અમેરિકામાં સહશિક્ષણ ન આપતી હોય તેવી શાળાઓની સંખ્યા કેમ વધી રહી છે?

અમેરિકાની સ્કૂલોમાં છોકરાઓ અને છોકરીઓની કેળવણી અલગ અલગ ક્લાસોમાં કરાવવાની મોટી ઝુંબેશ શરૂ થઇ છે. આ ઝુંબેશને આગળ વધારવા માટે ‘નેશનલ એસોસિયેશન ઓફ સિંગલ સેક્સ  પબ્લિક એડ્યુકેશન’ નામની સંસ્થાની સ્થાપના પણ કરવામાં આવી છે.

અમેરિકામાં સહશિક્ષણ ન આપતી હોય તેવી શાળાઓની સંખ્યા કેમ વધી રહી છે?

આ સંસ્થાના પ્રયાસોને કારણે અમેરિકામાં માત્ર છોકરાઓને કે છોકરીઓને જ કેળવણી આપતી સ્કૂલોની સંખ્યા જે ઇ.સ. ૧૯૯૮માં ચાર ઉપર હતી તે આજે વધીને ૨૨૩ ઉપર પહોંચી ગઇ છે. આ ઝુંબેશના પ્રણેતાઓ હવે અમેરિકામાં સહશિક્ષણ બાબતના કાયદાઓમાં પરિવર્તનની માંગણી કરી રહ્યા છે. સરકાર કાયદા બદલવા તૈયાર થઇ ગઇ છે.

સહશિક્ષણના વિરોધીઓ કહે છે કે કુદરતે સ્ત્રી અને પુરૂષની રચના અલગ અલગ રીતે કરી છે. તેઓ કોઇ પણ વિષયમાં અલગ અલગ પ્રકારની રુચિ ધરાવતા હોય છે. કોઇ પણ વિષય ભણવાની તેમની પદ્ધતિમાં પણ ભિન્નતા હોય છે.

જો છોકરાઓને અને છોકરીઓને અલગ અલગ જૂથમાં ભણાવવામાં આવે તો તેમની એકાગ્રતા વધે છે અને વર્ગમાં તેમની વર્તણૂકમાં પણ સુધારો થાય છે. આ વાત પ્રયોગો દ્વારા સાબિત થયેલી છે. આ કારણે કેટલીક સ્કૂલો પોતાનું પરિણામ સુધારવા માટે પણ છોકરાઓ અને છોકરીઓ માટે અલગ વર્ગો ઊભા કરી રહી છે.

તેને કારણે અમેરિકાના વાલીઓ પણ ખુશ છે. અમેરિકામાં છોકરાઓ અને છોકરીઓને અલગ વર્ગમાં શિક્ષણ આપવાના હિમાયતીઓ વૈજ્ઞાનિક સમજૂતી આપતાં કહે છે કે છોકરીઓને વસ્તુના રંગમાં અને તેની ઝીણી વિગતોમાં વધુ રસ પડે છે. તેની સરખામણીએ છોકરાઓને વસ્તુની ગતિમાં અને દિશામાં વધુ રસ પડે છે.

જો શિક્ષક આ હકીકતનો સ્વીકાર ન કરે અને છોકરાઓ તેમ જ છોકરીઓને એક જ સરખી વિગતો ભણાવવાની કોશિષ કરે તો તેનાથી બંન્નેને નુકસાન થાય છે. તેના બદલે છોકરાઓ અને છોકરીઓને અલગ અલગ વર્ગમાં અલગ અલગ રીતે ભણાવવામાં આવે તો તેનાથી બંન્નેને ફાયદો થાય છે.

         સેન્ટ્રલ ફ્લોરિડાની એક સ્કૂલના ચોથા ધોરણમાં ગયાં વર્ષે વિદ્યાર્થીઓને સહશિક્ષણ કે અલગ શિક્ષણ વચ્ચે પસંદગી કરવાની તક આપવામાં આવી હતી. વર્ષના અંતે બંન્ને પ્રકારના વર્ગોમાં ભણનારા વિદ્યાર્થીઓના દેખાવની ચકાસણી કરવામાં આવી હતી.

