‘વંદે માતરમ’ના 150 વર્ષ પૂર્ણ થવાના રાષ્ટ્રીય ઉજવણી કાર્યક્રમના ભાગરૂપે ભારતીય સેના દ્વારા આયોજિત ‘વંદે માતરમ 150 – નેશનલ યુનિટી ફ્લાઇટ’ માઇક્રોલાઇટ અભિયાન 26 નવેમ્બરના રોજ પોરબંદર પહોંચ્યું હતું. નૌકાદળ દિવસ-2026ની ઉજવણી પૂર્વે આ અભિયાને પોરબંદરમાં સાહસ, દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાનો અનોખો માહોલ સર્જ્યો હતો.
આર્મી એડવેન્ચર વિંગ અને આર્મી સર્વિસ કોર્પ્સના નેજા હેઠળ યોજાયેલા આ અભિયાનમાં બિહારના ગયા થી બેંગલુરુ સુધી 4,434 કિલોમીટરની હવાઈ સફર કરવામાં આવી રહી છે. દેશનાં 35 સ્થળોને આવરી લેતા આ અભિયાનનું નેતૃત્વ અનુભવી માઇક્રોલાઇટ પાઇલટ કર્નલ રાહુલ મંકોટિયા કરી રહ્યા છે. રાષ્ટ્રીય એકતા, દેશપ્રેમ અને સાહસિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાની સાથે સામાન્ય નાગરિકોમાં ઉડ્ડયન ક્ષેત્ર અંગે જાગૃતિ ફેલાવવાનો તેનો હેતુ છે.
27 નવેમ્બરના રોજ પોરબંદરમાં બે વિશેષ હવાઈ પ્રદર્શન યોજાયાં હતાં. સવારે નેવી ચિલ્ડ્રન સ્કૂલ ઉપર માઇક્રોલાઇટ વિમાનોએ આકર્ષક ફ્લાયપાસ્ટ કરીને વિદ્યાર્થીઓને રોમાંચિત કર્યા હતા. રંગબેરંગી પેરાશૂટ સાથે બાંધીને ચોકલેટ હેમ્પર્સ આકાશમાંથી વરસાવવામાં આવતાં બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સેનાના જવાનોએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરીને લશ્કરી તાલીમ, એનસીસી અને શોખ માટેના ઉડ્ડયન ક્ષેત્રમાં માઇક્રોલાઇટ વિમાનોની ઉપયોગિતા સમજાવી હતી.
સાંજે પોરબંદરના ચોપાટી બીચ ઉપર યોજાયેલા હવાઈ પ્રદર્શનમાં સ્થાનિક નાગરિકો અને પૂર્વ સૈનિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. નૌકાદળ દિવસની ઉજવણી પૂર્વેનું આ પ્રદર્શન વિશેષ આકર્ષણ બન્યું હતું.
આ અભિયાન ભારતીય સેના અને ભારતીય નૌકાદળ વચ્ચેના મજબૂત સંકલન, પરસ્પર સહકાર અને સૌહાર્દનું પ્રતીક બન્યું હતું. સાહસ, શિક્ષણ અને જનભાગીદારીના સમન્વયથી પોરબંદરમાં નૌકાદળ દિવસ-2026ની ઉજવણીને વિશિષ્ટ યાદગાર પરિમાણ મળ્યું હતું.