આખરે સુપ્રીમ કોર્ટએ એવું કહ્યું કે દેશની હાલમાં જે હાલત છે તેના માટે નુપુર શર્મા જવાબદાર છે. નુપુર શર્માએ દેશ સળગાવ્યો છે અને તેણે આખા દેશની માંફી માંગવી જોઈએ. ખરેખર સુપ્રીમ કોર્ટ દ્વારા આ કડક વલણ થોડા સમય પહેલા જ લઈ લેવાવું જોઈતું હતું. નુપુર શર્મા એકમાત્ર એવી વ્યક્તિ નથી કે જે પોતાના નિવેદનથી તોફાન ઊભું કરી રહી છે. નુપુર શર્મા જેવા અનેક નેતાઓ છે કે જે રાજકીય લાભ માટે ભડકાઉ નિવેદનો કરે છે. આવા નેતાઓમાં હિન્દુની સાથે મુસ્લિમ નેતાઓનો પણ સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટએ જે રીતે નુપુર શર્માને ફટકાર લગાવી છે તે જોઈને હવે આ નેતાઓ સુધરે તો સારું. ક્યારેય કોઈ કોમ કે જાતિ ખરાબ હોતી નથી. જે તે કોમ કે જાતિમાં માત્ર જે તે વ્યક્તિઓ જ ખરાબ હોય છે. આ કારણે આખી કોમ પર આક્ષેપો કરવા તે કોઈપણ રીતે હિન્દુ કે મુસ્લિમ નેતાઓ માટે યોગ્ય નથી. સુપ્રીમ કોર્ટએ આ લપડાક સાથે આવા તમામ નિવેદનીયા નેતાઓને એક કડક મેસેજ પણ આપી દીધો છે.
ભાજપની નેતા નુપુર શર્માએ મોહમ્મદ પયંગબર પર ટિપ્પણી કરી હતી. આ વિવાદને પગલે ભાજપે પણ નુપુર શર્માથી છેડો ફાડી નાખીને તેને સસ્પેન્ડ કરી દીધી હતી. ભાજપે પડતી મુકી દીધા બાદ નુપુર શર્મા માટે સ્થિતિ કફોડી થઈ ગઈ હતી. નુપુર શર્માને ધમકીઓ પણ મળતી થઈ ગઈ હતી અને નુપુર શર્માના સમર્થનમાં પોસ્ટ મુકવાને કારણે રાજસ્થાનમાં એક હિન્દુ દરજીની બે મુસ્લિમ યુવાનો દ્વારા હત્યા પણ કરી દેવામાં આવી હતી. નુપુર શર્મા સામે અનેક કેસ નોંધાતા તેણે સુપ્રીમ કોર્ટમાં એવી અરજી કરી હતી કે તે દેશના અલગ અલગ ભાગોમાં જઈ શકે તેમ નથી. જેથી તેની સામેના તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરી દેવામાં આવે. સુપ્રીમ કોર્ટએ નુપુર શર્માની આ અરજી પર તેને કોઈ રાહત આપી નથી પરંતુ ઉલ્ટું તેની વિરૂદ્ધમાં કડક ટિપ્પણી કરીને તેને દેશની માફી માંગવા માટે કહ્યું છે.
સુપ્રીમ કોર્ટએ ત્યાં સુધી કહ્યું કે, નુપુર શર્માના એક નિવેદનને કારણે દેશમાં વાતાવરણ બગડી ગયું છે. એટલું જ નહીં, કોર્ટે એવું પણ કહ્યું કે, નુપુર શર્માએ માફી માંગવામાં વિલંબ કર્યો અને તેને કારણે દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ બની છે. આ સમગ્ર વિવાદ ટીવી ડિબેટથી ફેલાયો અને આ કારણે જ નુપુર શર્માએ આખા દેશની માફી માંગવી જોઈએ. સુપ્રીમ કોર્ટએ આ મામલે દિલ્હી પોલીસને પણ આડેહાથ લીધી હતી અને તેના વલણ પર સવાલો ઉઠાવી એવું કહ્યું હતું કે, નુપુર શર્મા સામે અનેક કેસ નોંધાયા છતાં પણ તેની ધરપકડ કેમ થતી નથી? સુપ્રીમ કોર્ટએ કહ્યું કે, નુપુર શર્માને કોઈથી ખતરો નથી પરંતુ નુપુર શર્માના નિવેદનો દેશ માટે ખતરો બની ગયા છે. કોઈપણ પક્ષના પ્રવકતા હોવ તો તેનો એવો કોઈ જ મતલબ નથી કે તમારા વતી કંઈ બોલવું જોઈએ. નુપુર શર્માએ અને તેની ભાષાએ આખા દેશમાં આગ લગાડી દીધી છે અને લોકોનો ગુસ્સો પણ તેને કારણે જ છે.
સુપ્રીમ કોર્ટએ ત્યાં સુધી કહ્યું કે, નુપુર શર્માની ટિપ્પણી ક્યાં તો પ્રસિદ્ધિ મેળવવાનો એક અશ્લિલ પ્રયાસ હતો. તેનો રાજકીય એજન્ડા પણ હતો અથવા તો આ ટિપ્પણી કેટલીક નાપાક પ્રવૃત્તિઓ માટે કરવામાં આવી છે. નુપુર શર્મા એક પાર્ટીની પ્રવક્તા હોવાથી સત્તાનો નશો તેના મગજમાં પહોંચી ગયો છે. આ લોકો અન્ય ધર્મોનું સન્માન કરતાં નથી. અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અર્થ કંઈપણ કહેવાનો નથી. સુપ્રીમ કોર્ટએ નુપુર શર્માની જે ઝાટકણી કાઢી છે તે આજના સમયમાં યોગ્ય જ છે પરંતુ સાથે સાથે સુપ્રીમ કોર્ટ દ્વારા આવા જેટલા પણ વિવાદી નિવેદન કરતાં નેતાઓ છે તે તમામની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવા આદેશો કરવામાં આવે તે પણ જરૂરી છે. એકના વિવાદી કોમ્યુનલ નિવેદનની સામે બીજાનું નિવેદનથી દેશના માહોલ બગડે જ છે અને તે દેશને મોટું નુકસાન કરે છે. સુપ્રીમ કોર્ટના આ કડક વલણ બાદ નેતાઓ સમજે તો સારૂં છે અન્યથા દેશ ધીરેધીરે અધોગતિના માર્ગે જશે તે નક્કી છે.