Comments

આપણી એક ક્લિક અને પૃથ્વીના તાપમાનમાં વધારો

ઈન્‍ટરનેટ અને તેના થકી સુલભ વિવિધ પાસાં હવે મોટા ભાગનાં લોકોના જીવનનું એ હદે અભિન્ન અંગ બની ગયાં છે કે ઘણાંને કદાચ ખાવાપીવા ન મળે તો ચાલે, પણ ઈન્ટરનેટ વિના ન ચાલે. આ વાત એવાં વ્યાવસાયિકોની નથી કે જેમના વ્યવસાયનો મુખ્ય આધાર ઈન્‍ટરનેટ હોય, બલ્કે એવાં લોકોની છે, જેઓ કેવળ મનોરંજન ખાતર તેનો ઉપયોગ કરે છે. એ.આઈ. (આર્ટિફિશ્યલ ઈન્‍ટેલિજન્‍સ) તરીકે ઓળખાતી વિશેષતા હવે જે પણ સાધનોમાં ઈન્‍ટરનેટનો ઉપયોગ થતો હોય એમાં સુલભ બની એટલે જાણે કે બાળકને નવું રમકડું મળ્યું હોય એમ લોકો તેના થકી જાતભાતનાં ગતકડાંના ચાળે ચડ્યાં. કોઈ પણ આધુનિક બાબતને અપનાવવામાં પોતે પાછળ ન રહી જાય એમ ધારીને એ.આઈ. દ્વારા ઈન્‍ટરનેટનો કસ કાઢનારાને ભાગ્યે જ જાણ હશે કે પોતે પર્યાવરણને કેવું નુકસાન કરી રહ્યા છે. અત્યાર સુધી ઈન્‍ટરનેટના વધુ પડતા ઉપયોગથી પોતાને થતા નુકસાન વિશે લોકોને જાણ હતી, પણ પર્યાવરણને શી રીતે નુકસાન થાય?

ઈન્‍ટરનેટની સુવિધા આપણા સુધી પહોંચે છે વિવિધ કંપનીઓનાં ડેટા સેન્‍ટર થકી,જ્યાં ડેટાના જંગી જથ્થાને સંઘરવા, પ્રોસેસ કરવા અને તેને મોકલવા માટે હજારો સર્વર, સંગ્રહ પ્રણાલીઓ અને નેટવર્કિંગનાં ઉપકરણો ગોઠવાયેલાં હોય છે. વિવિધ વ્યવસાયો અને ગ્રાહકોને તે ક્લાઉડ કમ્પ્યુટિંગ, એ.આઈ. અને ઈન્‍ટરનેટ જેવી સવલતો પૂરી પાડે છે. આથી આ ડેટા સેન્‍ટરોને ડિજીટલ સેવાઓની કરોડરજ્જુ કહી શકાય. ડેટા સેન્‍ટરો એટલી વિશાળ માત્રામાં ઊર્જાનું ઉત્સર્જન કરે છે કે તેઓ જે તે સ્થળને ‘ગરમ ટાપુ’માં ફેરવી દે છે. આસપાસના સ્થળમાં તેઓ 16 અંશ ફેરનહીટ જેટલી ગરમી વધારી દેતાં હોવાનું એક સંશોધનમાં જણાયું છે. આની અસર 34 કરોડ લોકોને થાય છે.

યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજના ‘અર્થ ઓબ્ઝર્વેશન ગૃપ’ સાથે એસોસિયેટ પ્રોફેસર તરીકે સંકળાયેલા આન્‍ડ્રિઆ મોરીનોનીએ હાથ ધરેલા એક અભ્યાસમાં જણાવાયું છે કે ડેટા સેન્ટરોની સંખ્યા દિનબદિન વધી રહી હોવા છતાં તેની અસરોને સમજવામાં હજી જોઈએ એવું કામ થયું નથી. પ્રો.મોરીનોની અને તેમની ટીમે રીમોટ સેન્‍સર દ્વારા છેલ્લાં વીસ વર્ષના તાપમાનની વિગતો મેળવી. આ વિગતોને તેમણે વિશાળ ડેટા સેન્‍ટર આવેલાં હોય એ સ્થળના તાપમાન સાથે સરખાવી. મોટા ભાગનાં સેન્ટરો છેલ્લા દાયકામાં ઊભાં થયાં હતાં. અતિશય ગીચ શહેરી વિસ્તારોથી દૂર આવેલાં છ હજારથી વધુ ડેટા સેન્‍ટરોને તેમણે લક્ષમાં લીધાં, કેમ કે, આવા વિસ્તારોમાં તાપમાન પર અન્ય કોઈ પરિબળ લઘુતમ અસર કરતું હોય છે.

