આપણા વ્યસ્ત સમયમાં થોડું હાસ્ય ‘‘ મેરો દરદ ન જાને કોઈ…!’’

“ એના કપાળમાં કાંદા ફોડું, આ બેઅક્ષરી ચીનડુ તો કમાલ કરવા બેઠું છે યાર? હિન્દુસ્તાન બાજુ જ મોંઢું રાખીને સૂવે કે શું.. આકાશને તો તિથિ તોરણે ગ્રહણ નડે, આ તો કાયમનું ગ્રહણ.. બે વાર સાલું અથડાયું, એક વાર ૧૯૬૨ માં ને હવે હમણાં ધૂણવા બેઠું. ખબર છે કે, આપણા નાક ભગવાને ગીરવે લઈને જ ચીન(China) મોકલેલા, છતાં ઉધરસ ખાવાનું બંધ કરતા નથી. ૧૯૬૨ માં ભલે ‘હિંદી-ચીની ભાઈ-ભાઈ’ ના રેશમી નારામાં ભારત(India) પલળેલું, પણ આ તો ‘ટ્વેન્ટી-ટવેન્ટી’ નું વર્ષ. એમાં હિંદી-ચીની ભાઈ-ભાઈ નહિ, ધાંઈ.ધાંઈ અ આવે.. કોઈ તારા ડાબા ગાલ ઉપર તમાચો મારે તો એને જમણો ગાલ ધરવાની પંચશીલ નીતિમાં, અહિંસા પરમો ધર્મના અમારા મીઠાં મૂળિયાં ચાવી ગયા. સ્વાભાવિક છે કે, ચીની આંખવાળા(Chinese-eye) પાસે દીર્ઘદ્રષ્ટિની અપેક્ષા નહિ રખાય ને મગજ તો દેખાય જ નહિ.

દેખાવડા જ એટલા કે, મગજ જોવા જઈએ કે એમને? એટલે માત્ર કલ્પના જ કરવાની કે હશે કે નહિ.. ‘બ્રોડ-મગજ’ વાળા કહેવાનું પણ સાહસ નહિ થાય. પેલે દિવસે અમદાવાદના રીવરફ્રન્ટ ઉપર હિંચકે ઝૂલતા-ઝૂલતા જીનપીંગને ચા સાથે ફાફડા ખવડાવેલા, ને તેની સાથે જ ખપ્પરના ખેલ ખેલવા બેઠું? ઘેલી ગુજરાતમાં તો કહેવત છે કે, જેનો રોટલો ખાધો હોય, એનો ઓટલો નહિ ખોદાય. ને આ જાલીમે અમુક સૈનિકોના ઘરના મોભ ભાંગી નાંખ્યા.. અગન તો એવી બળે કે, ચીની સામે મળે તો, એની આંખની સાઈઝ જ મોટી કરી નાંખીએ. બાય ધ વે કુદરતે આપેલી ડીઝાઈનમાં ભાંગફોડ કે રીનોવેશન કરવાનો આપણને કોઈ અધિકાર નથી, એટલે કરીએ શું? પણ, ખુન્નસ ચઢે યાર?

ફૂંફાડા મારતા ડ્રેગનને હવે વધારે દૂધ નહિ પીવડાવાય. એને આડા જ પાડી દેવાય.. એ જીનપીંગ છે, તો આપણા કાને એરિંગ નથી. આપણે પણ કોબ્રા કિંગ છીએ. ચાઇનીશ ફૂડ નહિ મળે તો, છોલે-ભઠોરા ખાઈશું, છોલેલા બટાકા ખાઈને ગેસના બુલા જેવા બનીશું, પણ આપણી ગાંધીગીરી આગળ એની ચાઈનાગીરી તો સહન નહિ જ થાય. યે સાલા ચીન હૈ, તો હમારા ઇન્ડિયા પ્રાચીન હૈ. ગમ ખાવા માટે મગ ખાવા પડે તો મગ ખાઈએ. પણ એમની માફક નહિ કે, જે આવે તે ખપે ને પેટને કબ્રસ્તાન બનાવીએ. આપણે તો સાલા અથાણામાં પણ ચામાચિડિયું નથી ખાતાં. આ લોકો તો એવી એવી ‘આઈટમ’ ઠપકારે કે, નામ સાંભળીને જ ઉલટીઓ થવા માંડે.

