Columns

જિંદગીના કેનવાસ પર

એક દાદા બહુ સારા મહાન ચિત્રકાર ન હતા પણ તેમને ચિત્રકળા ગમતી અને તેઓ ચિત્રો દોરતા રહેતા અને પોતાના સ્વજનોને ભેટ આપતા રહેતા. દાદા હંમેશા પોતાના થેલામાં એક નાનકડી ડ્રોઈંગ બુક અને રંગીન ચોક કલરનો ડબ્બો રાખતા અને જ્યાં જાય ત્યાં જયારે સમય મળે જે સામે દેખાય તેનું ચિત્ર દોરતા રહેતા. દાદાના એક મિત્ર એકદમ ઉદાસીન હતા, જીંદગીમાં તેમને કોઈ ઉમંગ રહ્યો ન હતો કારણ કે છોકરાઓ તેમનું માનતા ન હતા અને પત્ની પોતાની દુનિયામાં મસ્ત હતી.મિત્ર આખો દિવસ ફરિયાદ કરતા રહેતા અને બધા પર કચકચ કરતાં એટલે બધા સ્વજનો તેમનાથી દુર થતા જતા હતા અને તેઓ એકલા પડી રહ્યા હતા અને તેમની વધતી એકલતાને લીધે વધુ નિરાશ અને હતાશ રહેતા હતા.

આજે મિત્રનો જન્મદિવસ હતો, દાદાએ તેમને સુંદર સૂર્યોદયનું અનેક રંગછટા ધરાવતું ચિત્ર ભેટ આપ્યું. મિત્રએ ચિત્ર જોયું અને તરત બોલ્યા, ‘અરે દોસ્ત અહીં જીંદગીની રાત થવા આવી, ચારેબાજુ કાળાશ સિવાય કઈ બચ્યું નથી અને તારે આવા રંગીન ચિત્રો દોરવા છે.શું અર્થ છે આ રંગોનો જયારે જીંદગીમાં જ કોઈ રસ ન રહ્યો હોય.’ દાદા બોલ્યા, ‘દોસ્ત તું તો એવો છે ને કે જો તને રંગીન સુર્યોદય કે સપ્તરંગી સાંજ કે પછી મેઘધનુષ કે ફૂલો દોરવા કહું તો તું તો બધું જ કાળું અને ગ્રે રંગનું જ દોરે…!!!’ મિત્રને જરા માઠું લાગ્યું તેમણે કહ્યું, ‘હા ભલે મારી મરજી …’

દાદાએ પોતાના થેલામાંથી રંગોનો ડબ્બો કાઢતાં કહ્યું, ‘અરે મારા દોસ્ત એમ ગુસ્સે ન થા, જો આપણે સતત ગ્રે અને કાળો રંગ જ હાથમાં લઈને કોઇપણ ચિત્ર દોરીએ તો તે હંમેશા કાળું અને ન ગમે તેવું જ બને અને તેને જોઇને આનંદ આવવાને બદલે કંટાળો કે ગુસ્સો આવે.પણ જો આ ડબ્બામાં બીજા અનેક ચમકતા રંગો છે લાલ ,પીળો ,કેસરી, ગુલાબી, લીલો વગેરે તે બધાને ભેળવીને ચિત્ર દોરીએ તો ચિત્ર ખીલી ઉઠે.’ મિત્ર હજી ગુસ્સામાં હતા તે બોલ્યા, ‘તને ચિત્રકામ ગમે છે તું દોર મારે કોઈ ચિત્ર દોરવા નથી સમજ્યો.’

દાદાએ કહ્યું, ‘મારા દોસ્ત, આપણું જીવન પણ અનેક રંગોનો ડબ્બો છે અને આપનો જીવન પ્રત્યેનો અભિગમ નક્કી કરે છે કે આપણે જીવનનું ચિત્ર કેવું બનાવવું છે.હંમેશા ગુસ્સામાં રહીને ,અતડા રહીને ફરિયાદ કરીને, કચકચ કરીને તું તારા જીવનના ચિત્રમાં પણ કાળાશ ફેલાવી રહ્યો છે પણ થોડો પ્રેમનો લાલ રંગ ,દોસ્તીનો પીળો રંગ, હાસ્યનો ગુલાબી રંગ, ખુશીનો લીલો રંગ જિંદગીના કેનવાસમાં ઉમેર પછી જો કેવું સરસ ચિત્ર બને છે.બધાના જીવનમાં અણગમતા બનાવો અને ન ગમતા સંજોગોના ગ્રે,કાળા, રાખોડી રંગો હોય જ છે પણ આપણે ચમકતા રંગો ઉમેરીને ચિત્ર સુંદર બનાવવું પડે સમજ્યો આમ કરી જો પછી જોજે જિંદગીનો એક એક દિવસ કેવો સુંદર આ ચમકતા રંગીન સૂર્યોદય જેવો ઉગશે.’ દાદાએ રંગો દ્વારા જિંદગીની સમજ આપી.

Most Popular

To Top