Editorial

વિદેશી ભારતીયો ભારતને લાખો કરોડો પરત આપી રહ્યા છે પરંતુ સ્કિલ્ડ પ્રોફેશનલ્સ વિદેશ જઈ રહ્યા છે

અમેરિકા અને બ્રિટન સહિતના વિદેશોમાં જેટલી જરૂરીયાત કામ કરનારા માણસોની છે તેટલા પ્રમાણમાં વસતી વધતી નથી. પરિણામે આ દેશોમાં મોટા પ્રમાણમાં વર્કિંગ પર્સનની જરૂરીયાતો રહે છે. આ દેશોમાં સ્કિલ્ડ પ્રોફેશનલ પણ એટલા પ્રમાણમાં નથી અને તેને કારણે પણ આવા દેશોમાં પ્રોફેશનલ્સની માંગણી રહે છે. આ માંગણીનો સીધો લાભ ભારત સહિતના વધુ વસતી ધરાવતા દેશોને થાય છે. ભારત સહિતના દેશના લોકો વિદેશોમાં જઈને કમાય છે અને બાદમાં કમાયેલા નાણાં ભારતમાં મોકલે છે.

વિદેશોમાં પ્રોફેશનલ્સને મોકલવાથી ભારતે એટલો મોટો ફાયદો થાય છે કે તેનો આંકડો સાંભળીને પણ આશ્ચર્ય થઈ જાય. એકલા અમેરિકા અને બ્રિટનમાંથી જ ભારતીયોએ ભારતમાં 2.74 લાખ કરોડ રૂપિયા મોકલ્યા હતા તો કેનેડા જેવા દેશમાંથી પણ 18 લાખ ભારતીયોએ ભારતમાં એક જ વર્ષમાં 32 હજાર કરોડ રૂપિયા મોકલ્યા. આ તો આવા દેશોના આંકડા થયાં પરંતુ અન્ય વિદેશોમાંથી પણ ભારતીયો દ્વારા મોટા પ્રમાણમાં નાણાં ભારતમાં મોકલવામાં આવી રહ્યાં છે. વિદેશમાં રહેતા ભારતીયો દ્વારા ભારતમાં મોકલવામાં આવતાં આ નાણાંને રેમિટેન્સ તરીકે ઓળખવામાં આવે છે.

આંકડાઓ પ્રમાણે, હાલમાં વિદેશોમાં રહેતા ભારતીયોની સંખ્યા 2.90 કરોડ જેટલી છે. તેમાં દર વર્ષે નવા 25 લાખ ભારતીયોનો ઉમેરો થાય છે એટલે કે દર વર્ષે 25 લાખ ભારતીયો ભારત છોડીને વિદેશમાં વસે છે. અમેરિકામાં સૌથી વધુ 27 લાખ જેટલા ભારતીયો રહે છે. ત્યારબાદ બ્રિટનથી માંડીને અન્ય દેશમાં રહેતા ભારતીયોની સંખ્યાનો સમાવેશ થાય છે. અરબ દેશો સહિતના નાનું અર્થતંત્ર ધરાવતા દેશોમાં વસતા ભારતીયોના પ્રમાણમાં અમેરિકા, બ્રિટન તેમજ કેનેડામાં હાઈલી સ્કિલ્ડ ભારતીયોની સંખ્યા વધવા માંડી છે. અગાઉ અરબ દેશોમાંથી ભારતમાં દર વર્ષે ભારતીયો દ્વારા મોકલવામાં આવતાં નાણાંનો આંક 2.33 લાખ કરોડ હતો. જેની સામે અમેરિકા અને બ્રિટન એકલામાંથી જ ભારતમાં ભારતીયો દ્વારા 2.74 લાખ કરોડ રૂપિયા મોકલવામાં આવ્યા. તેમાં 1.91 લાખ કરોડ રૂપિયા અમેરિકાના ભારતીયો તેમજ 83 હજાર કરોડ રૂપિયા બ્રિટનના ભારતીયો દ્વારા ભારતમાં મોકલવામાં આવ્યા.