આમ તો આ બંદાએ ચાઈનાને નકશામાં પણ જોયું નથી. ચાઈનાના ચ ની પણ એને ખબર નથી. આ તો સાંભળેલી વાતનું પુન: પ્રસારણ કરું છું દાદૂ.. કદાચ ખોટું પણ હોઈ શકે. બાકી એક વાત તો નક્કી, કે મારું ઉપડે તો આ બારાખડીમાંથી ચ ના મૂળાક્ષરને કાઢીને ચાઈનાને જ પકડાવી દઉં. આમ પણ આખી બારાખડીમાંથી માત્ર ચ મૂળાક્ષરનું જ આ લોકો કચુંબર વધારે કરે. ચ મૂળાક્ષર ગામની ભાભી હોય, એમ નામ-કામ-ઠામ અને ખોરાકમાં પણ ચ નું જ ધનોતપનોત કાઢે.. ચાઈનાએ હેરાન-હેરાન કરી દીધા છે દાદૂ.. જાણીએ છીએ કે, આપણે એને વેવાઈ બનાવવાના નથી. પણ, આ તો એક ખુન્નસી આક્રોશ..”

એક વાતની ચોખવટ કરી લઉં કે, ઉપર વર્ણવેલી બધી વાત મારી નથી. મારા પરમ મિત્ર ચમનીયાની છે. ચમનીયો એટલે, જેટલો બહારથી ભારતીય એટલો અંદરથી ચાઇનીશ. એની આંખ મોટી, પણ ટેસ્ટ ચાઈના જેવો.. ચાઇનીશ ડાઈનીંગ ટેબલ ઉપર ચાઇનીશ (નાઈફ-ફોર્ક) છરીકાંટાથી મંચુરિયમ અને ચાઇનીશ કોકરીમાં ચાહનો ઘૂંટડો ઠોકતા-ઠોકતા ચમનીયો આ બધું બોલી તો ગયો, પણ ચાઇનીશ હવા સિવાય બરમુડો બધું જ ચાઇનીશ વાપરે.. એવું તો માનતા જ નહિ કે, વ્યાસપીઠ ઉપરથી માત્ર બાપુઓ જ ડાહી-ડાહી વાતો કરે છે. કેટલાક લેભાગુઓ તો બાપુઓને પણ ટપી જાય.. એમના ચલણી સિક્કામાં એક બાજુ શ્રી રામની છાપ હોય, ને બીજી બાજુ રાવણની. તક જોઇને બેઉ બાજુ ઢોલકી વગાડે. એમ ચમનીયો પણ ચીનાના ખભા ઉપર માથું રાખીને, ચાઇનીશ માલનો બહિષ્કાર કરવા નારો તો લગાવે, બાકી એના મોજશોખનો પારો તો ચાઈનીશનો.. પણ કહેવાય છે ને કે, રક્તદાનમાં જેના લોહીનું એક ટીપું પણ જમા ના થયું હોય, એ જ દેશદાઝના રણશિંગા પણ વધારે ફૂંકે.. મંચુરિયમના તો એવાં બંધાણી કે, રહેવામાં ભારત ને ખાવામાં ચાઇનીશ ફૂડ.. એના કપાળમાં કાંદા ફોડું, ચોખાના પૂડા ખાતાં તો જાણે એનો જન્મારો લાજે.