તેમના જોવામાં આવ્યું કે ડેટા સેન્‍ટર કાર્યરત થયા પછી જે તે સ્થળના તાપમાનમાં સરેરાશ 3.6 ફેરનહીટનો વધારો  થયો હતો. કેટલાક કિસ્સામાં આસપાસના વિસ્તારોમાં આ વધારો 16.4 જેટલો અધધધ કહી શકાય એવો પણ હતો. યુરોપ, અમેરિકાનાં વિવિધ સ્થળોએ આવી પરિસ્થિતિ જોવા મળી. સૌથી નવાઈ પમાડે એવી બાબત એ હતી કે વધેલા તાપમાનની અસર કેવળ આસપાસના વિસ્તાર પૂરતી મર્યાદિત નહોતી, બલ્કે એ દસેક કિ.મી. દૂર સુધી પહોંચી હતી. આ સમગ્ર બાબત ચેતવણીસૂચક છે કેમ કે, અત્યારે પૃથ્વીના તાપમાનમાં વધારો થવાની સમસ્યા અને તેનાં વિપરીત પરિણામો ચિંતાનો વિષય છે અને બીજી તરફ આગામી સમયમાં ડેટા સેન્‍ટરોની સંખ્યા વધતી જવાની પણ નક્કી છે.

ડેટા સેન્‍ટર દ્વારા ઉત્સર્જિત ઊર્જાની આ સમસ્યા બાબતે ખાસ ચર્ચા થતી નથી. એ.આઈ.થી માનવજાતનું ભાવિ કેવું બદલાશે, તેના ધંધારોજગાર પર તેમજ અન્ય ક્ષેત્રે શી અસર થશે વગેરે ચર્ચાની અત્યારે મોસમ છે. જેમને આ બધા સાથે ખાસ કશી લેવાદેવા નથી એ લોકો એ.આઈ.ના ઉપયોગથી વિવિધ તસવીરો અને ચિત્રો બનાવીને રમત રમે છે અને પોતાને ‘આવડી ગયું’નો ભાવ અનુભવીને રાજી થાય છે.  પણ એ.આઈ.ના વધતા જતા ઉપયોગ અને તેનાથી પર્યાવરણ પર થતી વિપરીત અસરો વિશે વાત થતી ખાસ સાંભળવા મળતી નથી.

બીજી તરફ કેટલાક દેશોમાં આ દિશામાં કામ કરવાની પહેલ થઈ છે. ડેટા સેન્‍ટર દ્વારા થતા ઊર્જાના વપરાશને શી રીતે ઘટાડવો અને તેનાથી પેદા થતા ગરમીના પ્રચંડ જથ્થાને શી રીતે નિયંત્રિત કરવો એ બાબતે વિવિધ ઉપાયોની અજમાયશ થઈ રહી છે. અલબત્ત, આમાં ક્યાંય તેના ઉપયોગને નિયંત્રિત કરવાની વાત નથી, કેમ કે, એ હવે શક્ય નથી રહ્યું. માનવે પોતાની જરૂરિયાતો એટલી બધી વધારી દીધી છે કે એ દરેકની પર્યાવરણ પર વિપરીત અસર અનિવાર્યપણે થાય એ નિશ્ચિત છે. એ.આઈ. એમાં છેલ્લામાં છેલ્લો ઉમેરો કહી શકાય. કોઈ સમસ્યાને ઓળખીને એની વિપરીત અસરોનો અભ્યાસ થાય, એ બાબતે કશાં નક્કર પગલાં લેવાય એ પહેલાં તો એ સમસ્યાનો વ્યાપ એટલો વધી ગયો હોય છે કે એનો ઉકેલ લાવવો આકાશમાં થીંગડાં મારવા જેવું લાગે.

આ સમસ્યાનું ફલક એટલું વિશાળ છે કે તેમાં એકલદોકલ સંકલ્પથી ખાસ કશો ફરક ન પડે. આમ છતાં, ઈન્ટરનેટનો ઉપયોગ કરનારા સંયમ રાખીને અનિવાર્ય સંજોગો સિવાય એ.આઈ.નો ઉપયોગ ટાળે તો એની અસર પડે કે ન પડે, પણ એટલો સંતોષ થાય કે કમ સે કમ પોતે એમાં પ્રદાન કર્યું નથી. વધુમાં આવી વિપરીત અસરો બાબતે જાગૃતિ ફેલાવવામાં આવે, તેના વિશે વધુ વિગતો લોકો સુધી પહોંચાડવામાં આવે અને વિવિધ પ્રકારના અભ્યાસ થાય તો કદાચ કશો ફેર પડે તો પડે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top