વર્લ્ડ બૅન્કના અહેવાલ પ્રમાણે અમેરિકા, બ્રિટનમાંથી ભારતમાં મોકલાનારી આ રકમ પાંચ વર્ષમાં બમણી થઈ જવાની સંભાવના છે. અમેરિકા અને બ્રિટનમાં રહેનારા ક્રમશ: 50 લાખ અને 20 લાખ ભારતીયોએ રેમિટેન્સ મોકલવામાં અરબ દેશોમાં વસતા ભારતીયો પાસેથી બાજી આંચકી લીધી હોવાનું સૌથી મોટું કારણ હાઈ સ્કિલ જોબ્સ થકી મળનારી જંગી રકમની સેલરી છે. એવું માનવામાં આવે છે કે અમેરિકામાં રહેતા 13 ટકા શ્વેત અમેરિકનો કરતાં અમેરિકામાં જ જન્મેલા 43 ટકા ભારતીયો પાસે ગ્રેજ્યુએશન- પોસ્ટ ગ્રેજ્યુએશન અને હાઈ સ્કિલ પ્રોફેશનલ ડિગ્રીઓ છે અને તેને કારણે ભારતમાં મોકલવામાં આવતી રકમમાં જંગી વધારો જોવા મળી રહ્યો છે.

અમેરિકામાં રહેતા ભારતીય પરિવારોની સરેરાશ આવક એક કરોડ રૂપિયા છે. જ્યારે સરેરાશ અમેરિકન પરિવારની આવક માત્ર 58 લાખ રૂપિયા જ છે. આવી જ રીતે બ્રિટનમાં રહેતા સરેરાશ ભારતીય પરિવારોની આવકનો આંક 50 લાખ અને તેની સામે બ્રિટનમાં રહેતા અંગ્રેજ પરિવારની સરેરાશ આવક 48 લાખ રૂપિયા જ છે. ભારતના હાઈસ્કિલ પ્રોફેશનલમાંથી 48 ટકા અમેરિકા અને બ્રિટનમાં છે. છેલ્લા 5 જ વર્ષમાં ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકા અને બ્રિટન જનારા ભારતીયોની સંખ્યામાં 12 ટકાનો મોટો ટવધારો થયો છે. જ્યારે અરબ દેશોમાં ભારતીયોની સંખ્યામાં જે વધારો થયો તેમાં મોટાભાગના લેબરવર્કર અને મિડસ્કિલ વર્કરો જ છે.

આંકડાઓ જોતાં જ એ સમજી શકાય છે કે ભારતમાંથી સ્કિલ્ડ પ્રોફેશનલ્સ વિદેશોમાં જવા માંડ્યા છે. વિદેશમાં વસતા ભારતીયો પાસેથી ભારતમાં આવતા નાણાંની સંખ્યા ખૂબ મોટી છે. તેનો ફાયદો ભારતના અર્થતંત્રને થશે પરંતુ તેની સામે એ પણ હકીકત છે કે જે રીતે સ્કિલ્ડ પ્રોફેશનલ્સ ભારતમાંથી વિદેશોમાં જઈ રહ્યા છે તે ભારત માટે નુકસાનકારક છે. બની શકે કે ભવિષ્યમાં ભારતે વિદેશોમાંથી સ્કિલ્ડ પ્રોફેશનલ્સની આયાતો કરવી પડે. ભારતને વિદેશોમાંથી આવતા નાણાં ગુમાવવા પોષાય તેમ નથી તો ભારતમાંથી સ્કિલ્ડ પ્રોફેશનલ્સને પણ ગુમાવવા પોષાય તેમ નથી. આ સંજોગોમાં ભારત સરકાર તેનો ચોક્કસ ઉકેલ શોધવો ખૂબ જરૂરી છે.

Most Popular

To Top