Comments

આ વખતની લોકસભાની ચૂંટણીમાં કોઇ વિપક્ષનો ગજ વાગશે નહીં

18મી લોકસભાની ચૂંટણી સાવ સામે છે. અત્યારની લોકસભાનો કાર્યકાળ 16મી જૂને પૂરો થશે. એપ્રિલ અને મે વચ્ચે ચૂંટણી યોજાવાની શકયતા છે. 543 બેઠકોવાળી આ લોકસભા ચૂંટણી સામે તો છે પણ લાગે છે કે ભાજપ અને તેના એન.ડી.એ.ના પક્ષો સિવાય કોઇ વિપક્ષમાં જીતનો ઉત્સાહ નથી. રાહુલ ગાંધી આખા દેશમાં ફરે છે પણ એમ મોઢા દેખાડવાથી કોંગ્રેસમાં નવું બળ ઉમેરી શકે તેમ નથી. કોંગ્રેસ પાસે અત્યારે તો સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ હોય એવું જણાતું નથી. નરેન્દ્ર મોદી રાજકારણને એ દિશામાં લઇ ગયા છે કે જેમાં વિપક્ષો માટે કોઇ જગ્યા જ બચી નથી.

અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્‌ઘાટન પોતે અનેક અર્થમાં ‘ભારત જોડો’ આંદોલન પુરવાર થયું છે ત્યારે રાહુલ ગાંધી પોતાના માટે કઇ જગ્યા ઊભી કરશે? હકીકતે તો સ્વતંત્રતા આંદોલન પછી એવું પહેલી વાર બન્યું છે કે વિપક્ષ પાસે ચૂંટણી લડવાના કોઇ મુદ્દા જ નથી. આમ તો ઇન્દિરા ગાંધીના મૃત્યુ પછી ધીરે ધીરે બધા જ પક્ષો રાજકીય સિધ્ધાંતોથી પોતાની ખાસ વિચારસરણીથી દૂર થતા ગયા હતા. સત્તા માટે સમાધાન દરેક પક્ષોએ અપનાવ્યા પછી અત્યારની દશા ઊભી થવાની જ હતી. વડા પ્રધાન મોદી વડે એવા રાજકારણનો ઉદય થયો, જેમાં પ્રજામતના ભાવ ભળેલા હતા. નહેરુજીએ બિનસાંપ્રદાયિકતાના તીવ્ર આગ્રહમાં જે ધર્મનિરપેક્ષતા ઊભી કરેલી તેમાં હિન્દુ અને હિન્દુમન થવાતું હતું.

ભારતનું રાજકારણ માત્ર ગરીબી હટાવો, ભ્રષ્ટાચાર હટાવો, વ્યવસ્થા લાવો અને સામાજિક ન્યાય આધારે નથી ચાલતું. ભારત એક પુરાતન સંસ્કૃતિ અને જીવનદર્શન ધરાવતો દેશ છે. તેની રાષ્ટ્રીય અસ્મિતાનું પણ મહત્ત્વ છે. કોંગ્રેસ વર્ષો સુધી આ ન સમજી. તેમને કદાચ એવો ખ્યાલ જ નહોતો કે ભાજપનો અને ભાજપની હિન્દુવાદી રાજનીતિનો ઉદય થશે. થયો ત્યારે તેઓ અચાનક દિશાહીન થઇ ગયા. સોનિયા ગાંધી તો પોતાને હિન્દુ જાહેર કરી શકે એમ નથી પણ રાહુલ ગાંધી હવે મંદિરોમાં જાય છે અને ત્યાં પૂજા કરતા હોય એવા ફોટોગ્રાફસ અખબારોમાં આપે છે. પણ સહુ જાણે છે કે આ તો લોકોના મનમાં એક પ્રકારનો સમાધાન ભાવ રચવાનો પ્રયત્ન છે.

2024ની ચૂંટણીમાં અત્યારથી સ્પષ્ટ છે કે ઉત્તરપ્રદેશમાં ભાજપ સિવાય કોઇ પક્ષનો ગજ વાગવાનો નથી. અખિલેશ યાદવ અને માયાવતી નિસ્તેજ જણાઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં હવે શરદ પવારના એનસીપીનો સમય પૂરો થયો છે. ભાજપે આ ત્રણ વર્ષમાં શિવસેના સામે શિવસેનાને જ તોડી પોતાને માફક આવે એવી શિવસેના ઊભી કરી જેમાં બાળાસાહેબ ઠાકરેના આગળ વધતા વંશવાદનો છેદ ઊડી ગયો છે. બસ એ જ રીતે શરદ પવારના એનસીપીને સ્થાને શરદ પવારને બાદ કરીને નવી એનસીપી ઊભી કરી દીધી છે.

આ બંને પક્ષો ભાજપના શરણે છે. ભાજપ હંમેશ આવનારા સમયની સત્તાની લડાઇની યોજના બનાવીને ચાલે છે. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ રાષ્ટ્રીય પક્ષ બનવાની હોંશ ધરાવતા હતા પણ હમણાં તો દિલ્હીની સત્તા સંભાળવાનાં ય પ્રશ્નો ઊભા થયા છે. ભાજપ પોતાના વિરોધીઓને સતત નજરમાં રાખે છે. પોતાની પાસે સત્તા છે એટલે જે સરકારી સંસ્થા અને તંત્રનો ઉપયોગ વિપક્ષ સામે કરવો હોય તો ધારે તે રીતે કરે છે. તેઓને અખબારો યા ટી.વી. ન્યૂસ ચેનલોની ટીકાની પડી નથી. કારણ કે એવી ટીકા કરે એવું ત્યાં રહ્યું નથી. તમે એમ કહી શકો કે રહેવા દેવાયું નથી.

