ઇન્ડોનેશિયાની ટોચની ક્રમાંકિત ખેલાડી પ્રિસ્કા મેડેલિન નુગ્રોહોએ રવિવારે બંગાલ ટેનિસ એસોસિએશન કોમ્પ્લેક્સ ખાતે રમાયેલી HCL ITF W15 કોલકાતા 2026 ટેનિસ ટૂર્નામેન્ટની સિંગલ્સ ફાઈનલમાં 14 વર્ષીય ભારતીય ખેલાડી જેન્સી દીપકભાઈ કાનાબારને 6-3, 6-1થી હરાવીને ટાઈટલ જીત્યું હતું.

સપ્તાહની શરૂઆતમાં વિશ્વ ક્રમાંકમાં 486મા સ્થાને રહેલી નુગ્રોહોએ ટોચની સિડ જબ પ્રદર્શન કરતા સેમિફાઈનલ અને ફાઈનલમાં એક પણ સેટ ગુમાવ્યા વિના ચેમ્પિયન બની હતી. તેણે સેમિફાઈનલમાં થાઈલેન્ડની કામોનવાન યોડપેચને 6-1, 6-4થી પરાજય આપ્યો હતો.
પોતાની પ્રથમ પ્રોફેશનલ ફાઈનલમાં પહોંચેલી 14 વર્ષીય જેન્સી કાનાબારની સફર આ ટૂર્નામેન્ટનું મુખ્ય આકર્ષણ રહી હતી. કોઈ પણ સિડ વગરની જેન્સીએ સેમિફાઈનલમાં નેધરલેન્ડ્સની ફ્લોરેન્ટાઈન ડેકર્સને 6-1, 6-0થી હરાવી હતી, તેણે આ ટુર્નામેન્ટમાં પોતાના તમામ 4 મુકાબલા સીધા સેટોમાં જીત્યા હતા, જોકે ખિતાબી મુકાબલામાં તે નુગ્રોહો સામે ટકી શકી નહોતી.
ડબલ્સ ફાઈનલમાં બીજા ક્રમાંકિત ફાંગ એન લિન અને કામોનવાન યોડપેચની જોડીએ ઓન્યુ ચોઈ અને મારિયા પાંક્રાતોવાને 6-4, 6-2થી હરાવી ટાઈટલ જીત્યું હતું. 15,000 ડોલરની ઇનામી રકમ ધરાવતી આ ટૂર્નામેન્ટમાં 12 દેશોના ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં 60 ભારતીય ખેલાડીઓ સામેલ હતા. આ સ્પર્ધાના પ્રદર્શનના આધારે WTA રેન્કિંગ પોઈન્ટ્સ મળે છે અને યુવા ખેલાડીઓને પ્રોફેશનલ ટેનિસમાં આગળ વધવાની તક મળે છે.