Top News

More Posts

   The Latest

Most Popular

રાજ્યની જેલોમાં રહેલા અને ગંભીર ગુના સિવાયના કેદીઓ પોતાના ઘર, પરિવાર સાથે દિપાવલીના તહેવારો ઉજવી શકે તેવી સંવેદનાથી એક સીએમ ભૂપેન્દ્ર પટેલે મહત્વનો નિર્ણય લીધો છે. સીએમ પટેલે રાજ્યમાં જેલ સુધારણા અને કેદીઓની કલ્યાણ પ્રવૃત્તિઓના ભાગરૂપે આ વર્ષે દિવાળીના તહેવારો નિમિત્તે કેદીઓ તેમના પરિવારજનો સાથે ખુશાલીથી તહેવારો ઉજવી શકે તે માટે રાજ્યની તમામ જેલોમાં સજા ભોગવી રહેલા પાત્રતા ધરાવતા તમામ મહિલા કેદીઓ તેમજ ૬૦ વર્ષ કે તેથી વધુ વયના પુરૂષ કેદીઓને ધનતેરસથી પંદર દિવસ માટે નિયમાનુસાર શરતો, જામીન લઇ પેરોલ મંજૂર કરવાનો નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીના આ ઉદાર અભિગમના પરિણામે રાજ્યની જુદી જુદી જેલોમાં રહેલા ૬૧ મહિલા કેદીઓ તેમજ ૬૦ વર્ષથી વધુની વયના અંદાજે ૧ર૦ પુરૂષો કેદીઓ સહિત કુલ ૧૮૧ને પરિવાર સાથે દિવાળી ઉજવવાનો લાભ મળશે.આ નિર્ણયનો લાભ કેટલાક ચોક્કસ પ્રકારના ગંભીર ગુના હેઠળના કેદીઓને મળવાપાત્ર થશે નહીં.

આવા ગુનાઓમાં એન.ડી.પી.એસ. એકટ હેઠળના ગુનાવાળા કેદીઓ, ટાડા તથા પોટા હેઠળના ગુનાવાળા કેદીઓ, હાઇકોર્ટમાં અપીલ કરી હોય તેવા કેદીઓ, એન.આર.આઇ. કેદીઓ, વિદેશી કેદીઓ, આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા કેદીઓ, સમાજ વિરોધી ગુનાના કેદીઓ સહિતના ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે.

To Top