ચાઈનીશને કોણ સમજાવે કે, ભારતીઓની આંખ પણ મોટી ને, દ્રષ્ટિ પણ મોટી. એના ભેજાને ભલે ચકલીનું ભેજું માનતા હોય, પણ એમાં ફળદ્રુપતા વધારે.. કોરોનાનો આદર પણ કરીનાકપૂર જેટલો જ કરે. યાદ છે ને થાળીઓ ઠોકેલી.. પણ મુદ્દાની વાત એ બની કે, ચમનીયાનો જયેષ્ઠ પુત્ર શ્રીશ્રી ભગાએ તો, ‘ઘરમાં કાશી ને ઘરમાં મથુરા’ વસાવવાને બદલે આખા ઘરને ‘ચાઇનીશ મ્યુઝીયમ’ બનાવી દીધેલું. ત્યાં સુધી કે, શ્રીશ્રી ભગો ચીનણને ઘરની વહુ બનાવવાનો પેંતરો રચીને બેઠેલો. આ બાતમી મળી ત્યારથી ચમનીયાની હવા નીકળી ગઈ. લોન્ડ્રીમાં કપડાં લેવા મોકલીએ, ને છોકરો કપડાં સાથે કોઈનું દિલ લેતો આવે, એમ શ્રીશ્રી ભગો, એક દિવસ વિદેશી મહેમાનને મૂકવા એરપોર્ટ ઉપર ગયેલો, ને એક ચીનણ સાથે ઈન્સ્ટન્ટ લવ કરીને આવ્યો.

મહેમાન તો મૂકી આવ્યો, પણ એક ચીનણના દિલમાં એનું દિલ પણ જમા કરતો આવ્યો. ક્યાં સૂરણની ગડી જેવો શ્રીશ્રી ભગો, ને ક્યાં પેલી સક્કરટેટી જેવી ચીનણ? પછી તો બંનેએ એરપોર્ટ છોડ્યા, પણ એકબીજાનાં દિલ નહિ છોડ્યાં.. ચાઈનાથી ભારત ને ભારતથી ચાઈનાના હવાઈપ્રેમ શરૂ થયા. એમાં કોરોના ફાટ્યો ને ચાઈનાની બૂમ પડી ગઈ. બંને ‘લવ- કોરોન્ટાઇન’ થઇ ગયાં.. શ્રીશ્રી ભગાને આજે ચાઇનીશ ફુડની રેંકડીમાં પણ પેલી ચીનણ દેખાય છે. કોણ એને સમજાવે કે, ચાઇનીશ માલની માફક ચાઇનીશ લવ પણ તકલાદી હોય.. ચાલે તો ચાંદ તક, નહિ તો પાદર તક.. બંનેના બ્લડ-પ્રેશરે ઉચ્ચ-નીચના ભેદ છોડી દીધા. ક્યાં તો પ્રેશર ઊંચું જાય, ક્યાં તો નીચે ગબડી પડે. ચાઈનાની દિશામાં ઓશીકું નાંખીને સૂવા છતાં, ઊંઘ હરામ થઇ ગઈ. જંગલી બાવળિયામાંથી નીરો કાઢવાના સાહસ તે વળી કરાય? પછી તો ખાંડને હિન્દીમાં ચીની કહેવાય એવી ખબર પડી ત્યારથી શ્રીશ્રી ભગાએ ચહામાં ડબલ ચીની નાંખવાની શરૂ કરી. એવો વેવલો થઇ ગયો કે, હજી પણ ઉકરડે ચઢીને ચાંદને પૂછે છે, તને ક્યાંક મારી ચીનણ દેખાય છે ખરી?

ઉમ્ર તો નહિ ઈશ્ક કરનેકી, બસ એક ચહેરા દેખા ઔર જવાં હો ગયે.. ( તાળીઓ તો પાડો યાર?) પ્રેમરસનો વાયરસ ભલે ચેપી નથી, પણ સાલો ગેબી તો ખરો. જેને જેને પ્રેમના વાયરસની ઝપાટ વાગી છે, એના ઈતિહાસ લખાયા. એની હાલત કોરોનાના દર્દી જેવી થઇ જાય. એવાને તાવ કરતા સુઝાવ બહુ આવે. પ્રકૃતિ સાથે એવો રમણભ્રમણ થઇ જાય, કે આડી-ઊભી તો સેલ્ફીઓ લેવા માંડે. સમુદ્રને પી જવાનો હોય એમ દરિયાનો કાંઠલો પકડે ને, મોંજાઓ સાથે વ્હાલપના સંદેશા મોકલે. વાયરસમાં તો શ્વાસની જ તકલીફ આવે, ત્યારે પ્રેમરસમાં તો શ્વાસ ઉપરથી પણ ભરોસો ઊઠવા માંડે. પથારીના તકિયા સાથે પ્રેમના તકિયા કલામ કરવા માંડે. અમુક વખતે તો એવી હોંશ ખોઈ બેસે કે, ચાઇનીશ આઈટમ નહિ સુંઘાડીએ ત્યાં સુધી શ્રીશ્રી ભગો ભાનમાં નહિ આવે.

