ઓડિશા અને બંગાળને વાવાઝોડાઓ સાથે ઘણો જૂનો સંબંધ છે

બંગાળના અખાતમાં ફરી એક વાર પ્રચંડ વાવાઝોડું સર્જાયું છે. આ વાવાઝોડાને અમ્ફાન નામ આપવામાં આવ્યું છે. આ લખાય છે ત્યાં સુધી તો આ વાવાઝોડું ભૂમિ વિસ્તારો પર ત્રાટકયું નથી પણ તે ઉત્તર દિશામાં પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડાની વ્યાપક અસર ઓડિશા રાજ્યના તટવર્તી વિસ્તારોને પણ થશે એવો ભય વ્યક્ત કરવામાં આવ્યો છે. અને આ કંઇ ક્યારેક વર્ષો પછી બનતી ઘટના નથી, આપણા પશ્ચિમ બંગાળ અને ઓડિશા રાજ્યો વારંવાર નાના-મોટા વાવાઝોડાઓનો સામનો કરતા જ આવ્યા છે, અને આ અમ્ફાન વાવાઝોડું તેમાં વધુ એક ઉમેરાયું છે.

જેને બંગાળની ખાડી પણ કહેવામાં આવે છે તે બંગાળનો અખાત અનેક વાવાઝોડાઓનું ઉદભવસ્થાન છે. આ વિસ્તારના ભૌગોલિક રચના જ એવી છે કે અહીં વારંવાર ચક્રવાતો અને વાવાઝોડાના તોફાનો જન્મતા રહે છે અને આજુબાજુના જમીન વિસ્તારો પર ત્રાટકતા રહે છે. બંગાળના અખાતના પશ્ચિમે આપણા ભારતના આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઓડિશા રાજ્યો છે, ઉત્તરમાં પશ્ચિમ બંગાળ છે અને દક્ષિણના ભાગમાં તમિલનાડુનો કાંઠો પણ આવે છે અને છેક દક્ષિણે દૂર હિંદ મહાસાગરમાં આંદામાન અને નિકોબાર ટાપુઓ છે. ઉત્તરમાં બાંગ્લાદેશ અને પૂર્વમાં મ્યાનમાર જેવા આપણા પાડોશી રાષ્ટ્રો પણ છે. ત્રણ બાજુએથી જમીન વિસ્તારોથી ઘેરાયેલા બંગાળના અખાતમાં અનેક વખતે તીવ્ર પવનો ચકરીઓ લેવા માંડે છે અને નાના મોટા વાવાઝોડાઓ જન્મે છે. ખાસ કરીને મે મહિનામાં વાવાઝોડું પેદા થવાનો ભય વધારે રહે છે. ગયા વર્ષે પણ મે મહિનામાં જ ફેની વાવાઝોડું આવ્યું હતું, આ વર્ષે મે મહિનામાં અમ્ફાન વાવાઝોડું આવી ચડ્યું છે. બંગાળના અખાતમાં ઉદભવતા વાવાઝોડાઓને વધારે અસર સામાન્ય રીતે અખાતના પશ્ચિમે આવેલા ઓડિશા અને ઉત્તરે આવેલા પશ્ચિમ બંગાળ અને પાડોશના બાંગ્લાદેશના કાંઠાઓ પર વધારે થાય છે. આંધ્રપ્રદેશ પણ ક્યારેક આ વાવાઝોડાઓની નોંધપાત્ર અસર સહન કરતું આવ્યું છે. આંધ્રમાંથી છૂટા પડેલા અને નવા રચાયેલા તેલંગાણા રાજ્યનો પણ અસરની સંભાવના ધરાવતા રાજ્યોની યાદીમાં ઉમેરો થઇ ગયો છે. દક્ષિણના તમિલાનાડુને પણ આ વાવાઝોડાઓની અસર ક્યારેક થોડા અંશે થાય છે. પણ સામાન્ય રીતે ઓડિશા અને બંગાળ એટલે કે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશને તેની અસર વધારે થાય છે અને ઓડિશા અને બંગાળને તો વાવાઝોડાઓ સાથે ઘણો જૂનો સંબંધ હોય તેવું વાવાઝોડાઓનો ઇતિહાસ જોતા લાગે છે.

આોડિશા અને બંગાળને વર્ષોવર્ષ તીતલી, હુદહુદ, ફેની જેવા અનેક વાવાઝોડાઓ હાલ છેલ્લા કેટલાક વર્ષથી સતત ધમરોળી રહ્યા છે. આ પહેલા પણ અનેક પ્રચંડ વાવાઝોડાઓ આ વિસ્તારમાં ત્રાટકી ચુક્યા છે. તેમાં પણ ૧૯૯૯ના બોબ વાવાઝોડાએ તો ઓડિશામાં ભારે તબાહી મચાવી હતી અને સાડા નવ હજાર કરતા વધુ લોકોનો ભોગ લીધો હતો. પછી સરકારો ચેતી ગઇ, સમયસરની અને કંઇક સચોટ કહી શકાય તેવી આગાહીઓ પણ શક્ય બની અને સમયસર સ્થળાંતર જેવા પગલાઓને કારણે મોટી જાનહાનિઓ નિવારી શકાઇ છે જે આપણે ફેની વાવાઝોડા વખતે જોયું છે. હવે આ અમ્ફાન વાવાઝોડું પણ અતિ પ્રચંડ છે. તેના આગમન પહેલા ત્રણ લાખ જેટલા લોકોનું તો સલામત સ્થળે સ્થળાંતર કરાવી દેવાયું છે. વાવાઝોડાઓને રોકવાની શક્તિ તો માણસ હજી વિકસાવી શક્યો નથી, કદાચ ક્યારેય નહીં વિકસાવી શકે, પણ વાવાઝોડાઓથી જાન માલની વ્યાપક તબાહી અટકાવવાની શક્તિ તે વધુને વધુ પ્રમાણમાં વિકસાવી શકે તેવી આશા રાખીએ.

Related Posts