Top News

More Posts

   The Latest

Most Popular

સુરત-ડુમસ રોડ પર વીઆર મોલ પાસે ફોટો શુટ કરી અડાજણ ઘરે પરત ફરતા યુવકોની સ્પોર્ટ્સ બાઈક પીપલોદના વિજય સેલ્સ પાસે કાર સાથે અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. યુવાનની બાઈક ભારે સ્પીડમાં હોવાને કારણે કાર સાથે અથડાતાં જ બેલેન્સ ખોરવાતાં હવામાં ચારથી પાંચ ફુટ ઉપર ફંગોળાયો હતો. જેને કારણે માથામાં ગંભીર ઈજા થતાં માંસના લોચા બહાર આવી જતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. જ્યારે બાઈકની પાછળ બેઠેલા બીજા બીજા યુવકને સારવાર માટે નજીકની પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ, ડુમસથી અઠવાગેટ તરફ આવતા રોડ ઉપર વિજય સેલ્સ નજીક સાંજના સમયે એક અકસ્માત થયો હતો. અડાજણ વિસ્તારમાં રહેતા હર્ષ પ્રજાપતિ તેમજ તેની સાથે પ્રવિણ શિમ્પી તેમજ તેઓના બીજા ત્રણ મિત્રો ફરવા માટે વીઆર મોલ ગયા હતા. પાંચેય મિત્રોએ વીઆર મોલ પાસે ફોટો સેશન કર્યું હતુ. ત્યારબાદ સાંજે ચારેક વાગ્યાના અરસામાં તમામ મિત્રો ઘરે પરત ફરી રહ્યાં હતા. પ્રણવ અને હર્ષ નંબર વગટની કેટીએમ સ્પોર્ટર્સ બાઇક ઉપર હતા જ્યારે બીજા ત્રણ મિત્રો પાસે એકટિવા મોપેડ હતી. હર્ષ અને પ્રણવ પીપલોદના વિજય સેલ્સ પાસે પહોંચ્યા ત્યારે એક ફોરવ્હીલરના ચાલકે અચાનક જ તેની ગાડી સર્વિસ રોડ ઉપર લઇ જવાનો પ્રયત્ન કર્યો હતો.

પાછળથી ફૂલ સ્પીડમાં આવતા હર્ષ અને પ્રવણ ફોરવ્હીલરની સાથે ભટકાયાં હતાં. પ્રવણ 100 થી વધુની સ્પીડમાં સ્પોર્ટર્સ બાઇક ચલાવી રહ્યો હતો અને સીધો જ ફોરવ્હીલર સાથે ભટકાયો હતો. પાછળ બેઠેલો હર્ષ હવામાં ચારથી પાંચ ફૂટ જેટલો ફંગોળાયો હતો અને તે નીચે પટકાતા ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે ઉમરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. હર્ષનું મોત થતા પોસ્ટમોર્ટમ માટે તેને નવી સિવિલમાં ખસેડાયો હતો, જ્યારે પ્રવણને પણ માથાના ભાગે ગંભીર ઇજા થતા નજીકની પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

મૃતક હર્ષ અડાજણના શક્તિ ફાયટર્સ ગ્રુપનો સભ્ય
મૃતક હર્ષ ભરતભાઇ પ્રજાપતિ અડાજણમાં ચાલતા સામાજીક ગ્રૂપ શક્તિ ફાઇટર ગ્રૂપનો સભ્ય હતો . ગ્રૂપના સંચાલક રવિ ખરાદીએ માહિતી આપતા કહ્યું કે, અકસ્માત અંગે અમને જાણ થતા અમે દોડી ગયા હતા. પાછળથી આવતા અમારા બીજા મિત્રોએ અમને જાણ કરી હતી. જેમાં હર્ષનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. જ્યારે બીજાની હાલત ગંભીર છે.

કાર સાથે સ્પોર્ટ્સ બાઈક અથડાતાં સાઉથની ફિલ્મો જેવા દૃશ્યો સર્જાયા
સ્થાનિકોના કહેવા પ્રમાણે જ્યારે સ્પોર્ટર્સ બાઇક અને ફોરવ્હીલર વચ્ચે અકસ્માત થયો ત્યારે જાણે કે સાઉથના કોઇ ફિલ્મના દૃશ્યો હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું. મૃતક ચારથી પાંચ ફૂટ જેટલો ઊંચો ઉડ્યો હતો અને જમીન ઉપર પટકાયા બાદ તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બીજા ઇજાગ્રસ્ત યુવકને 108 મારફતે તાત્કાલિક સારવાર માટે ખસેડાયો હતો. ઘટનાને જોવા માટે સ્થાનિકોનું ટોળું એકત્ર થઇ ગયું હતું અને અકસ્માતના વીડિયો તેમજ ફોટો શૂટ કરીને સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યા હતા.

પ્રણવના પિતા પોલીસ લાઇનમાં હોવાની ચર્ચા
ઇજાગ્રસ્ત પ્રણવના પિતા પોલીસ વિભાગમાં નોકરી કરી રહ્યાં છે અને હાલમાં તેઓ સલાબતપુરા પોલીસમાં હોવાની વિગતો મળી છે. જો કે, આ બાબતે જ્યારે ઉમરા પોલીસને પૂછવામાં આવતા તેમણે તપાસ ચાલુ હોવાનું કહ્યું હતું.

To Top