કાનમાં પેન્સિલ ફેરવતાં-ફેરવતાં ભગો થાકી ગયો, છતાં હજી એવા નિર્ણય ઉપર નથી આવ્યો કે, ‘કોરોનાથી ચાઈના બદનામ થયું કે, સાલું ચાઈનાથી કોરોના બદનામ થયો.? મને કહે, ‘રમેશિયા. આ ભગવાન જેવા ભગવાન પણ આપણી સાથે વેઢાવંચા તો કરે જ છે યાર? ઘરના છોકરાં ઘંટી ચાટે, ને પાડોશીને શિરામણ ખવડાવે.. જનમ લે ભારતમાં ને સુંદરતા ચાઈનાને આપે.. અગરબત્તીના ધૂમાડા આપણે કરવાના, ને લાભ ખાય ચાઇનીશ ચૂંઉઉઉમ . આઈ મીન ચાઈના.. આપણું તો લોહી ઉકળે યાર? ચીનાઓને ચીકણા બનાવ્યા ને આપણને બરછટ? દિવસમાં દશવાર દાઢી છોલીએ તો પણ ચાઈનીશ જેવી મસોટી નહિ આવે.. આપણો દેખાવ જોઇને તો સાલા કૂતરાઓ પણ દાંતિયા કરે. ભસીને એવાં ભગાવે કે, પાછળ પડ્યા તો પાટલુન પણ બદલવી પડે.

ત્યારે ચીનણ એવી ચીકની ચમેલી લાગે કે, પાણી ગળે તો દૂધ દેખાય, ને દૂધ ગળે તો ફાલુદાની ધાર જતી હોય એવું લાગે . બે ઘડી તો એમ જ થાય કે, આપણું એકાદ મંગળસૂત્ર એના ગળામાં હોય તો કેવું સારું? એનું હરણ કરવા માટે આપણને પણ રાવણવેડા કરવાની લાલસા જાગે યાર? હસવાની વાત નથી પણ ચીનણને જોઇને જો મન ‘ગાર્ડન-ગાર્ડન’ થતું ના હોય તો, ક્યાં તો, ભાઈએ વનવાસ ખેડવો જોઈએ, ક્યાં તો ગોરખપુરની ગાડી પકડી લેવી જોઈએ.. શું સાલી ચીનાઓની ચામડી? એવી મલમલ કે, ભારતના સાબુ તો નજીક જતા પણ થથરે.. મૂંઝાય બિચારો કે, સંગતે જવામાં આપણું રેપ્યુટેશન બગડ્યું તો.? મેલ કાઢવાને બદલે ક્યાંક મેલ મૂકી આવ્યા તો?

ચીનાઓ વાત વાતમાં ક્યારેય મોઢાં કે ખભા ચઢાવતા નથી. હસવાના થાય તો અમસ્તા પણ ડાબે-જમણે હોઠ ખેંચે. હાસ્યની એસેસરી ભંગારમાં કાઢતા નથી. હસવાનું આવે કે નહિ આવે, હસવામાંથી ખસે નહિ. છેક આપણી જેમ તો નહિ જ કે, હાસ્યની ફીક્ષ ડીપોઝીટ કરે, ને ટેન્શનને કરંટ ખાતામાં રાખે.. ને એમની ભાષા પણ કેવી ફાંકડી.. ધ્યાનથી સાંભળીયે તો એવું લાગે કે, આ લોકો શ્વાસ લેવાનું કામ મોં પાસે, ને બોલવાનું કામ નાક પાસે લેતા હોવા જોઈએ. શ્રીશ્રી ભગો હજી સોશ્યલ ડિસ્ટન્સના કુંડાળામાંથી બહાર નીકળ્યો નથી. એને એક જ ચિંતા સતાવે છે કે, આત્મનિર્ભર તો બનવું છે, પણ આત્મા ચીનણ પાસે છે ને આપણા હાથમાં અલ્લાયો પણ નથી.

-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts