પોસ્ટ અનુસાર ઇઝરાયેલના રબ્બી મીર અબુતબુલે રાયસીને તેહરાનનો જલ્લાદ ગણાવ્યો હતો અને ઇઝરાયેલ અને યહૂદી લોકોના વિરોધ માટે તેની નિંદા કરી હતી. અબુતબુલે રાયસી માટે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરીને લખ્યું હતું કે આ અકસ્માત ભગવાનની સજાનું એક સ્વરૂપ છે.

ઇબ્રાહિમ રાયસીનો જન્મ ડિસેમ્બર  ૧૯૫૯માં મશહાદમાં થયો હતો અને તેમણે  પ્રાથમિક શિક્ષણ આ શહેરની જાવદીયેહ પ્રાથમિક શાળામાં પૂર્ણ કર્યું હતું. ત્યાર બાદ તેમણે એક મદ્રેસામાં પ્રવેશ મેળવ્યો હતો અને ક્યારેય પ્રમાણભૂત શિક્ષણ મેળવ્યું ન હતું. હકીકતમાં જ્યારે ઈરાનમાં ઇસ્લામિક રિપબ્લિકની ૧૯૭૯માં કરવામાં આવી હતી ત્યારે રાયસી ૧૯ વર્ષનો હતો અને તે મૌલવી બનવાનો ચોથા વર્ષનો અભ્યાસ કરતો હતો. ૨૦ વર્ષની ઉંમરે માત્ર પાંચ વર્ષના મૌલવીના અભ્યાસ સાથે તેઓ કારજમાં નાયબ ધારાશાસ્ત્રી તરીકે નિયુક્ત થયા હતા.

ઇસ્લામિક કોર્ટને ધારાશાસ્ત્રી અને ન્યાયાધીશોની જરૂર હતી, જેમનું મુખ્ય શિક્ષણ શરિયા હતું. ૧૯૮૨ માં ૨૨ વર્ષની ઉંમરે તેઓ હમેદાનના ધારાશાસ્ત્રી બન્યા હતા. ૧૯૮૪માં રાયસીને ૨૫ વર્ષની ઉંમરે  રિવોલ્યુશનરી કોર્ટના નાયબ વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને ૧૯૮૮માં તેહરાનના નાયબ ધારાશાસ્ત્રી તરીકે તેઓ મૃત્યુ સમિતિમાં જોડાયા હતા, જેણે ઓગસ્ટ અને સપ્ટેમ્બર ૧૯૮૮ વચ્ચે સરકારવિરોધી હજારો લોકોને ફાંસીની સજા આપવાનું કાર્ય કર્યું હતું.

ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખોમેનીના મૃત્યુ પછી ઇબ્રાહિમ રાયસીને  ૧૯૮૯થી ૧૯૯૩ સુધી અલી ખોમેનીના નેતૃત્વ હેઠળ તેહરાનના પ્રથમ ધારાશાસ્ત્રી તરીકે સેવા આપી હતી. ૧૯૯૩ થી ૨૦૦૩ સુધી તેઓ સામાન્ય નિરીક્ષણ સંસ્થાના વડા હતા. ૨૦૦૩ થી ૨૦૧૩ સુધી ન્યાયતંત્રના વડાઓ મહમૂદ હાશેમી શાહરૌદી અને સાદેક લારિજાની હેઠળ તેમણે ન્યાયતંત્રના પ્રથમ નાયબ વડા તરીકે સેવા આપી હતી. 

૨૦૧૪થી ૨૦૧૫ ના ટૂંકા ગાળા માટે તેઓ ઈરાનના એટર્ની જનરલ હતા. ૨૦૧૫ થી ૨૦૧૯ સુધી અલી ખોમેનીએ તેમને એક મહત્ત્વપૂર્ણ અને શ્રીમંત શિયા ધર્મસ્થાન અસ્તાન કુદ્સ રઝાવીના કસ્ટોડિયન તરીકે નિયુક્ત કર્યા હતા. આ સમયગાળા દરમિયાન IRGC કમાન્ડરો અને પુતિનના ખાસ દૂત સાથેની તેમની બેઠકોની તસવીરો દ્વારા ખોમેનીના સંભવિત ઉત્તરાધિકાર વિશેની અફવાઓ વધુ તીવ્ર બની હતી.

ઈરાનના ટોચના નેતા બનવા માટે ઇબ્રાહિમ રાયસીએ તેમનો દેખાવ બદલવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે પરંપરાગત ઝભ્ભાને બદલે ડગલો પહેર્યો હતો અને ૨૦૧૭ની રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવાની આશા સાથે જોડાયા હતા. જો કે, તેઓ હસન રુહાની સામે હારી ગયા હતા. હસન રુહાનીના ૨.૪ કરોડ મતની સરખામણીમાં રાયસીને લગભગ ૧.૬ કરોડ મત મળ્યા હતા. અલી ખોમેની દ્વારા ઇબ્રાહિમ રાયસીની ન્યાયતંત્રના વડા તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે ન્યાયતંત્રના ભૂતપૂર્વ ડેપ્યુટી અકબર તાબારી જેવા હાઈ પ્રોફાઇલ કેસો હાથ ધર્યા હતા.  ઇબ્રાહિમ રાયસીને ખોમેનીના અનુગામી માનવામાં આવતા હતા.

