સ્થળાંતરિત શ્રમિકોની હાલાકી અંગે સરકારે સંસદમાં આપેલા જવાબો અત્યંત શરમજનક છે

આ વર્ષે પહેલી ફેબ્રુઆરીએ સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ કરતી વખતે નાણા મંત્રી નિર્મલા સીતારમણે કંઇક એ મુજબનું કહ્યું હતુ઼ં કે દેશના અર્થતંત્ર સમક્ષના પડકારોનું સમયાનુસાર યોગ્ય  મૂલ્યાંકન કરવા માટે આંકડાઓ ઉપલબ્ધ હોવા ખૂબ જરૂરી છે. તેમણે તે સમયે વિશ્વસનીય આંકડાઓ પર આધારિત નિર્ણય પ્રક્રિયાને વેગ આપવા પર ભાર મૂક્યો હતો અને સંસદમાં  આંકડાઓની અગત્યતા પર ભાર મૂક્યાના સાત જ મહિના પછી હાલ સંસદના ચોમાસુ સત્રમાં ૧૪મી સપ્ટેમ્બરે મોદી સરકારે સંસદમાં હાથ ઉંચા કરી દીધા કે લૉકડાઉનના સમયગાળા  દરમ્યાન પોતાના વતન પહોંચવાનો પ્રયાસ કરી રહેલા સ્થળાંતરિત શ્રમિકો અંગે તેણે કોઇ આંકડા રાખ્યા નથી! સ્થળાંતરિત કામદારોની હાલાકી અંગે લોકસભામાં કેટલાક સભ્યોએ સરકાર  પાસે એ જાણવા માગ્યું કે શું સરકાર એ બાબતથી વાકેફ છે કે રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન દરમ્યાન પોતાના રોજગારીના સ્થળેથી પોતાના વતન તરફ જઇ રહેલા અનેક સ્થળાંતરિત શ્રમિકોએ  પોતાના જીવ ગુમાવ્યા છે?

આ સાંસદોએ એ પણ જાણવા માગ્યું કે સરકારે આ માર્યા ગયેલા શ્રમિકોના કુટુંબોને કંઇક વળતર આપ્યું છે ખરૂં? આનો સરકારે જે જવાબ આપ્યો તે કોઇ પણ  સંવેદનશીલ વ્યક્તિને આઘાત પહોંચાડે તેવો છે. સાંસદોના પ્રશ્નના ઉત્તરમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રીએ કહી દીધું કે આવા સ્થળાંતરિત શ્રમિકોના મૃત્યુના કોઇ આંકડા સરકાર પાસે  નથી, અને જ્યારે આંકડા નથી ત્યારે વળતર આપવાનો કોઇ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી! સંસદમાં અત્યાર સુધી સરકાર તરફથી અપાયેલા અત્યંત નફ્ફટ અને બેશરમ જવાબોમાંનો આ  એક જવાબ હશે. રોજગારી માટે પોતાના વતનથી દૂર અન્ય રાજ્યમાં કે વિસ્તારમાં જઇને વસેલા આ શ્રમિકોએ લોકડાઉન વખતે લાચારીમાં મૂકાઇ ગયા બાદ કેવી રીતે પોતાના વતન  તરફ દોટ મૂકી હતી, વાહન વ્યવહારના સાધનોના અભાવે આવા ઘણા બધા લોકો તો પગપાળા સેંકડો કિલોમીટર દૂર પોતાના વતન જવા નીકળી પડ્યા હતા, આની અનેક તસવીરો અને  અહેવાલો અખબારોમાં પ્રગટ થયા હતા, આ રીતે વતન તરફ જઇ રહેલા શ્રમિકોમાંથી અનેક શ્રમિકો ભૂખ, તાપ, થાક કે પછી અકસ્માત જેવા કારણોસર મોતને ભેટ્યા અને આવા  મૃત્યુઓના કેટલાક બનાવો તો બહુચર્ચિત પણ બન્યા, અને સરકાર કહે છે કે તેની પાસે આની કોઇ માહિતી જ નથી! દેખીતી વાત છે કે સરકારે આ બાબતે કોઇ માહિતી ભેગી કરવાની  તસ્દી જ લીધી નથી.

