ન્યૂઝીલેન્ડમાં જેસીન્ડા આર્ડેન જંગી બહુમતિ સાથે બીજી વખત વડાપ્રધાન બનશે

ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસીન્ડા આર્ડેન આજે એતિહાસિક મત તફાવત સાથે જંગી બહુમતિથી બીજી ટર્મ માટે જીતી ગયા હતા.જ્યારે મોટાભાગના મતો ગણાઇ ગયા ત્યારે આર્ડેનના લિબરલ લેબર પાર્ટીએ ૪૯ ટકા મત જીત્યા હતા જેની સરખામણીમાં તેના મુખ્ય હરીફ કન્ઝર્વેટિવ નેશનલ પાર્ટીએ ૨૭ ટકા મત મેળવ્યા હતા.

લેબર પક્ષ સંસદમાં પૂર્ણ બહુમતિ મેળવવાનું લક્ષ્ય ધરાવતો હતો જે ન્યૂઝીલેન્ડમાં ૨૪ વર્ષ અગાઉ પ્રપોર્શનલ વોટિંગ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી તેના પછી આ પહેલા ક્યારેય બન્યું નથી. પરંપરાગત રીતે ત્યાં પક્ષોએ શાસન માટે ગઠબંધન કરવું પડતું હતું પરંતુ આ વખતે આર્ડેનનો લેબર પક્ષ એકલે હાથે સરકાર બનાવી શકશે.

ઓકલેન્ડમાં હર્ષઘેલા પોતાના ટેકેદારોને સંબોધન કરતા આર્ડેને કહ્યું હતું કે આ કોઇ સામાન્ય ચૂંટણી ન હતી કે આ કોઇ સામાન્ય સમય નથી. કોરોનાવાયરસને દેશમાંથી દૂર કરવામાં તેમની સફળતાને કારણે તેમની લોકપ્રિયતા ઘણી વધી ગઇ હતી.

૪૦ વર્ષીય આર્ડેન ૨૦૧૭માં હોદ્દા પર આવ્યા હતા જ્યારે તેમના લેબર પક્ષે અન્ય બે પક્ષોની સાથે ગઠબંધન કર્યું હતું. બીજા વર્ષે તેમણે બાળકને જન્મ આપ્યો હતો અને વડાપ્રધાનપદે હોય ત્યારે બાળકને જન્મ આપનાર તેઓ વિશ્વના બીજા નેતા બન્યા હતા.

Related Posts