વૂડવર્ડ સ્કૂલના સહશિક્ષણ ધરાવતા વર્ગમાં ૫૭ ટકા છોકરીઓ અને ૩૭ ટકા છોકરાઓ લેખિત પરીક્ષામાં પાસ થયા હતા. તેની સરખામણીએ જે વર્ગમાં છોકરાઓ અને છોકરીઓ અલગ ભણતા હતા તે પૈકી ૭૫ ટકા છોકરીઓ અને ૮૬ ટકા છોકરાઓ લેખિત પરીક્ષામાં પાસ થયા હતા.

અમેરિકામાં સહશિક્ષણ ન આપતી હોય તેવી શાળાઓની સંખ્યા કેમ વધી રહી છે?

છોકરાઓના પાસ થવાના પ્રમાણમાં બમણા કરતાં વધુ વધારો જોવા મળ્યો હતો. તેના ઉપરથી કહી શકાય કે સહશિક્ષણને કારણે છોકરીઓને જેટલું નુકસાન થાય છે, તેના કરતાં વધુ નુકસાન છોકરાઓને થાય છે.

         આપણા દેશમાં સહશિક્ષણનો વિચાર પશ્ચિમના દેશોના આંધળા અનુકરણમાંથી જ આવ્યો હતો. ભારતની પ્રાચીન ગુરુકુળ પદ્ધતિમાં વિદ્યાર્થી અવસ્થાને બ્રહ્મચર્યાશ્રમ તરીકે ઓળખવામાં આવતી હતી. જિંદગીનાં પહેલાં પચ્ચીસ વર્ષ દરેક વિદ્યાર્થીઓ ગુરુના આશ્રમમાં જઇને ભણતા. આપણે ત્યાં કન્યાઓને બધું જ શિક્ષણ ઘરના સુરક્ષિત વાતાવરણમાં જ આપવામાં આવતું હતું.

વળી છોકરાઓને જે વિષયો ભણાવવામાં આવતા હતા તેના કરતાં અલગ જ વિષયો કન્યાઓને તેમની સામાજિક ભૂમિકા અને આવશ્યકતા મુજબ ભણાવવામાં આવતા હતા. આ કારણે શિક્ષણની સંસ્થાઓમાં માત્ર છોકરાઓ જ જોવા મળતા હતા. ભારતની કોલેજોમાં જે ધસારો જોવા મળે છે તે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવાની ભૂખ વધી રહી છે, તેના કારણે છે, તેવી ભૂલ કરવાની કોઇ જરૂર નથી.

કોલેજમાં જતાં બહુમતી યુવકયુવતીઓ વિજાતીય તત્ત્વો સાથે મોજમસ્તી કરવા અને લાઇફને એન્જોય કરવા માટે જ કોલેજમાં જતા હોય છે. કોલેજોમાં જો સહશિક્ષણની પ્રથા બંધ કરી દેવામાં આવે તો ખરેખર કેટલા વિદ્યાર્થીઓ કોલેજમાં પ્રવેશ મેળવવા પડાપડી કરે છે તેનો ખ્યાલ આવે.

         સહશિક્ષણના વિરોધીઓ કહે છે કે સ્ત્રી અને પુરૂષ વચ્ચે જે ભેદ છે તે કુદરતી છે અને ન મિટાવી શકાય તેવો છે. તેનો ઇનકાર કરવાને બદલે સ્વીકાર કરીને જ સ્ત્રી અને પુરૂષને અલગ અલગ રીતે શિક્ષણ આપવામાં ડહાપણ છે, એમ તેઓ કહે છે. આ કારણે જ તેઓ અમેરિકાના શિક્ષણવિષયક કાયદાઓમાં ફેરફાર કરવાની ઝુંબેશ ચલાવી રહ્યા છે. અમેરિકાની સરકારને તેમની આ ઝુંબેશમાં સત્ય જણાયું હોવાથી તે કાયદામાં ફેરફાર કરવા તૈયાર પણ થઇ ગઇ છે. ટૂંક સમયમાં અમેરિકાનું શિક્ષણ ખાતું ‘ટાઇટલ નાઇન’ તરીકે ઓળખાતા કાયદામાં પરિવર્તન કરવાનું છે.