વડાપ્રધાન મોદીએ ૨૪મી માર્ચની રાત્રે ૮ કલાકે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું અને તેમાં તેમણે જાહેર કરી દીધું કે આજે રાત્રે બાર વાગ્યાથી દેશમાં ૨૧ દિવસનું લૉકડાઉન અમલમાં આવશે  અને તે એક પ્રકારના કરફ્યુ જેવું જ હશે. લોકોને આવા સખત લૉકડાઉન માટે તૈયારી કરવા માટે માત્ર ચાર કલાકનો સમય મળ્યો. ‘જીવન જરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો મળી રહેશે’, વગેરે વગેરે અનેક સધિયારા તો તે સમયે અપાયા હતા પણ  રોજગારી અર્થે પોતાના વતનથી સેંકડો કિલોમીટર દૂર વસતા ગરીબ મજૂરો, શ્રમિકો માટે આ અણધાર્યું અને સખત  લૉકડાઉન કેવી ભયંકર સ્થિતિઓનું સર્જન કરશે તેનો સરકારને કદાચ ખ્યાલ જ ન હતો. વિશ્લેષકો કહે છે કે સરકારે આવું સખત લૉકડાઉન અમલમાં મૂકતા પહેલા નિષ્ણાતોનો અભિપ્રાય  લેવો જોઇતો હતો પણ આપણા વડાપ્રધાન એકહથ્થુ રીતે અને આપખુદશાહીથી નિર્ણયો લેવા માટે જાણીતા છે. કેટલાક કારખાના માલિકોએ તો અત્યંત નિષ્ઠુર રીતે કામદારોને છૂટા કરવા માંડ્યા, રજાનો પગાર આપવાની વાત તો  બાજુએ રહી, તેમને તાબડતોબ છૂટા કરી દેવાયા. આવક હોય નહીં, ઘરભાડા ભરવાના નાણા નહીં હોય અને ભોજનની પણ તકલીફ ઉભી થઇ જાય તેવા સંજોગો હોય ત્યારે લાચાર શ્રમિકો  પોતાના વતન તરફ નહીં દોડે તો શું થાય? આવું જ થયું, વાહન વ્યવહાર તો બંધ હતો એટલે ઢગલેબંધ લોકો પગપાળા જ વતન જવા નીકળી પડ્યા અને પછી જે કાંઇ થયું તે તો બહુ  જાણીતું છે, સરકારને ભલે તેની જાણ નહીં હોય! પગપાળા વતન જતા કેટલાયે કામદારો ભૂખ, તરસ, થાક, તાપથી રસ્તામાં જ મોતને ભેટ્યા, કેટલાયે અકસ્માતોમાં મોતને ભેટ્યાં.  મહારાષ્ટ્રમાં ટ્રેન હેઠળ કચડાઇ ગયેલા મધ્યપ્રદેશના કામદારો, વિરાર નજીક કારની હડફેટે માર્યા ગયેલા રાજસ્થાનના કામદારો, ઉત્તર પ્રદેશમાં ટ્રક અકસ્માતમાં માર્યા ગયેલા સંખ્યાબંધ  કામદારોની ઘટનાઓ તો ખૂબ જાણીતી છે અને સરકાર કહે છે કે તેની પાસે કોઇ માહિતી જ નથી! સરકારે તો સંસદમાં એમ પણ કહ્યું કે ‘ફેક ન્યૂઝને કારણે કામદારોની નાસભાગ સર્જાઇ!’  જાણે કે તેમને કોઇ તકલીફ તો હતી જ નહી!

આપણા વડાપ્રધાન સુશાસનની બહુ વાતો કરે છે પરંતુ આ સુશાસન માટે આવશ્યક એવી ગરીબો, વંચિતો પ્રત્યેની સાચકલી સંવેદના તેમની સરકાર પાસે છે ખરી? કલ્યાણ રાજ્ય પુરું  પાડવા માટે સરકાર પ્રજાના દુ:ખ દર્દો પ્રત્યે સંવેદનશીલ હોય તે ખૂબ જરૂરી છે અને આ સંવેદના નહીં હોય ત્યારે આવી દુ:ખદ ઘટનાઓ સર્જાય જ. અને આવી હોનારતો પછી પણ  સરકાર પોતાની ભૂલ કબૂલ કરવાના બદલે નફ્ફટ રીતે ઉડાઉ જવાબો આપે તે તો ખૂબ જ આઘાત જનક છે અને દેશને હાલ આવા જ આઘાતો સહન કરવા પડી રહ્યા છે.

Related Posts