ઓલપાડ તાલુકાના એરથાણ ગામે રવિવારે ખેડૂત સમાજ ગુજરાતના ઉપક્રમે યોજાયેલી સ્નેહમિલન અને કિસાન મહાપંચાયતમાં દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા. ખેડૂતોના વર્ષોથી પડતર રહેલા પ્રશ્નો, ખેતીના સતત વધતા ખર્ચ અને જમીન-પાણીના અધિકારોના મુદ્દે મહાપંચાયતમાં ઉગ્ર ચર્ચા થઈ હતી. ખાસ કરીને આગામી સમયમાં 90 દિવસ સુધી સિંચાઈનું પાણી બંધ રહેવાની સંભાવના, વીજ ટ્રાન્સમિશન લાઈનથી ખેતીની જમીનને થતું નુકસાન, ટોરેન્ટ પાવરની ગેસ પાઇપલાઈન અને કાઠા વિસ્તારના ખેડૂતોના રૂ.7.50 કરોડના બાકી નાણાંના મુદ્દે ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. પ્રશ્નોનું સમયમર્યાદામાં નિરાકરણ નહીં આવે તો સરકાર સમક્ષ સંગઠિત રજૂઆતો સાથે આંદોલનાત્મક કાર્યક્રમો યોજવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો.
મહાપંચાયતમાં ખેડૂતોના હિત અને અધિકારોના રક્ષણ માટે સંગઠનની તાકાત વધારવા પર ભાર મૂકાયો હતો. ખેડૂતોને માત્ર આશ્વાસન આપવાને બદલે તેમના પ્રશ્નોનો નક્કર ઉકેલ લાવવાની માગ સાથે સરકાર અને સંબંધિત વિભાગો સામે એકસાથે અવાજ ઉઠાવવાની તૈયારી દર્શાવવામાં આવી હતી.
ભાજપનાં નેતાઓના કૌભાંડથી અસરગ્રસ્ત કાઠા સુગરનાં ખેડૂતોના રૂ.7.50 કરોડ ચૂકવવાની માગ કરવામાં આવી હતી.
કાઠા વિસ્તારના ખેડૂતોને મળવાના બાકી રહેલા રૂ.7.50 કરોડની રકમ તાત્કાલિક અને સંપૂર્ણ ચૂકવવાની માગ પણ મહાપંચાયતમાં ગાજી હતી. આ ઉપરાંત રાસાયણિક ખાતરના વધતા ભાવ, ખાતરના ઓનલાઇન વિતરણની જટિલ પ્રક્રિયા અને ખેતીની વધતી પડતર સામે પણ સરકારનું ધ્યાન દોરવાનો નિર્ણય લેવાયો હતો.
આ પ્રસંગે કિસાન સંઘર્ષ સમિતિના કન્વીનર જયેશભાઈ પટેલ, ખેડૂત અને સહકારી આગેવાન દર્શનભાઈ નાયક, સુમુલ ડેરીના માજી ડિરેક્ટર જયેશભાઈ પટેલ, દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશભાઈ પટેલ, સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલભાઈ પટેલ, ભરૂચ જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ જયેશભાઈ પટેલ, કામરેજ તાલુકા ખેડૂત સમાજના પ્રમુખ બળવંતભાઈ પટેલ, કામરેજ સુગરના ડિરેક્ટર વિરલભાઈ પટેલ સહિત ગોવિંદભાઈ પટેલ, ચીમનભાઈ પટેલ, સુરેશભાઈ ચૌધરી અને રાજુભાઈ પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.મહાપંચાયતના અંતે ખેડૂતોના હક અને અધિકાર માટે સંયુક્ત લડત આપવાનો સંકલ્પ વ્યક્ત કરાયો હતો.
90 દિવસ સિંચાઈનું પાણી બંધ રહેવાની સંભાવનાથી ચિંતા
ખેડૂતો માટે સૌથી ચિંતાજનક મુદ્દો સિંચાઈના પાણીનો રહ્યો હતો. આગામી સમયમાં 90 દિવસ સુધી સિંચાઈનું પાણી બંધ રહેવાની સંભાવનાને પગલે ઊભા પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી હતી. ખેતીના ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે પૂરતું અને નિયમિત પાણી નહીં મળે તો ખેડૂતોની આર્થિક સ્થિતિ વધુ કથળશે તેવી ચિંતા વ્યક્ત કરી પાણી પુરવઠો જાળવી રાખવા સરકાર સમક્ષ રજૂઆત કરવાનો સૂર વ્યક્ત થયો હતો.
વીજ લાઈન અને ગેસ પાઇપલાઈન સામે ખેડૂતોનો વિરોધ
ખેડૂતોની કિંમતી ખેતીલાયક જમીનોમાંથી પસાર થતી હાઈટેન્શન વીજ ટ્રાન્સમિશન લાઈનોના કારણે જમીનના ઉપયોગ અને ખેતીને થતી અસરો સામે પણ રોષ વ્યક્ત કરાયો હતો. વળતરના વર્તમાન ધોરણો અન્યાયી હોવાનો મુદ્દો ઉઠાવી યોગ્ય વળતર આપવાની માગ કરવામાં આવી હતી. તેવી જ રીતે ટોરેન્ટ પાવરની ગેસ પાઇપલાઈન ખેડૂતોની સંમતિ, જમીનના નુકસાનનું યોગ્ય મૂલ્યાંકન અને ન્યાયી વળતર વિના ખેતીની જમીનોમાંથી પસાર કરવાના મુદ્દે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ખેડૂતોના હિતને નુકસાન ન થાય તે માટે આ મુદ્દે સંગઠિત લડત આપવાનો સંકલ્પ લેવાયો હતો.