પાકિસ્તાન એફએટીએફના ગ્રે લિસ્ટ પર યથાવત: તેના નેતાઓને હજી પણ અક્કલ આવશે?

વૈશ્વિક મની લોન્ડરિંગ અને ત્રાસવાદી ભંડોળો અંગેની છ મહત્વની જવાબદારીઓ પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયેલું પાકિસ્તાન ત્રાસવાદી ભંડોળ વોચડોગ સંસ્થા એફએટીએફની ગ્રે યાદી પર ચાલુ રહ્યું છે અને આ યાદીમાંથી બહાર નીકળવાના તેના ધમપછાડા ધરાર નિષ્ફળ ગયા છે, પરંતુ આમ છતાં પણ પાકિસ્તાનના હુકમરાનોને અક્કલ આવશે કે કેમ? તે એક પ્રશ્ન જ છે. ફાયનાન્શ્યલ એકશન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)ના વર્ચ્યુઅલ પ્લેનરી સેસનમાં આ નિર્ણય લેવાયો હતો. આ સેસન હાલ થોડા દિવસ પહેલા જ સમાપ્ત થયું હતું અને તે એ તારણ પર પહોંચ્યું હતું કે઼ પાકિસ્તાન તેની ભૂખરી યાદીમાં જ યથાવત રહેશે.

પાકિસ્તાન જે જવાબદારીઓ અદા કરવામાં નિષ્ફળ ગયું છે તેમાં ભારતના બે મોસ્ટ વોન્ટેડ ત્રાસવાદીઓ – મૌલાના મસૂદ અઝહર અને હાફીઝ સઇદ સામે પગલા લેવાની બાબતનો પણ સમાવેશ થાય છે. પાકિસ્તાન ઇન્ક્રિસ્ડ મોનિટરિંગ લિસ્ટ અથવા ગ્રે લિસ્ટ પર ચાલુ રહે છે એમ એફએટીએફના પ્રમુખ માર્કસ પ્લેયરે પેરિસથી એક વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. દુનિયામાં ત્રાસવાદી ભંડોળો પર જે દેખરેખ રાખવાનું કામ કરે છે તે ફાયનાન્શ્યલ એકશન ટાસ્ક ફોર્સ દ્વારા પાકિસ્તાનને ત્રાસવાદી ભંડોળો પર કાબૂ માટે ૨૭ કામગીરીઓ સોંપવામાં  આવી હતી. આમાંથી તે છ જવાબદારીઓ પુરી કરવામાં નિષ્ફળ ગયું છે. આના પરિણામે તે એફએટીએફના ગ્રે લિસ્ટ પર ચાલુ રહેશે જે લિસ્ટ પર તેને ઘણા સમયથી મૂકવામાં આવ્યું છે.  જે દેશ ગ્રે લિસ્ટમાં મૂકાયા પછી પણ અગત્યની જવાબદારીઓ પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય તેને બ્લેક લિસ્ટ અથવા કાળી યાદી પર મૂકવામાં આવે છે. અત્યારે ઇરાન અને ઉત્તર કોરિયા બ્લેક લિસ્ટ પર છે. જ્યારે જવાબદારીઓ અદા કરવામાં સફળ રહેલા આઇસલેન્ડ અને મોંગોલિયાને ગ્રે લિસ્ટમાંથી દૂર કરવામાં આવ્યા છે.

એક વખત પાકિસ્તાન બાકીની છ શરતો પૂર્ણ કરે તે પછી ઓનસાઇટ વિઝિટ માટે એફએટીએફ એક ટીમ મોકલશે. તેના પછી જ નિર્ણય લેવાશે કે પાકિસ્તાન ગ્રે લિસ્ટમાંથી બહાર આવશે કે કેમ? એમ એફએટીએફના પ્રમુખે જણાવ્યું હતું. લાંબા સમયથી પાકિસ્તાન એફએટીએફની ભૂખરી યાદી અથવા ગ્રે લિસ્ટ પર છે. આ લિસ્ટ પર મૂકાયેલા દેશોને ધિરાણ વગેરેની બાબતમાં વૈશ્વિક નાણા સંસ્થાઓ સાવધાન રહે છે અને આ દેશના નાણાકીય વ્યવહારો પર નજર રાખવામાં આવે છે. સમજી શકાય તેવી બાબત છે કે જે દેશ એફએટીએફના ગ્રે લિસ્ટ પર મૂકાયો હોય તેને વૈશ્વિક નાણા સંસ્થાઓ તથા અન્ય દેશો પાસેથી ભંડોળો, ધિરાણો મેળવવામાં મુશ્કેલી પડે. અને જો આ દેશ એફએટીએફના બ્લેક લિસ્ટ અથવા કાળી યાદી પર મૂકાઇ જાય તો તો તેને મળતા વૈશ્વિક ભંડોળો અને ધિરાણો સદંતર બંધ થઇ જાય. જો પાકિસ્તાન આવી કાળી યાદી પર મૂકાઇ જાય તો તેને હાલની તેની ખૂબ કથળેલી નાણાકીય હાલતમાં કેવા સંજોગોનો સામનો કરવો પડે તેની કલ્પના કરી શકાય તેમ છે. 

પાકિસ્તાન એફએટીએફની કાળી યાદી પર મૂકાય તે માટે ભારતે પ્રયાસો કર્યા છે પરંતુ આ પ્રયાસોને સફળતા મળી નથી અને તેના વિવિધ કારણો હોઇ શકે છે. એક તો એમ કહેવાય છે કે એફએટીએફ દ્વારા પાકિસ્તાનને ત્રાસવાદી ભંડોળોને લગતી જે ૨૭ કામગીરીઓ અદા કરવાની જવાબદારી સોંપાઇ હતી તેમાંથી મોટા ભાગની કામગીરીઓ તેણે કરી છે. છ જવાબદારીઓ અદા કરવામાં તે નિષ્ફળ રહ્યું છે અને આ નિષ્ફળતાને કારણે તેને ગ્રે લિસ્ટ પર ચાલુ રાખવામાં આવ્યું છે. બીજુ કારણ એ છે કે વિશ્વમાં પાકિસ્તાન તરફ સહાનુભૂતિ ધરાવનારા દેશો પણ નોંધપાત્ર છે જ.  અને આ દેશો છેલ્લી ઘડીએ પાકિસ્તાનને કાળી યાદીમાં મૂકાતું અટકાવી દે છે એમ કહેવાય છે.

આ દેશોમાં ચીન જેવા વીટો પાવર ધરાવતા દેશનો પણ સમાવેશ થાય છે. અમેરિકા ડબલ ઢોલકી વગાડતું જણાય છે. પાકિસ્તાન કાળી યાદી પર મૂકાય કે નહીં મૂકાય પણ ભારત માટે તો તે ઘણી બાબતમાં આફતના પડીકા જેવું છે. ભારતના અનેક વોન્ટેડ ત્રાસવાદીઓ અને ગુનેગારોને તે પનાહ આપી ચુક્યું છે અને આપતું રહે છે. લાંબા સમયથી એફએટીએફના ગ્રે લિસ્ટમાંથી બહાર આવવામાં નિષ્ફળતા પછી પાકિસ્તાનના નેતાઓને શાણપણ આવવું જોઇએ, પણ હાલ તો આવી આશા રાખવી નકામી જણાય છે.

Related Posts