૨૦૨૧માં ઈસ્લામિક રિપબ્લિકના ઈતિહાસમાં સૌથી ઓછા મતદાનવાળી ચૂંટણીઓમાંથી એક જીતીને ઇબ્રાહિમ રાઈસીએ ફરીથી રાષ્ટ્રપતિની રેસમાં પ્રવેશ કર્યો હતો. ભૂતપૂર્વ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધો અને બગડતા ગેરવહીવટ અને ભ્રષ્ટાચારે ઈરાનની અર્થવ્યવસ્થાને બરબાદ કરી હોવાથી તેમનું પ્રમુખપદ ગંભીર આર્થિક મંદી અને ફુગાવા દ્વારા વગોવાઈ ગયું હતું. તેમના નબળા અને ઘણી વાર ભૂલભરેલાં ભાષણોએ ઉત્તરાધિકાર માટેની તેમની આકાંક્ષાઓ સામે સવાલો ખડા કર્યા હતા.

તેમના પ્રમુખપદનાં ત્રણ વર્ષ પછી આર્થિક સૂચકાંકો અભૂતપૂર્વ તળિયે પહોંચી ગયા હતા. વિરોધ, હડતાળ અને ૨૦૨૨ ના ક્રાંતિકારી બળવાની સૌથી તીવ્ર લહેર તેમના કાર્યકાળ દરમિયાન આવી હતી. ૧૯ મે, ૨૦૨૪ ના રોજ, ૬૩ વર્ષની ઉંમરે ઇબ્રાહિમ રાયસી સર્વોચ્ચ નેતા બનવાના તેમના અંતિમ સ્વપ્નને સાકાર કર્યા વિના મૃત્યુ પામ્યા હતા. ઇરાનીઓ દ્વારા તેમને શિક્ષણના અભાવ અને મૃત્યુ સમિતિમાં તેમની ભૂમિકાને છતી કરતી ઘણી ભૂલો માટે યાદ કરવામાં આવશે.

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી અને વિદેશ મંત્રી અમેરિકામાં નિર્મિત ૨૧૨ બેલ  હેલિકોપ્ટરમાં સવાર હતા. બેલ ટેક્સ્ટ્રોન દ્વારા ઉત્પાદિત, બેલ ૨૧૨ હેલિકોપ્ટર તેના વિખ્યાત મોડલોમાંનું એક છે, જે તેને બેલ ટેક્સ્ટ્રોનની હેલિકોપ્ટર લાઇનનો એક મહત્ત્વપૂર્ણ ભાગ બનાવે છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બેલ ટેક્સ્ટ્રોન કંપની એ અમેરિકન એરોસ્પેસ ઉત્પાદક છે, જેનું મુખ્ય મથક ફોર્ટ વર્થ, ટેક્સાસમાં છે. લશ્કરી દસ્તાવેજો અનુસાર આ હેલિકોપ્ટર ૧૯૭૧માં રજૂ કરવામાં આવ્યું હતું અને અમેરિકા તેમ જ કેનેડા દ્વારા ઝડપથી અપનાવવામાં આવ્યું હતું.

ઈરાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન મોહમ્મદ જાવદ ઝરીફે રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીને લઈને જઈ રહેલા હેલિકોપ્ટરની દુર્ઘટના માટે  વિમાનના સ્પેર પાર્ટ પર અમેરિકન પ્રતિબંધોને જવાબદાર ઠેરવ્યા હતા. ઝરીફે ઈન્ટરવ્યુ દરમિયાન ભારપૂર્વક જણાવ્યું હતું કે ગઈ કાલની દુર્ઘટના પાછળના ગુનેગારોમાંનું એક અમેરિકા છે, કારણ કે તેના પ્રતિબંધોને કારણે ઈરાન વિમાનના આવશ્યક છૂટા ભાગો ખરીદી શકતું નથી.

જો કે, પ્રતિબંધો હોવા છતાં ઈરાન અત્યાધુનિક મિસાઈલો અને ડ્રોન સાથે રશિયા ઉપરાંત તેના પોતાનાં સશસ્ત્ર દળો અને પ્રોક્સીઓ માટે શસ્ત્રોનું ઉત્પાદન અને સપ્લાય કરવાનું ચાલુ રાખે છે. લેબનોનમાં હિઝબુલ્લાહ જેવાં સશસ્ત્ર જૂથો, યમનમાં હુથીઓ અને ઈરાનનું પોતાનું કુડ્સ ફોર્સ ઉચ્ચ તકનીકી શસ્ત્રો ધરાવે છે. જે ઈરાન અમેરિકાનું કટ્ટર દુશ્મન ગણાતું હોય તેના રાષ્ટ્રપતિ અમેરિકન બનાવટના હેલિકોપ્ટરનો ઉપયોગ કરતા હોય અને તેના અકસ્માતમાં માર્યા જાય તે પણ વિધિની વિચિત્રતા જ છે.

To Top