વિત્યા દશ વર્ષમાં નહીં તેટલા મોટા રાજકીય પરિવર્તન આ પાંચ વર્ષમાં આવ્યા છે અને તે એટલા વ્યાપક અને સાહસી છે કે વિપક્ષો મુદ્દા વિનાના બની ગયા છે. જમ્મુ-કાશ્મીરના રાજકારણમાં આર્ટિકલ 370 હટાવ્યા પછી જે પરિવર્તન આવ્યું તેમાં ત્યાં વર્ષોથી જે પ્રકારનું રાજકારણ ચાલતું હતું અને કેટલાક રાજનેતા અને પક્ષો તે ચલાવતા હતા તેનાં  મૂળિયાં સાવ ઉખડી ગયાં છે. આઝાદી આજ સુધીમાં આવું કયારેય બન્યું ન હતું. સ્વતંત્રતા પછી જે બંધારણ અપનાવાયું હતું તેમાં તે વખતે સ્વતંત્રતા આંદોલન અને દેશના ભાગલાનો પ્રભાવ ખૂબ હતો. પણ હવે આ દેશ તેને 75 વર્ષ પાર કરી ચૂકયો છે. ત્યારે જે મુદ્દા હોય તે આજે ન પણ હોય અને તે વખતે દેશ અને તેના લોકો વિશે બંધારણવિદોએ જે ધારણા બાંધી હોય તે ધારણા હવે ન પણ રહી હોય અથવા તેમાં મોટા પરિવર્તન આવ્યાં હોય.

રાષ્ટ્ર છે તો તેમાં પરિવર્તન થતાં રહેતાં હોય છે તો બંધારણમાં પણ જરૂરી પરિવર્તન આવી શકે. ભારતમાં અત્યારે નવી ચહલપહલ વર્તાઈ રહી છે અને લોકો પણ નવી રીતે વિચારતા થયા છે. વિપક્ષો એટલે જ ધૂંધવાયેલા છે કે આ પરિવર્તિત સમયમાં કયા મુદ્દે પોતાને લોકોની પાસે લઇ જાય. હવે તો પ્રાદેશિકવાદના મુદ્દાપણ ફકત દક્ષિણનાં રાજયો સિવાય કામ કરતાં લાગતાં નથી. મમતા બેનરજી ચુસ્ત નેતૃત્વ સાથે પ્રદેશવાદનું મિશ્રણ કરે છે એટલે તે હજુ પણ વિજયી છે. ભાજપને થતું હશે કે આ એક જ રાજય છે જયાં તેમના કોઇ પ્રયત્ન ચાલતા નથી. શું અયોધ્યા રામ મંદિરના ઉદ્‌ઘાટને જે રાષ્ટ્રવ્યાપક અસર ઊભી કરી છે તે બંગાળના નાગરિકોના મતને બદલશે?

ભાજપે લોકસભા ચૂંટણી પહેલાં તેમની રાજનીતિના મુદ્દા ચિહ્ન રૂપે ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની પ્રક્રિયા લગભગ પૂરી કરી દીધી છે. આ યુનિફોર્મ સિવિલ કોડની જો ઉત્તરપ્રદેશ યા પશ્ચિમ બંગાળમાં અજમાયશ થઇ હોત તો મોટો પ્રતિકાર થાત પણ ભાજપ ખૂબ વ્યૂહાત્મક રીતે આગળ વધે છે. ઉત્તરાખંડમાં આ યુનિફોર્મ સિવીલ કોડ અપનાવાયા પછી બીજાં રાજયોમાં પણ આગળ વધશે અને તેનો વ્યાપ છેવટ દેશવ્યાપક બની જશે.

યુનિફોર્મ સિવિલ કોડ ભાજપના એજન્ડામાં શરૂથી જ હતો અને તેઓ પોતાના એજન્ડામાં પાછી પાની કરતા નથી. મૂળ વાત એ છે કે ભાજપના રાજકારણે દેશના કોઇ વિપક્ષ પાસે મુદ્દા રહેવા નથી દીધા અને વડા પ્રધાન મોદીનો પ્રતિકાર કરી શકે એવો કોઇ નેતા નથી. નીતીશકુમાર કે જે વડા પ્રધાનપદની મહત્ત્વાકાંક્ષા ધરાવતા હતા તે પણ હવે તો ઇન્ડિયા ગઠબંધનના ભાગ નથી રહ્યા. લોકસભાની ચૂંટણી પહેલાં ‘ઇન્ડિયા’માં કેટલા પક્ષ હશે તે સવાલ છે. વિપક્ષનું સંગઠન અત્યારે શકય જ નથી. આમાં પેલા રાહુલ ગાંધી સાવ ઠાલા લાગી રહ્યા છે. આવી રહેલી લોકસભાની ચૂંટણી સાગમટે અનેક વિપક્ષોના નિસ્તેજપણાને સાબિત કરશે.
 જૂહી એચ. ભગત   – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top