બોલિવુડમાં ડ્રગ્સના ઉપયોગ મુદ્દો રાજકીય લડાઈમાં અટવાઈ નહીં તે જરૂરી છે

જાણીતા ફિલ્મ એક્ટર સુશાંતસિંગના આપઘાતથી શરૂ થયેલી તપાસનો સિલસિલો હવે બોલિવુડમાં ડ્રગ્સના ઉપયોગ પર આવીને અટક્યો છે. વાત ત્યાંથી શરૂ થઈ હતી કે સુશાંતસિંગ દ્વારા આપઘાત કરવામાં આવ્યો હતો કે તેની હત્યા થઈ હતી. આની તપાસ પણ સીબીઆઈને સોંપવામાં આવી. સીબીઆઈએ તેને આપઘાત ગણાવ્યા બાદ તેની તપાસ બાજુ પર રહી ગઈ છે અને હવે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના હાથમાં દડો આવી ગયો છે. એનસીબીએ રિયા ચક્રવર્તીથી શરૂ કરેલી તપાસ હવે દિપીકા, શ્રદ્ધા, સારા સહિતની જાણીતી અભિનેત્રીઓ સુધી આપી પહોંચી છે. એનસીબી દ્વારા તમામને સમન્સ આપી દેવામાં આવ્યા છે. આગામી દિવસોમાં આ તમામના નિવેદનો લેવામાં આવશે અને હજુ ચોંકાવનારી વિગતો બહાર આવશે. સંભવત: અન્ય મોટા અભિનેતાઓ કે અભિનેત્રીઓના નામો પણ બહાર આવે.

બોલિવુડમાં ડ્રગ્સના ઉપયોગ મુદ્દો રાજકીય લડાઈમાં અટવાઈ નહીં તે જરૂરી છે

બોલિવુડમાં ડ્રગ્સ એ કોઈ નવી વાત નથી. બોલીવુડ ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. એક ભાગમાં ખુબ જાણીતા કલાકારો છે. બીજા ભાગમાં હાલમાં સફળ થયેલા કલાકારો છે અને ત્રીજા ભાગમાં સંઘર્ષ કરતાં કલાકારો છે. બોલિવુડમાં પાર્ટીઓ કરવી તે પણ નવી વાત નથી પરંતુ જે નવી પેઢીએ બોલિવુડમાં પગ મુક્યો છે તેઓ હવે પાર્ટીમાં દારૂ સિવાયનો નશો કરવા માટે પણ ટેવાઈ ગયા છે. ભૂતકાળમાં કલાકારો દ્વારા પોતાના પીઆર એજન્ટ રાખવામાં આવતા નહોતાં પરંતુ નવા કલાકારો દ્વારા પોતાના પીઆર એજન્ટ રાખવામાં આવે છે.

પીઆર એજન્ટ કહો કે ટેલેન્ટ એજન્સી, આ લોકો દ્વારા મોટાભાગે જે તે સ્ટારને ડ્રગ્સનો નશો કરવા માટે તૈયાર કરવામાં આવે છે. કલાકારોને ડ્રગ્સનો નશો કરાવવા પાછળ અનેક કારણો હોય છે. જે તે એજન્સી કલાકારનો કોન્ટ્રાક્ટ પોતાની પાસે જ રહે તે માટે પણ આવા પ્રયાસો કરતી હોય છે. સાથે સાથે ડ્રગ્સના કારોબારમાં મોટો ફાયદો પણ થતો હોવાથી આ ધંધો કરવામાં આવે છે. એક સમય હતો કે બોલિવુડમાં એટલી સ્પર્ધા નહોતી. દરેક કલાકારોને કામ મળી રહેતા હતા. હાલમાં બોલિવુડમાં એવી સ્થિતિ છે કે એક કલાકાર માંગો અને તેની સામે 10 કલાકારો હાજર થાય છે. આ સંજોગોમાં જે તે કલાકારો પર પણ કામ મેળવવાનું ભયંકર દબાણ હોય છે અને આ દબાણમાંથી છૂટવા માટે રાત્રે પાર્ટી અને ડ્રગ્સ લઈ માનસિક શાંતિ મેળવવાનું પણ ચલણ વધ્યું છે.

ડ્રગ્સ એ જે તે વ્યક્તિને પોતાની ચૂંગાલમાં એવી રીતે ફસાવે છે કે જેનાથી બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે. કોઈપણ વ્યક્તિ દ્વારા ડ્રગ્સ લેવામાં આવે તે વ્યક્તિ અને તેની સાથે તેનો વેપાર કરનાર પ્રત્યેકને સજા થવી જ જોઈએ. પરંતુ હાલમાં બોલિવુડમાં ડ્રગ્સના ઉપયોગના મામલે અનેક રંગો લાગી ગયા છે. ભારતનું યુવાધન મોટાભાગે ફિલ્મના કલાકારોથી પ્રેરીત થાય છે. જો કલાકારો દ્વારા ડ્રગ્સ લેવામાં આવે તો યુવાવર્ગ પણ મોટાપાયે ડ્રગ્સના રવાડે ચડે તેમ છે.

કલાકારો દ્વારા જો દાખલો બેસાડવામાં આવે તો યુવાનોને બરબાદ થતા બચાવી શકાય છે.ડ્રગ્સના મામલાને રાજકીય રંગ પણ લાગી ગયો છે અને તે સંસદમાં થયેલી ચર્ચામાં પણ જોવા મળ્યો. બોલિવુડ એવું છે કે જેનો લાભ રાજકીય પક્ષોથી માંડીને જે તે સરકારો પણ લેવા માંગે છે. આ કારણે જ ભૂતકાળમાં પણ જ્યારે બોલિવુડના કલાકારો ડ્રગ્સના મામલામાં પકડાઈ ચૂક્યા છે ત્યારે મામલાઓ દબાવી દેવામાં આવ્યા છે. આ વખતે બોલિવુડમાં ડ્રગ્સના મામલો ભારે ચગ્યો છે ત્યારે કેન્દ્ર સરકાર તેની તળિયાઝાટક તપાસ કરે તે જરૂરી છે.

મોટાભાગે કોઈપણ વિવાદ ઉભો થાય તો તેમાં પોતાનો લાભ શેકી લેવા માટે વચેટિયાઓ કૂદી પડે છે. આ વચેટિયાઓમાં રાજકીય નેતાઓથી માંડીને અધિકારીઓ સુધીના અનેક દલાલોનો સમાવેશ થાય છે. બોલિવુડમાં ડ્રગ્સના મામલે પણ હવે આવો ખેલ નહીં થાય અને જે તે ગુનેગારોને પકડવામાં આવે તે જરૂરી છે. ભલે તે ચાહે ગમે તેટલો મોટો અભિનેતા હોય કે પછી અભિનેત્રી. ડ્રગ્સનો મામલો અનેક કલાકારોની કેરિયર ખતમ કરી દે તેવું છે જેથી આ મામલે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. ખોટી રીતે કોઈ હેરાન નહીં થવું જોઈએ અને જો ગુનેગાર હોય તો કોઈપણ રીતે તે છૂટવો જોઈએ નહીં. જો તેમ થશે તો જ દેશનું યુવાધન ડ્રગ્સથી બરબાદ થતું અટકશે તે નક્કી છે.

Related Posts