સુરત મહાનગરપાલિકા સંચાલિત સીટી બસ સેવામાં બસોના નબળા મેન્ટેનન્સ અને અપૂરતી સુવિધાઓને લઈને મુસાફરો તરફથી સતત ફરિયાદો ઉઠી રહી હતી. આ ફરિયાદોને ગંભીરતાથી લઈને મનપાની ટ્રાન્સપોર્ટ સમિતિના ચેરમેન મનીષ પટેલ હવે એક્શન મોડમાં આવી ગયા છે. જેના ભાગરૂપે તેમણે આજે અલ્થાણ સ્થિત બસ ડેપોની ઓચિંતી મુલાકાત લઈને સ્થળ પરની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
આ સરપ્રાઈઝ વિઝીટ દરમિયાન ચોંકાવનારી હકીકત સામે આવી હતી કે ડેપોમાં ઉભેલી અને રૂટ પર દોડતી મોટાભાગની સીટી બસોમાં AC બંધ હાલતમાં હતા. મુસાફરોને પડતી હાલાકી જોઈને ચેરમેન મનીષ પટેલ ભારે નારાજ થયા હતા. તેમણે તાત્કાલિક અસરથી મેન્ટેનન્સ વિભાગના જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના પ્રતિનિધિઓને સ્થળ પર જ બોલાવીને બસોનું યોગ્ય સમારકામ કરવા કડક સૂચના આપી હતી. તેમણે સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી હતી કે, હવે પછી જો કોઈ પણ બસ એસી બંધ હાલતમાં ડેપોની બહાર રૂટ પર નીકળશે, તો જવાબદારો સામે કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. જાહેર પરિવહન સેવામાં નાગરિકોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડવી જોઈએ તેવી તાકીદ પણ તેમણે કરી હતી.
બસોના મેન્ટેનન્સ ઉપરાંત ચેરમેન મનીષ પટેલે બસ કંડક્ટરોની કામગીરીની પણ ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. તેમણે કંડક્ટરો પાસે રહેલા ઈ-ટિકિટ મશીનોની જાતે ચકાસણી કરી હતી અને તેમની પૂછપરછ કરી હતી. મુસાફરો પાસેથી ભાડાના પૈસા લીધા બાદ તેમને ફરજિયાતપણે ટિકિટ આપવાની કડક સૂચના કંડક્ટરોને આપવામાં આવી હતી.
અંતમાં ટ્રાન્સપોર્ટ ચેરમેને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, બસોનું મેન્ટેનન્સ સમયસર નહીં થાય અથવા મુસાફરોને ટિકિટ આપવામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ કે બેદરકારી સામે આવશે, તો કોઈની પણ શેહશરમ રાખ્યા વિના તાત્કાલિક અસરથી કડક પગલાં લેવામાં આવશે. ચેરમેનની આ ઓચિંતી તપાસથી બસ ડેપોના સ્ટાફ અને કોન્ટ્રાક્ટરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.