         ભારતની વાત કરીએ તો સ્ત્રી અને પુરૂષ વચ્ચે કુદરતે જે ભિન્નતા રાખી છે તે ઉપરાંત આપણી સમાજરચનામાં પણ સ્ત્રી અને પુરૂષને અલગ અલગ જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ મુજબ પુરૂષનું કાર્ય અર્થોપાર્જન કરવાનું અને બહારના બધા વ્યવહારો સંભાળવાનું છે. તેની સામે સ્ત્રીને ઘરની સારસંભાળ કરવાની, બાળકોનો ઉછેર કરવાની અને વડીલોની કાળજી રાખવાની જવાબદારી સોંપવામાં આવી છે.

આધુનિક શિક્ષણના ઢાંચામાં સ્ત્રીને અને પુરૂષને એક જ પ્રકારનું શિક્ષણ આપવામાં આવે છે તેને કારણે આજે અનેક સામાજિક વિષમતાઓ પેદા થઇ છે. આજે સ્ત્રીઓ પણ નોકરીલક્ષી શિક્ષણ લેતી થઇ તેને કારણે પૈસા કમાવાની જવાબદારી સ્ત્રીના માથે આવી પડી છે. આ જવાબદારી સંભાળવા છતાં સ્ત્રીને ગૃહકાર્ય તેમ જ બાળઉછેરની જવાબદારી તો નિભાવવી જ પડે છે. આ રીતે નોકરી કરતી સ્ત્રીઓ બેવડા બોજા નીચે કચડાઇ જાય છે.

            આજે સ્ત્રીઓમાં ડિપ્રેશન જેવી માનસિક બીમારીઓ વધી ગઇ છે, તેનું મુખ્ય કારણ સ્ત્રીને આપવામાં આવેલી બેવડી જવાબદારી છે. સ્ત્રીએ જો પોતાની સામાજિક ભૂમિકાને અનુરૂપ પાકશાસ્ત્ર, બાળઉછેર, ગીત, સંગીત, નૃત્ય, શૃંગારશાસ્ત્ર વિગેરેનું જ શિક્ષણ હાંસલ કર્યું હોય તો તેના માથે પૈસા કમાવાનો બોજો ન આવે અને તેણે બેવડા બોજા હેઠળ કચડાવું ન પડે. પુરૂષો માટેનું શિક્ષણ પુરૂષોની સાથે લઇને સ્ત્રીઓ સરવાળે તો દુ:ખી જ થઇ છે.

આપણે ત્યાં સ્ત્રીઓ માટે અલાયદી કોલેજો અને યુનિવર્સિટીની રચના થઇ છે પણ ત્યાં એકાદ વિષયને બાદ કરતાં પુરૂષોને અપાતું શિક્ષણ જ આપવામાં આવે છે. સ્ત્રીની સામાજિક ભૂમિકામાં તેને મદદ કરતું શિક્ષણ આપવામાં આવે તો જ આ મહિલા યુનિવર્સિટીઓ સાર્થક બની કહેવાય. આપણા દેશમાં પ્રાચીન કાળમાં સ્ત્રીઓને કોઇ કેળવણી આપવામાં નહોતી આવતી અને અભણ જ રાખવામાં આવતી હતી તે દલીલ સ્ત્રીઓને ગેરમાર્ગે દોરનારી છે.

આપણા દેશમાં પુરૂષોને જે રીતે ૭૨ કળાઓનું શિક્ષણ આપવામાં આવતું હતું તેમ સ્ત્રીઓને પણ ૬૪ કળાઓ શીખવવામાં આવતી હતી. આ ૬૪ કળાઓમાં સ્વસ્થ જીવન જીવવા માટેની તમામ કળાઓનો સમાવેશ થઇ જતો હતો.

આ કળાઓ દ્વારા સ્ત્રી પોતાના સમગ્ર પરિવારની યોગ્ય રીતે સારસંભાળ લઇ શકતી હતી અને પોતાના વ્યક્તિત્વનો વિકાસ પણ કરી શકતી હતી. આજની કોલેજોમાં ભણતી યુવતીઓ આ ૬૪ કળાઓ પૈકી ભાગ્યે જ બે-ચાર કળાઓનું શિક્ષણ પ્રાપ્ત કરી શકતી હશે. આ રીતે તેણે હકીકતમાં જે શિક્ષણ મેળવવું જોઇએ, તેનાથી તો તે વંચિત રહી જાય છે.

Related Posts