Top News

More Posts

   The Latest

Most Popular

વાપી: (Vapi) વાપી તાલુકા પંચાયતની પાંચ બેઠક પરના કોંગ્રેસના ઉમેદવારોએ મંગળવારે ફોર્મ પરત ખેંચી લેતા ભાજપના (BJP) પાંચ ઉમેદવારો બિનહરીફ (Unopposed) વિજેતા જાહેર થયા હતા. વાપી તાલુકા પંચાયતની ૨૦ બેઠક માટે ૪૩ ઉમેદવાર મેદાનમાં હતા. મંગળવારે ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે કોંગ્રેસના (Congress) પાંચ ઉમેદવારોએ ફોર્મ (Form) પર ખેંચી લેતાં પાંચ બેઠકો પરના ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા હતા. હવે ૧૫ બેઠક માટે ૩૩ ઉમેદવાર મેદાનમાં છે. જેમાં ત્રણ અપક્ષ ઉમેદવારનો સમાવેશ થાય છે.

વાપી તાલુકા પંચાયતની બલીઠા-૧ના કોંગ્રેસના ઉમેદવાર આશિષ હીરૂભાઇ પટેલે ફોર્મ પાછું ખેંચી લેતાં બલીઠા-૧ના ભાજપના ઉમેદવાર રજનીકાંત નારણભાઇ પટેલ બિનહરીફ વિજેતા થયા છે. જ્યારે બલીઠા-૨ની બેઠક પર કોંગ્રેસનાં ઉમેદવાર કલ્પનાબેન અર્જુનભાઇ પટેલે ફોર્મ પરત ખેંચી લેતાં ભાજપનાં ઉમેદવાર સરસ્વતીબેન બીમલભાઇ પટેલ બિનહરીફ વિજેતા જાહેર થયાં હતાં.

વાપી તાલુકા પંચાયતની રાતા બેઠકનાં કોંગ્રેસના ઉમેદવાર હેમા જયેન્દ્રભાઇ પટેલે પોતાનું ફોર્મ પરત ખેંચી લેતાં ભાજપના ગીતાબેન વિજયભાઇ પટેલ બિનહરીફ વિજેતા જાહેર થયાં હતાં. આ ઉપરાંત છીરી-૧ બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર નીલેશભાઇએ ફોર્મ પર ખેંચી લેતાં ભાજપના ઉમેદવાર જગદીશભાઇ મોહનભાઇ હળપતિ બિનહરીફ વિજેતા જાહેર થયાં હતાં. વાપી તાલુકા પંચાયતની લવાછા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જયાબેને ફોર્મ પર ખેંચી લેતાં લવાછા બેઠક પર ભાજપના ઉમેદવાર વાસંતીબેન રાજેશભાઇ પટેલ બિનહરીફ વિજેતા જાહેર થયા છે.

જિલ્લા પંચાયતની છરવાડા બેઠક ભાજપને ફાળે
વલસાડ જિલ્લા પંચાયતની ૩૮ બેઠક પૈકી વાપી તાલુકાની છરવાડા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જયેન્દ્રભાઇ ભગુભાઇ પટેલે મંગળવારે પોતાનું ફોર્મ પરત ખેંચી લેતાં ભાજપના ઉમેદવાર મિતેશકુમાર અમ્રતભાઇ પટેલ બિનહરીફ વિજેતા થયા હતા. ભાજપે છરવાડા બેઠકને કબજે કરીને જિલ્લા પંચાયતમાં પણ પોતાનું ખાતું ખોલાવી દીધું છે. હવે વાપી તાલુકાની જિલ્લા પંચાયતની ત્રણ બેઠકો બલીઠા, છીરી અને લવાછા પર કોંગ્રેસ-ભાજપ વચ્ચે સીધી ટક્કર થશે.

ઉમરગામ પાલિકાની ચૂંટણી: 4 જણાએ ફોર્મ પાછાં ખેંચતાં ભાજપ કોંગ્રેસ સહિત ૭૩ ઉમેદવાર મેદાને

ઉમરગામ: ઉમરગામ નગરપાલિકાની ચૂંટણીમાં ૨૮ બેઠકો માટે ૭૭ માન્ય ઉમેદવારોમાંથી ચાર ઉમેદવારોએ ઉમેદવારીપત્રક પાછા ખેંચી લેતાં હવે ભાજપ કોંગ્રેસ અપક્ષ સહિત ૭૩ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. વોર્ડ નં.૫માં અપક્ષ ઉમેદવારે ફોર્મ ખેંચી લેતાં ભાજપના ઉમેદવાર પાર્થિની ભંડારી બિનહરીફ ચુંટાતા ભાજપનું ખાતું ખૂલ્યું છે. ઉમરગામ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ૪ અપક્ષ ઉમેદવારે ઉમેદવારી પરત ખેંચી લેતાં હવે ૭૩ ઉમેદવારો ભાજપ કોંગ્રેસના મેદાનમાં રહ્યા છે.

To Top