વડોદરા એરફોર્સ સ્ટેશનને નિશાન બનાવવાના કથિત આતંકી કાવતરાની તપાસમાં ગુજરાત ATSને વધુ મહત્વની કડીઓ મળી રહી છે. જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાણ ધરાવતા આરોપી મોહમ્મદ શહરુલ ઇસ્લામ કબીરુદ્દીનને ATSની ટીમ દાહોદ લઈ ગઈ હતી, જ્યાં ખરોડ અને ડોકી ગામ નજીકના જંગલ વિસ્તારમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું.
મૂળ આસામનો 22 વર્ષીય શહરુલ ઇસ્લામ વડોદરા જિલ્લાના જરોદ ખાતેથી ઝડપાયો હતો. તપાસમાં ખુલાસો થયો હતો કે પાકિસ્તાન સ્થિત હેન્ડલરની સૂચનાથી તેણે દાહોદ-ઝાલોદ રોડ પર ખરોડ અને ડોકી ગામના જંગલ વિસ્તારમાં ઝાડી-ઝાંખરામાં સંતાડેલી પ્લાસ્ટિકની થેલીમાંથી AK-47 રાઈફલ, બે ખાલી મેગેઝિન અને 23 જીવતા કારતૂસ મેળવ્યા હતા.
આ હથિયારો ક્યાંથી આવ્યા અને આરોપી સુધી કોણે પહોંચાડ્યા તેની કડીઓ મેળવવા ATSએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. હવે હથિયારો મૂકનાર વ્યક્તિ, સ્થાનિક મદદગારો અને આતંકી નેટવર્કની અન્ય કડીઓ અંગે તપાસ તેજ કરવામાં આવી છે. આરોપીના 10 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર થયા હોવાથી ATS તેની પૂછપરછમાં વધુ ખુલાસા મેળવવાની દિશામાં તપાસ કરી રહી છે.